કદાવર નેતા આનંદીબહેન પટેલે મધ્ય પ્રદેશમાં ગવર્નરના પદની ગરીમા લજવી

કદાવર નેતા આનંદીબહેન પટેલે મધ્ય પ્રદેશમાં ગવર્નરના પદની ગરીમા લજવી
મધ્ય પ્રદેશમાં ભાજપના અગ્રણીઓને આનંદીબહેન નરેન્દ્રભાઈનું સપનું પૂરૂ કરવા માટે સરકારી યોજનાઓની કેવી રીતે અમલવારી કરવી તેની સૂચનાઓ આપતાં નજર પડયા

નવીદિલ્હી
આનંદીબેન પટેલ એટલે ગુજરાત ભાજપના કદાવર નેતા. ગુજરાતમાં સાઇડલાઇન થઈ જતાં ભાજપે તેમની કામગીરી ધ્યાને રાખી હાલમાં મધ્ય પ્રદેશના ગવર્નર બનાવ્યા છે. અમિતશાહ અને આનંદીબેન પટલે વચ્ચેની કડવાશ એ જગજાહેર છે. આમ છતાં પીએમ મોદી સાથે આનંદીબહેનના સારા સંબંધોએ તેમને હાંસિયામાં ધકેલાતા બચાવ્યા હતા. ભાજપ ભલે આનંદીબહેન અને અમિતશાહ વચ્ચે ગજગ્રાહ હોવાનું ના કબૂલે પણ બધા જ રાજકીય ટાંટિયા ખેંચને સારી રીતે જાણે છે. આનંદીબહેને મુખ્યમંત્રી તરીકેનું પદ છોડી દીધા બાદ તેઓ ઓછા સક્રિય થયા હોવા છતાં પીએમ મોદીના કાર્યક્રમમાં તેઓની સ્ટેજ પર હાજરી અચૂક રહેતી હતી.આનંદીબહેન પટેલનો ગુજરાત ભાજપના રાજકારણમાં સક્રિય રોલ રહ્યો છે. જેમને ભાજપને મજબૂત કરવા માટે ઘણી મહેનત કરી છે. આનંદીબહેન પટેલને પણ પક્ષે ઘણું મહત્તવ આપ્યું છે. આનંદીબહેન ગુજરાતમાં સાઇડલાઇન થતાં તેમને મધ્ય પ્રદેશની ચૂંટણી અંતર્ગત ગવર્નર બનાવાયા છે.
મધ્ય પ્રદેશની ચૂંટણી અંતર્ગત હાલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી જામી છે ત્યારે મધ્ય પ્રદેશમાં ભાજપના અગ્રણીઓને આનંદીબહેન નરેન્દ્રભાઈનું સપનું પૂરૂ કરવા માટે સરકારી યોજનાઓની કેવી રીતે અમલવારી કરવી તેની સૂચનાઓ આપતી નજર પડી છે.
સતનામાં મધ્ય પ્રદેશના મેયર સાથે થઇ રહેલી વાતચીતના અંશો અહીં છે.
આનંદીબહેન : ૧૬ કરોડ રૂપિયા પડ્યા છે. આજે મે જિલ્લાની તમામ કામગીરીને રૂબરૂ જોઈ છે. હવે કોઈ મોટુ કામ રહ્યું નથી અભિયાન ચલાવીશું
મેયર પ.અમે બાળકો એડોપ્ટ કર્યા છે. પાલિકાના કોર્પોરેટરોએ પણ બાળકોને એડોપ્ટ કર્યા છે. જિલ્લા અધ્યક્ષ અને આંગણવાડી પણ આ જ કામગીરી કરી રહી છે.
આનંદીબહેન : ધારાસભ્યોને પણ કહો આ કામગીરી કરે, વોટ એમ જ થોડા મળશે. ઘરે ઘરે જાઓ અને હાથ ફેરવીને આવોપનહીં તો પાર્ટીને વોટ નહી મળે અધિકારીઓ સામે જોઈને પણ આનંદીબહેને કહયું હતું કે, વોટ તમારે નથી જોઈતા પણ અમારે તો જોઈએ છે. ગોદ લીધા તો જાતે થોડો ખર્ચ ભોગવશે. આ ખર્ચ સરકાર આપશે. આ પ્રકારની કામગીરી કરી તો જ વર્ષ ૨૦૨૨માં નરેન્દ્રભાઈનું સપનું પૂર્ણ થશે…સરકાર દરેકને ૫૦૦ રૂપિયા આપે છે. તે કેવી રીતે ઉપયોગ થાય તે તો જુઓપ.
ખરેખર આનંદીબેન એ ભૂલી ગયા છે કે ગવર્નર એ સંવૈધાનિક પદ છે. રાજ્યપાલ કોઈ પણ પક્ષનો પ્રચાર ના કરી શકે. સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા આનંદીબહેન પટેલના વિડીયોએ મધ્ય પ્રદેશના રાજકારણમાં હલચલ જગાવી છે. કોંગ્રેસ આ બાબતે વિરોધ કરે તેવી સંભાવના છે. આનંદીબહેન રાજ્યપાલ હોવા છતાં ભાજપને મધ્ય પ્રદેશમાં મદદ કરી રહ્યાં છે. આમ પણ મધ્ય પ્રદેશમાં ચૂંટણીને ધ્યાને લઇને જ મોદીએ આનંદીબહેનની મધ્ય પ્રદેશમાં નિમણુંક કરી છે. મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણનું વર્ચસ્વ છતાં આ વર્ષે કોંગ્રેસ પણ મજબૂત જણાઈ રહી છે. ભાજપ કોઈ કચાશ છોડવા માગતું નથી.