કાળિયાર શિકાર કેસ : સલમાન અપરાધી ઘોષિત, ૫ વર્ષની જેલ

વર્ષ ૧૯૯૮ના શિકાર કેસમાં બોલિવુડના સુપરસ્ટારને સજા
કાળિયાર શિકાર કેસ : સલમાન અપરાધી ઘોષિત, ૫ વર્ષની જેલ
કેસમાં સેફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્ર, નીલમ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા : સલમાનને સીધા જ જેલ લઇ જવાયો : આજે જામીન ઉપર સુનાવણી

જોધપુર,તા. ૫
ભારે સનસનાટીપૂર્ણ અને ચર્ચા જગાવી ચુકેલા વર્ષ ૧૯૯૮ના કાળિયાર શિકાર કેસમાં જોધપુરની કોર્ટે આજે તેનો ચુકાદો આપી દીધો હતો. કોર્ટે આ કેસમાં બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાનને દોષિત જાહેર કર્યો હતો અને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. આ ઉપરાંત તેના ઉપર ૧૦૦૦૦ રૂપિયાનો દંડ પણ લાગૂ કર્યો હતો. સજાની અવધિ ત્રણ વર્ષથી વધુ હોવાથી સલમાનને માત્ર સેશન કોર્ટ પાસેથી જ જામીન મળી શકે છે અને સેશન કોર્ટમાં સલમાનના જામીન ઉપર આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે. આવી સ્થિતિમાં સલમાન ખાનને આજે એટલે ગુરુવારના દિવસે રાત્રિ જોધપુરની જેલમાં જ ગાળવી પડશે. સજા વધારે હોવાથી ચુકાદો આવ્યા બાદ સલમાનને તરત જ કસ્ટડીમાં લઇને જેલમાં લઇ જવામાં આવ્યો હતો. સીઆરપીસીમાં નિયમ છે કે, સજાની અવધિ ત્રણ વર્ષથી વધારે હોવાની સ્થિતિમાં સેશન કોર્ટમાં જ જામીન મળી શકે છે. વકીલોએ તરત જ સેશન કોર્ટમાં રજૂઆત કરી દીધી હતી. આમા તેમને અરજીમાં ચુકાદાની નકલ પણ લગાવવાની જરૂર રહેશે. કારણ કે, જામીનની અરજીમાં ચુકાદાની કોપી મુકવાની બાબત ફરજિયાત હોય છે. કોર્ટનો ચુકાદો સવારે સવા અગિયાર વાગે આવ્યો હતો પરંતુ સજાની જાહેરાત આશરે ત્રણ કલાક બાદ એટલે કે બપોરે અઢી વાગે કરવામાં આવી હતી. જો સલમાનને સજા ઓછી થઇ હોત તો આ કોર્ટમાંથી જ જામીન મળી ચુક્યા હોત. તમામ સહ આરોપી ચુકાદો આપવામાં આવ્યો ત્યારે કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાવેલ એજન્ટ દુષ્યંતસિંહ અને દિનેશ ગરવારે હજુ ફરાર છે. આ કેસમાં આજે સલમાન ખાનને પાંચ વર્ષની સજા કરવામાં આવી હતી જ્યારે આ કેસમાં અન્ય આરોપીઓ નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસમાં સેફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ અને તબ્બુને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ચુકાદા પહેલા સલમાને પોતાને નિર્દોષ હોવાની દલીલો કરી હતી. આ કેસમાં સલમાન ઉપરાંત બોલિવુડના અનેક ટોપ સ્ટાર આરોપી હતા. જો કે અન્યો આજે નિર્દોષ છુટી ગયા હતા. ચુકાદા પહેલા કોર્ટમાં પહોંચનાર તમામ કલાકારો પૈકી સલમાન ખાન સૌથી આગળ હતો. આ ગાળા દરમિયાન તેની બહેન અલવીરા અને અર્પિતા પણ તેની સાથે હતી. સેફ અલી ખાન અને નીલમ, તબ્બુ અને અન્યો પણ કોર્ટમાં પહોંચાયા હતા.સોનાલી બેન્દ્રે તેના પતિ ગોલ્ડી બહલની સાથે કોર્ટમાં પહોંચી હતી. અગાઉ વર્ષ ૧૯૯૦ના આ કેસના મામલે જોધપુરની અદાલતે ૨૮મી માર્ચના દિવસે સુનાવણી પૂર્ણ કરી લીધી હતી. સાથે સાથે ચુકાદો પાંચમી એપ્રિલના દિવસે જાહેર કરવાની વાત કરી હતી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે આ મામલામાં તપાસ પૂર્ણ કરી લીધી હતી અને ચુકાદો પાંચમી સુધી અનામત રાખ્યો હતો. અંતિમ દલીલો પૂર્ણ કરી લેવામાં આવી હતી. છેલ્લા ૧૯ વર્ષથી આ કેસ ચાલી રહ્યો છે. ખાનના વકીલ એચએમ સરસ્વતે કહ્યું છે કે, ગયા વર્ષે ૧૩મી સપ્ટેમ્બરના દિવસે આ કેસમાં અંતિમ દલીલોની સુનાવણી શરૂ થઇ હતી. ૨૩મી ઓક્ટોબરના દિવસે પ્રોસીક્યુશનની દલીલો પૂર્ણ થઇ હતી. ગયા વર્ષે ૨૮મી ઓક્ટોબરે અમારી દલીલો શરૂ થઇ હતી અને ૪થી એપ્રિલે પૂર્ણ થઇ હતી. ૨૪મી માર્ચના દિવસે સહઆરોપી માટેના વકીલોએ દલીલો શરૂ કરી હતી જે હવે પૂર્ણ થઇ છે. કાળિયારના શિકાર મામલે આરોપી સલમાન ખાન સહિત તમામ પક્ષોની સુનાવણી બુધવારે પૂરી થઈ ગઈ હતી ૨૦ વર્ષથી આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. સલમાન ઉપરાંત આ કેસમાં સૈફઅલી ખાન, નીલમ, તબ્બૂ અને સોનાલી બેન્દ્રે પણ આરોપી છે. દલીલો બાદ મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રેટ દેવકુમાર ખત્રીએ પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો છે. ૧૯૯૮માં ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ માટે સલમાન ખાન જોધપુર હતો. તેની સાથે ફિલ્મના અન્ય કલાકારો પણ હતા, આરોપ છે કે, સલમાને ધોડા ફાર્મ હાઉસ અને ભવાદ ગામમાં ૨૭-૧૮ સપ્ટેમ્બરની રાત્રે હરણનો શિકાર કર્યો હતો. કાંકાણી ગામમાં ૧લી ઓક્ટોબરે કાળા હરણના શિકારનો આરોપ છે. ૧૯૯૮માં ફિલ્મની શૂટિંગ સમયે સલમાન પર ૪ કેસ દાખલ થયાં હતા. ત્રણ કેસ હરણના શિકાર અને ચોથા કેસ આર્મ્સ એક્ટનો હતો. સલમાન ખાનને આજે દોષિત જાહેર કરવામાં આવતા તેના કરોડો ચાહકો હતાશ થયા હતા. તેની પાસે હાલમાં કેટલીક ફિલ્મો રહેલી છે. તે હાલમાં રેસ-૩ ફિલ્મને લઇને વ્યસ્ત છે. ૨૫મી જુલાઇ ૨૦૧૬ના દિવસે રાજસ્થાન હાઇ કોર્ટે ઘોડા ફાર્મ હાઉસ અને ભવાદ ગામ ચિંકારા કેસમાં સલમાન ખાનને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. એ વખતે હાઇકોર્ટે કહ્યુ હતુ કે તેની પાસે કોઇ નક્કર પુરાવા આ કેસમાં રહ્યા નથી. આજે સજા કરતા તમામ ચાહકો નિરાશ છે.

જોધપુર જેલના કેદી નંબર 106 સલમાનખાને રાત્રે ભોજન કરવાની ના પાડી:કાલે જેલના કપડાં અપાશે

જોધપુર:ફિલ્મ અભિનેતા સલમાન ખાનને 1998ના કાળિયાર શિકાર કેસમાં જોધપુરની કોર્ટે પાંચ વર્ષ જેલની સજા ફરમાવતા સલમાનને જોધપુર જેલમાં લઇ જવાયો છે જેલમાં તેને કેદી નંબર 106 મળ્યો છે. સલમાનને તે બેરેકમાં રાખવામાં આવ્યો છે જેમાં આસારામ સજા કાપી રહ્યો છે.

   જોધપુર ડીઆઈજી(જેલ) વિક્રમ સિંહે જણાવ્યું કે જ્યારે સલમાન ખાનને જેલમાં લઈ જવામાં આવ્યો ત્યારે તે થોડો ડિપ્રેશનમાં હતો. સિંહે દાવો કર્યો કે સલમાન ખાનને કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી નથી. તેને સામાન્ય કેદીની જેમ રાખવામાં આવશે. સુરક્ષાનો પુરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સલમાન ખાનને જેલના કપડાં કાલે આપવામાં આવશે
સિંહે વધુમાં જણાવ્યું કે સલમાન ખાનને રાતે ખાવાનું અપાયું હતું પરંતુ તેણે ભોજન કરવાની ના પાડી દીધી.તેને જેલના વાસણોમાં ખાવાનું અપાશે સલમાન ખાનને જેલના મેન્યુ હિસાબથી સામાન્ય કેદીઓની જેમ ખાવાનું અપાશે ગુરુવારે જેલનું મેન્યુ રીંગણનું શાક, રોટલી અને દાળ છે. જેલમાં બહારથી ફૂડ મંગાવવા પર મનાઈ છે.

    કાળિયારના શિકાર મામલે દોષિત ઠરેલા સલમાન ખાને જો કે જેલમાં ગયા બાદ કોઈ ડિમાન્ડ કરી નથી. અગાઉ 52 વર્ષના સલમાનને કાયદા દ્વારા પ્રતિબંધિત લુપ્તપ્રાય પ્રજાતિના બે કાળા હરણ (કાળિયાર)ના શિકાર માટે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 9/51 મુજબ દોષિત ઠેરવવામાં આવ્યો. ઘટના બોલિવૂડની ફિલ્મહમ સાથ સાથ હૈના શુટિંગ દરમિયાન 1-2 ઓક્ટોબર 1998ના રોજ જોધપુર નજીકના કનકની ગામમાં ઘટી બની હતી.

    અભિનેતાના પક્ષનું પ્રતિનિધિત્વ હસ્તિમલ સારસ્વત કરી રહ્યાં હતાં. સલમાન ખાનને ચુકાદો મુખ્ય ન્યાયિક દંડાધિકારી દેવકુમાર ખત્રીએ સંભળાવ્યો. દરમિયાન સલમાન ખાનની બહેન અલવિરા અને અર્પિતા પણ હાજર હતાં. મામલાની સુનાવણી છેલ્લા 19 વર્ષથી જારી હતી. કોર્ટે 28 માર્ચના રોજ છેલ્લી દલીલ બાદ ચુકાદાને અનામત રાખ્યો હતો. જીવ રક્ષા બિશ્નોઈ સભાએ અન્ય આરોપીઓને છોડી મૂકવાના ચુકાદાનો વિરોધ કર્યો છે. સંગઠનના રાજ્ય અધ્યક્ષ શિવરાજ બિશ્નોઈએ કહ્યું કે તેમને છોડી મૂકવાના ફેસલાને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે.