the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

કાવેરી વિરોધ વચ્ચે આઈપીએલ મેચો ચેન્નાઈમાંથી ખસેડવા નિર્ણય

એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની મેચો હવે અન્ય જગ્યાએ રમાશે
કાવેરી વિરોધ વચ્ચે આઈપીએલ મેચો ચેન્નાઈમાંથી ખસેડવા નિર્ણય
જટિલ કાવેરી નદીના જળ વહેંચણીને લઈ હિંસક વિરોધ પ્રદર્શન જારી રહેતા તોફાનની દહેશત વચ્ચે આયોજકોનો નિર્ણય : કરોડો ક્રિકેટ પ્રેમીઓને ફટકા

નવી દિલ્હી, તા.૧૧
હાઈપ્રોફાઈલ ઈન્ડિયન પ્રિમિયલ લીગ-૧૧ની ચેન્નાઈમાં રમાનારી તમામ મેચોને અન્યત્ર ખસેડી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાના અહેવાલ મળ્યા છે. જોકે આને હજુ સમર્થન મળ્યું નથી પરંતુ કાવેરી જળ વિવાદને લઈને થઈ રહેલા વિરોધ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચેન્નાઈના એમએ સ્ટેડિયમમાં જેટલી પણ મેચો રમાનાર હતી તે તમામ મેચોને હવે અન્યત્ર શિફ્ટ કરવામાં આવી છે. આ તમામ મેચો હવે ક્યાં રમાશે તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી. ચેન્નાઈમાં કાવેરી નદીમાં જળ વહેંચણીનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ગઈકાલે ચેન્નાઈ સુપરની મેચ દરમિયાન પણ જોરદાર વિરોધ પ્રદર્શન રહેતા મેદાનમાં ખૂબ ઓછા ચાહકો પહોંચ્યા હતા. વિરોધ પ્રદર્શન અને હિંસાની દહેશત વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિઝનમાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં કુલ સાત મેચો રમનાર હતી. જે પૈકી હજુ સુધી માત્ર એક જ મેચ રમાઈ હતી. ગઈકાલે ચેન્નાઈ સુપર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ દરમિયાન પણ વિરોધ પ્રદર્શન થતા આયોજકો ચિંતાતૂર થયા હતા. સ્ટેડિયમની બહાર લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. મજબૂત સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં ઘણા લોકો સ્ટેડિયમની અંદર પહોંચી ગયા હતા અને આ લોકોએ મેદાનમાં શૂઝ ફેંક્યા હતા. એક શૂઝ ફિલ્ડંગ કરી રહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડી રવિન્દ્ર જાડેજાની તરફ ફેંકવામાં આવ્યું હતું. સ્ટેડિયમની બહાર મેચની ટિકિટ અને ચેન્નાઈના ટીશર્ટ સળગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કાવેરી નદીના પાણીના વિભાજનને લઈને તમિલનાડુના હિસ્સામાં ઘટાડો કરી દીધો છે. સાથે સાથે કર્ણાટકને વધુ પાણી આપવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત કાવેરી જળ પ્રબંધન બોર્ડની હજુ સુધી રચના કરવામાં આવી નથી. આ તમામ બાબતોને લઈને તમિલનાડુમાં વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો હતો. આના પર તમિલનાડુના વિપક્ષમાં બેઠેલા વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા છે. દેખાવકારોનું કહેવું છે કે જ્યારે રાજ્યના ખેડૂતો અને લોકો પાણીના સંકટને લઈને પરેશાનમાં છે ત્યારે રાજ્યમાં આઈપીએલની મેચો રમાવવી જોઈએ નહીં. સ્થાનિક નેતાઓનું કહેવું છે કે જો મેચો રમાડવામાં આવશે તો મેદાનની અંદર સાપ છોડી દેવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, ગયા શનિવારના દિવસે ઉદ્‌ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો સાતમી એપ્રિલથી શરૂ થશે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. આ વખતે અનેક સ્ટારખેલાડી હાલમાં ઘાયલ હોવાથી ક્રિકેટ ચાહકો નિરાશ છે. પરંતુ તેમની શરૂઆતની કેટલીક મેચો બાદ વાપસી થનાર છે. કેટલાક ખેલાડી સમગ્ર શ્રેણીમાં પણ રમનાર નથી. આવી સ્થિતીમાં રોમાંચકતા પર માઠી અસર થઇ શકે છે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે.ે આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે. બોલ ટેમ્પરિંગના આરોપમાં દોષિત જાહેર થતા સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોરનર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેથી બન્ને ખેલાડી એક વર્ષ સુધી રમનાર નથી. કાવેરી વિરોધને લઈને ચેન્નાઈમાં રમાનાર મેચો અન્યત્ર ખસેડવાનો નિર્ણય કરાતા ક્રિકેટ ચાહકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. આઈપીએલની મેચોમાં ચેન્નાઈ સુપર ટીમનું નેતૃત્વ ધોની કરી રહ્યો છે અને ધોનીને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો પહોંચી રહ્યા હતા પરંતુ ગઈકાલે ચેન્નાઈના મેદાન પર હિંસા જોવા મળી હતી. જોકે સુરક્ષા જવાનોએ ભારે જહેમત બાદ હિંસક તત્વોને બહાર મોકલી દીધા હતા પરંતુ આગામી મેચોમાં હિંસાની દહેશત હોવાથી મેચો અન્યત્ર ખસેડવામાં આવી રહી છે.