કૃષિ ક્ષેત્ર માટે નક્કર આયોજનની જરૂર

કૃષિ ક્ષેત્ર માટે નક્કર આયોજનની જરૂર

ખેડૂતોની નારાજગી વહોરવાનું ટાળીને મહારાષ્ટ્ર સરકારે ફરી એક વખત નમતું જોખીને ખેડૂતોની ક્રોપ લોન્સ માફ કરવાની માગણીનો સ્વીકાર કરી લીધો છે. યુપીએ સરકાર દ્વારા પસાર કરાયેલા ફોરેસ્ટ રાઈટસ એકટ હેઠળ અપાયેલી ખાતરી પ્રમાણે, જમીનની માલિકી સંબંધિત માગણી કરી રહેલા ગરીબ ખેડૂતોના દાવાઓને ધ્યાનમાં લેવાની પણ મુખ્ય પ્રધાને બાંયેધરી આપી છે.કુદરતની મહેરબાની પર જીવતા દેશના ગરીબ ખેડૂતોને રાહત આપવા લોન માફી એક માત્ર કામચલાઉ ઉકેલ છે અને નહીં કે કાયમી. લોનમાફી જો કાયમી ઉકેલ હોત તો તે વારંવાર કરવાની જરૂર ઊભી થતી ન હોત. તાણ હેઠળના કૃષિ ક્ષેત્રને રાજકીય સ્વાર્થ અને મતબેન્કથી પર જોવાનો હવે સમય પાકી ગયો છે.સુસંગત વ્યૂહાત્મક નીતિને અભાવે સારા પાકપાણી ઊતરવા છતાં ખેડૂતોને તેમની ઉપજના સારા ભાવ મળી રહેતા નથી.
દેશમાં મોટા અને સમૃદ્ધ ખેડૂતોને જેટલી આસાનીથી બેન્ક લોન્સ મળી રહે છે તેટલી સરળતાથી લોન્સ મેળવવાનું નાના ખેડૂતો માટે શકય નથી બનતું. બેન્ક લોન મેળવવા માટે નાના ખેડૂતો પાસે જામીન તરીકે મૂકવા માટે ખાસ જમીન હોતી નથી જે સમૃદ્ધ ખેડૂતો પાસે હોય છે. માર્ચ ૨૦૧૨ના અંતે ૧.૬૦ કરોડ નાના ખેડૂતો જેઓ ૨.૫૦ એકરથી ઓછી જમીન ધરાવતા હતા તેમની પાસેથી બાકી લેવાની નીકળતી લોનની રકમનો આંક રૂપિયા ૧.૨૪ લાખ કરોડ હતો જ્યારે પાંચ એકરથી વધુ જમીન ધરાવતા મોટા કહી શકાય એવા ૯૬.૪૫ લાખ ખેડૂતો પાસેથી લોન પેટે રૂપિયા ૧.૪૧ લાખ કરોડ લેવાના બાકી નીકળતા હતા.નાના ખેડૂતોને સરકારી સાધનો પાસેથી સરળતાથી લોન મળી રહેતી હોત તો તેમણે શાહુકારોની દયા પર જીવવું પડતું ન હોત અને તેમના જીવનધોરણ સુધરતા વાર લાગી ન હોત. માર્ચ ૨૦૧૭ના અંતે બેન્કોની એનપીએમાં કૃષિ ક્ષેત્રનો આંક રૂપિયા ૬૦૨૦૦ કરોડ રહ્યો હતો. પાકમાં નિષ્ફળતા તથા અન્ય કારણો ઉપરાંત લોનમાં ડિફોલ્ટની ઊંચી માત્રાને પરિણામે આ આંક જોવા મળ્યો છે.દેશની બેન્કોને એક તરફ એનપીએની સમશ્યામાંથી બહાર નીકળવાના માર્ગો શોધાઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ ખેડૂતોની લોન માફી અને તેમના ઉત્પાદનોના ઊંચા ભાવ પૂરા પાડીને તેમની સમશ્યાનો કાયમી ઊકેલ આવી જશે ખરા એવો સવાલ થયા વગર રહેતો નથી. અત્યારસુધીના અનુભવ પરથી આ પ્રશ્નનો ઉત્તર નકારમાં આવે છે અને લોનમાફીથી બાવાને બેઉ બગાડવા જેવી સ્થિતિ ઊભી થાય છે.
ખેડૂતોની સમશ્યાઓના મૂળિયા જ્યાંસુધી ઉખાડીને ફેંકી દેવામાં નહીં આવે ત્યાંસુધી લોન માફીના ક્રમ ચાલતા રહેશે. મહારાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાં જીડીપીથી કૃષિના વિકાસ દરનું પ્રમાણ નહીંવત રહ્યું છે. એટલે કે કૃષિ ક્ષેત્રમાં વિકાસનો અભાવ જોવા મળ્યો છે જે ખેડૂતોની હતાશાનું એક મોટું કારણ કહી શકાય. શેરડીના ખેડૂતોને બાદ કરતા મોટાભાગના અન્ય ખેડૂતોએ છેલ્લા ચાર વર્ષમાં પડકારોનો સામનો કરવો પડયો છે.કીટાણુ હુમલાએ કપાસના પાકને ભારે નુકસાન પહોંચાડયાનું જોવા મળ્યું હતું. સોયાબીન, તુવેર તથા ચણાના ભાવ ટેકાના ભાવથી નીચે ચાલી ગયાનું જોવા મળ્યું હતું. દેશના ખેડૂતોની સ્થિતિ સુધારવી હશે તો તેમની જળ સુવિધા તથા પાક પદ્ધતિની ઉપલબ્ધ સ્રોતો પ્રમાણે ગોઠવણ કરવાનો વ્યૂહ અપનાવવો જરૂરી છે. દેશમાં જળ સિંચાઈ સુવિધાનો વ્યાપક અભાવ જોવા મળે છે જેને કારણે ચોમાસાની નિષ્ફતા અથવા તો દૂકાળની સ્થિતિમાં પાકને વ્યાપક નુકસાન થાય છે.જ્યારે જ્યારે ખેડૂતોની હાલત બગડે છે ત્યારે તેને સુધારવા માટે દેશના રાજકીય પક્ષો – રાજકારણીઓ સબસિડી, લઘુત્તમ ટેકાના ભાવ, લોન માફી જેવા અગાઉથી ચાલી આવતા શસ્ત્રોનો જ ઉપયોગ કરતા આવ્યા છે. લોન માફી જેવા પગલાં ખેડૂતોને નાણાંકીય બોજમાંથી કામચલાઉ રાહત અપાવે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિમાં કાયમી સુધાર થતો નથી. પાકપાણી માટે ખેડૂતો દ્વારા લેવાતી બેન્ક લોન માફ કરવાથી કૃષિ ક્ષેત્રની સ્થિતિ સદંતર સુધરી જશે એમ માની લેવાનું ભૂલભરેલું ગણાશે. ભારતની કૃષિ ક્ષેત્રની હાલત સુધારવા માટે સમયને અનુરૃપ અનેક પગલાં લેવા આવશ્યક છે.
હરિયાણા- પંજાબમાં જળ સિંચાઈ સુવિધા હોવા છતાં ત્યાંના ખેડૂતોની હાલત વખાણી શકાય એટલી સારી નથી. આ માટેના કારણોમાં એક કારણ પાકની વાવણી પેટે થતાં ઊંચા ખર્ચ અને પાક સામે મળતા નીચા વળતર હોવાનું મનાય રહ્યું છે. આ કારણ આજનું નથી તેમ છતાં તેના તરફ ધ્યાન આપવામાં બેકાળજી દાખવાઈ રહી છે. ઊંચા ભાવ પૂરા પાડવા માટે ટેકાના ભાવમાં વધારો કરવામાં આવે છે ખરા પરંતુ આ ભાવે ખરીદી કેટલી થાય છે તે એક ચર્ચાનો વિષય છે.એક સામાન્ય ઉત્પાદકની જેમ ખેડૂતોને પણ તેમના ઉત્પાદનોના યોગ્ય ભાવ મળી રહે તેવી તેમની ઈચ્છા હોય છે, પરંતુ અનેક પ્રકારની મર્યાદાઓ તેમને આ ભાવ મળવાથી વંચિત રાખે છે. કૃષિ માલોની હેરફેર પર નિયંત્રણ, સરકારી અધિકારી પાસેથી પ્રમાણપત્ર મેળવવાના નિયમ, માલ વેચવા માટે યોગ્ય નજદીકી સ્થળના અભાવ તથા ભાવ સંશોધન માટે યોગ્ય યંત્રણાની ગેરહાજરી ખેડૂતો માટે એક મોટી સમશ્યા બની રહેલી છે.
ખેતરમાંથી દૂરના વિસ્તારે આવેલા લિલામ કેન્દ્ર ખાતે માલ વેચવા જવું હોય તો ખેડૂતોએ સરકારી અધિકારી પાસેથી પ્રમાણપત્ર મેળવવું પડે છે જેની તેમણે કોઈને કોઈ કિંમત ચૂકવવી પડતી હોય છે. વચેટિયાઓ ખેડૂતોને નાણાં તો તાત્કાલિક આપી દે છે પરંતુ તેમના ઉત્પાદનોના પર્યાપ્ત ભાવ પૂરા પાડતા નથી એ હકીકતને સરકાર નકારી શકે એમ નથી.છૂટક બજારમાં અથવા તો શહેરી વિસ્તારોમાં અંતિમ વપરાશકાર કૃષિ માલો માટે જે કિંમત ચૂકવતો હોય છે તે કિંમત ખેડૂતોને ક્યારેય જોવા મળતી નથી.
વર્ષ પહેલાનું જ ઉદાહરણ લઈએ તો મહારાષ્ટ્રમાં ખેડૂતો પાસેથી ખરીદાતી તુવેર દાળના જથ્થાબંધ ભાવમાં ઊંચા ઉત્પાદનને પગલે કડાકો બોલાઈ ગયો હતો પરંતુ છૂટક ભાવ પ્રમાણમાં ઊંચા જ બોલાઈ રહ્યા હતા.
દેશમાં જ્યારે જ્યારે પણ ચોમાસું નબળું પડે છે ત્યારે ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાય જાય છે અને પોતે જાણે ખેડૂતોના ખરેખર હિતેચ્છુ હોય તે રીતે નીતિવિષયકો અને રાજકારણીઓ ખેડૂતોની સ્થિતિ પર ચર્ચા કરવા લાગી જાય છે અને તેમને સ્થિતિમાંથી બહાર કેમ કાઢવા તેના ઉપાયો શોધવા લાગે છે. જો કે ઉપાયમાં ક્યારેય નવીનતા જોવા મળતી નથી.કૃષિ ક્ષેત્ર દેશના રાજકારણીઓની મોટી વોટબેન્ક હોવાથી તેને લગતા વિવાદો-ઉપાયોમાં રાજકીય રંગ જ રહેતો હોય છે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં ખેડૂતોની હાલમાં યોજાઈ ગયેલી રેલીમાં અનેક રાજકીય આગેવાનોએ પોતાની ભૂમિકા ભજવવાનું બાકી રાખ્યું નહોતું.’મોદી સરકાર દ્વારા ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો તેમજ દેશની કૃષિ નિકાસ પણ બમણી કરવાનો લક્ષ્યાંક મુકાયો છે. પરંતુ, કૃષિ ક્ષેત્રનું પ્રવર્તમાન ચિત્ર તેમજ કૃષિ નિકાસ અંગેના હાલના સંયોગોને જોતાં આ બે લક્ષ્યાંક પૂર્ણ થવા સામે શંકા ઉદ્ભવી રહી છે. જો કે, સરકાર દ્વારા આ બે લક્ષ્યાંક સરળતાથી હાંસલ થાય તે માટે કૃષિ બજારમાં મોટા પાયે ફેરફાર કરવાની યોજના હાથ ધરી છે. આ યોજનાના અમલ બાદ આ બે લક્ષ્યાંક હાંસલ કરવામાં સરળતા રહેશે તેમ સરકારનું માનવું છે.સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા ખેડૂતોને કૃષિ પાકના દોઢ ગણા ભાવ આપવાની કરાયેલ જાહેરાત સંદર્ભે તાજેતરમાં એક બેઠક મળી હતી. નીતિ આયોગના નેજા હેઠળ મળેલ આ બેઠકમાં કૃષિ ક્ષેત્રના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી જેમાં મુખ્યત્વે એમએસપીને ઉત્પાદન ખર્ચથી ૫૦ ટકા વધારે કરવાની સિસ્ટમ વિકસાવવા પર ભાર મુકાયો હતો. આ ઉપરાંત દેશના તમામ રાજ્યો સાથે એમએસપી અંગે નવી પદ્ધતિ વિકસાવવા માળખું તૈયાર કરવા નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.સરકાર દ્વારા કૃષિ ક્ષેત્ર માટે જાહેર કરાયેલા આ ત્રણ મુદ્દા અંગે હાલ કેન્દ્ર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેમ જણાવી આ સૂત્રોએ ઉમેર્યું હતું કે, સરકાર નીતિ આયોગ અને રાજ્યો સાથે મળીને એક નવું માળખું વિકસાવવા પ્રયાસ થઈ રહ્યા છે. અત્રે એ નોંધનીય રહેશે કે ઉત્પાદન ખર્ચથી ૫૦ ટકા વધારે લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરવા સરકારે વાસ્તવિક ઇનપુટ ખર્ચ અને પગાર વગરના પારિવારિક શ્રમના મૂલ્યને પણ ધ્યાનમાં રાખવું પડશે. ટૂંકમાં કૃષિ ક્ષેત્રના વિકાસ માટે હાલ સરકારે કવાયત હાથ ધરી છે.આ કવાયતના ભાગરૂપે જ સરકાર કૃષિ બજારોમાં પણ મોટા પાયે બદલાવ લાવવા સક્રિય બની છે. જેમાં માર્કેટ યાર્ડમાં થતા કામકાજોની સાથોસાથ ટ્રેડ પોલિસી પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. થોડા સમય પહેલાં જ સરકાર દ્વારા એગ્રી ટેક અંગેની ડ્રાફ્ટ પોલિસી રજૂ કરવામાં આવી હતી. આ એગ્રી ટ્રેડ પોલીસીમાં દેશભરમાં માર્કેટ યાર્ડમાં વસુલાતી ફી એકસમાન રાખવા તેમજ લેન્ડ લીઝ અંગેના નિયમોમાં ફેરફાર કરવા રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્ર માટેના નિયમોમાં વારંવાર ફેરફાર ન કરવા પણ રજૂઆત કરાઈ છે.
કૃષિ ક્ષેત્ર માટે હાથ ધરાયેલી આ તમામ કવાયત આવકારદાયક બાબત છે પરંતુ જ્યાં સુધી આ ક્ષેત્રના પાયામાં રહેલા પ્રશ્નોનું નિરાકરણ નહી થાય ત્યાં સુધી આ કવાયત પરિણામદાયી નીવડે તેવી શક્યતા જણાતી નથી.જેમ કે, સરકાર કૃષિ નિકાસ બમણી કરવા માંગે છે. પરંતુ કૃષિ નિકાસની વાસ્તવિક સ્થિતિ પર નજર કરીએ તો એક દાયકા જૂના નિકાસ પ્રતિબંધો ઉઠાવી લેવાયા હોવા છતાં કઠોળની નિકાસમાં કોઈ જ વધારો જોવા મળ્યો નથી.