ચંદા કોચર અને શિખા શર્માને કોર્પોરેટ મંત્રાલયનું તેડુ

મેહુલ ચોક્સી ફ્રોડ કેસમાં, ચંદા કોચર અને શિખા શર્માને કોર્પોરેટ મંત્રાલયનું તેડુ
સીબીઆઈ તપાસ કરી રહી છે કે દીપક કોચરે વેણુગોપાલ ધૂત પાસેથી પોતાની કંપની નૂપાવર રિન્યુએબલ્સ માટે કરોડો રૂપિયા લીધા હતા કે નહીં

નવીદિલ્હી
આઇસીઆઇસીઆઇ બેંકનાં સીઈઓ ચંદા કોચર અને એક્સિઝ બેંકનાં સીઈઓ શિખા શર્માને કોર્પોરેટ મામલાના મંત્રાલયે તેડુ મોકલ્યું છે. સીરિયસ ફ્રૉડ ઈન્વેસ્ટિગેશન ઓફિસે હીરા વ્યાપારી મેહુલ ચોકસીના ફ્રૉડ કેસમાં તપાસ માટે બંનેને તેડાવ્યાં છે. મહત્વની વાત એ છે કે બંને સીઈઓએ પોતાની કારકીર્દીની શરૂઆત આઇસીઆઇસીઆઇ બેંકથી કરી છે.
સીબીઆઈએ ચંદા કોચરના પતિ દીપક કોચર અને વીડિયોકોનના પ્રમુખ વેણુગોપાલ ધૂત વચ્ચે સાંઠગાંઠની તપાસ શરૂ કરી છે. આ મામલે હાલ ચંદા કોચરની પૂછપરછ નથી કરવામાં આવતી. પરંતુ આ મામલે સીબીઆઈ તપાસ કરી રહી છે કે દીપક કોચરે વેણુગોપાલ ધૂત પાસેથી પોતાની કંપની નૂપાવર રિન્યુએબલ્સ માટે કરોડો રૂપિયા લીધા હતા કે નહીં.આરોપ મુજબ દીપક કોચરની કંપનીને આ રૂપિયા ધૂતે આઇસીઆઇસીઆઇ બેંકમાંથી ૨૦૧૨માં વીડિયોકોનને અપાયેલા ૩ હજાર ૨૫૦ કરોડ બાદ આપ્યા. મહત્વનું છે કે વીડિયોકોનને આઇસીઆઇસીઆઇ બેંક પાસેથી આ કરજ ૨૦ બેંકોના સમૂહ દ્વારા અપાયેલા ૪૦ હજાર કરોડ રૂપિયાના કરજનો એક હિસ્સો હતો.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ બેંક સમુહનું નેતૃત્વ કર્યું હતુ.આ મામલે આઇસીઆઇસીઆઇ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક બોલાવી છે.. જે બેંકની નાદારી સહિતના મામલાની સમીક્ષા કરશે. હાલમાં આ મામલો નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ પાસે પેન્ડિંગ છે. બેંકે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે આઇસીઆઇસીઆઇ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં એવા મામલાની સમીક્ષા કરવામાં આવશે જે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલને નાદારી હેઠળ મોકલાયા છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આ બેઠક ચંદા કોચર અને વીડિયોકોન ગ્રુપના હિતોના ટકરાવ વિવાદ વચ્ચે યોજાઈ રહી છે. જોકે બેંકે આને રેગ્યુલર મિટીંગ હોવાનું જણાવ્યું છે. ગત વર્ષે એપ્રિલમાં પણ આ બેઠક યોજાઈ હતી. સીબીઆઈએ આ મામલે આઇસીઆઇસીઆઇ બેંકના એમડી અને સીઈઓ ચંદા કોચરના પતિ દીપક કોચર સામે કેસ દાખલ કર્યો છે. જો આ તપાસમાં આરોપ સાચા ઠરશે તો ચંદા કોચરની આબરૂ ધૂળધાણી થઈ જશે..
જુલાઈ ૨૦૧૭ માં એક્સિસ બેંકે શિખા શર્માને ફરી એકવાર ત્રણ વર્ષ માટે સીઈઓ નિયુક્ત કર્યા હતા.. તેમનો નવો કાર્યકાળ જૂનથી શરૂ થશે. બેંકના સીઈઓ તરીકે તેમનો આ ચોથો કાર્યકાળ હશે. પરંતુ રિઝર્વ બેંકે શિખા શર્માની નિયુક્તિ પર ફેર વિચારણા કરવા કહ્યું છે. આરબીઆઈએ સલાહ આપી છે કે શિખા શર્માનો કાર્યકાળ ત્રણ વર્ષને બદલે ફક્ત એક વર્ષ માટે લંબાવવામાં આવે.એક્સિસ બેંક બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આ સલાહ પર વિચાર કરી રહ્યું છે. રિઝર્વ બેંકે આ સલાહ એક્સિસ બેંકના ખરાબ પ્રદર્શન અને સતત ખરાબ થતી એસેટ ક્વોલિટીને ધ્યાને લઈ આપી છે. એક્સિસ બેંકના રિપોર્ટ મુજબ શિખા શર્માના એક વર્ષના કાર્યકાળ દરમ્યાન બેંક નવા સીઈઓ શોધી લેશે.ઉલ્લેખનીય છે કે શિખા શર્માને વર્ષ ૨૦૦૯માં એક્સિસ બેંકે એમડી અને સીઈઓ તરીકેની જવાબદારી સોંપી હતી. બેંકના તત્કાલિન ચેરમેન અને સીઈઓ પી.જે. નાયકે પોતાનો કાર્યકાળ પુરો થાય તે પહેલા પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. તે સમયે શિખા શર્મા આઇસીઆઇસીઆઇ પ્રૂડેન્શિયલ લાઈફ ઈન્શ્યોરન્સના એમડી અને સીઈઓ હતાં. એક્સિસ બેંકની કમાન સંભાળ્યાં બાદ શિખા શર્માની અગ્રેસિવ નીતિને કારણે બેંકને ફાયદો થયો હતો. તેમના કાર્યકાળ દરમ્યાન એક્સિસ બેંકે પોતાના ગ્રાહકો અને શેર હોલ્ડર્સને સારૂ રિટર્ન પણ આપ્યું. પરંતુ હાલના સમયમાં જ્યારે દેશની ખાનગી અને સરકારી બેંકો ખરાબ કર્જમાં ફસાયેલી છે. ત્યારે એક્સિસ બેંકના નફા અને અસેટ ક્વોલિટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રિઝર્વ બેંકના આંકડા મુજબ વર્ષ ૨૦૦૯માં એક્સિસ બેંકની એનપીએ ૧ હજાર ૧૭૩ કરોડ રૂપિયા હતી. જે ૨૦૧૭ માં વધીને ૨૫ હજાર કરોડથી વધી ગઈ છે.