ચીફ જસ્ટિઝ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવને રાજ્યસભામાં મંજૂરી નહિ મળે તો કોંગ્રેસ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવશે

ચીફ જસ્ટિઝ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવને રાજ્યસભામાં મંજૂરી નહિ મળે તો કોંગ્રેસ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવશે
કોંગ્રેસે મહાભિયોગ પ્રસ્તાવ પર જરૂરી સાંસદોના હસ્તાક્ષર કરાવ્યા :નિર્ણંય સભાપતિ કરશે

નવી દિલ્હી :દેશના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવને રાજ્યસભામાં જો મંજૂરી નહિ અપાય તો કોંગ્રેસ સુપ્રીમકોર્ટમાં જઈ શકે છે . સોમવારે કોંગ્રેસ રાજ્યસભાના સભાપતિ સમક્ષ મુખ્ય ન્યાયાધીશ સામે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરે તેવી શક્યતા છે.

    દેશના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની વિપક્ષે તૈયારી કરી છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ રાજ્યસભામાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરશે. જો રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આ પ્રસ્તાવ ફગાવી દેશે તો કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. કોંગ્રેસે મહાભિયોગ પ્રસ્તાવ પર જરૂરી સાંસદોના હસ્તાક્ષર કરાવ્યા છે. જોકે કોંગ્રેસમાં એ વાતની ચર્ચા પણ થઈ છે કે જો રાજ્યસભાના સભાપતિ પ્રસ્તાવને ફગાવી દે તો આગામી પગલું શું હોઈ શકે.

બીજી તરફ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ વકીલાત કરનારા સાંસદોના હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના એ જજો સમક્ષ રજૂ થવા પર રોક લગાવી દીધી છે. જેમની સામે તેઓ મહાભિયોગ પ્રસ્તાવની માંગ કરી રહ્યા છે. રાજ્યસભામાં મહાભિયોગ પ્રસ્તાવ આવે તો તેનો સ્વીકાર કરવો કે પછી ફગાવી દેવો તે સભાપતિના અધિકાર હેઠળ આવે છે. સત્તાપક્ષના વલણને જોતા લાગે છે કે રાજ્યસભાના સભાપતિ તેને મંજૂરી નહીં આપે. કોંગ્રેસના રણનીતિકાર માને છે કે જો મહાભિયોગ પ્રસ્તાવને મંજૂરી ન મળે તો કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ. રાજ્યસભાના સભાપતિની મંજૂરી ન મળે તો સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ એવો તર્ક રજૂ કરી શકે છે તેમનો નિર્ણય તર્કબદ્ધ નથી. જેથી તેને સ્વીકારી ન શકાય.

બંધારણના આર્ટીકલ 105 મુજબ સંસદ અને વિધાનસભાની કામગીરીમાં ન્યાયપાલિકા દખલ નથી કરી શકતી. જોકે કાયદાના જાણકાર માને છે કે કોઈપણ પ્રસ્તાવને મંજૂરી આપવી કે નહીં તે ગૃહની કાર્યવાહીનો હિસ્સો નથી. આ ગૃહના પ્રશાસનિક કાર્યોના દાયરામાં તે આવતું હોય. પ્રશાસનિક નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે.