જ્હોન્સન બેબી પાઉડર લગાવવાથી થયું કેન્સર

જ્હોન્સન બેબી પાઉડર લગાવવાથી થયું કેન્સર, કોર્ટે કહ્યું 760 કરોડનું વળતર ચૂકવે કંપની

વૉશિંગટનઃ વિશ્વની પ્રખ્યાત કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સન પર હવે નવી મુશ્કેલીમાં ફસાઇ છે. અમેરિકાની એક કોર્ટે એક ગ્રાહકની તરફેણમાં ચૂકાદો આપ્યો છે. કોર્ટે જ્હોન્સન બેબી પાઉડરથી મેસોથેલિયોમાં થયું હોવાને લઇને એક કસ્ટમરને 760 કરોડ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. મેસોથેલિયોમાં એ એક કેન્સર છે.

માહિતી પ્રમાણે, બેબી કેર માર્કેટમાં વિશ્વની સૌથી મોટી કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સન અમેરિકાની એક કોર્ટે તેના ગ્રાહકને 760 કરોડનું વળતર આપવા જણાવ્યું છે. નીચલી કોર્ટે 240 કરોડનું વળતર નક્કી કર્યું હતું, જોકે, કેસ આગળ જતાં આ કોર્ટે તેને ત્રણગણું વધારીને 760 કરોડ કરી દીધું.

ન્યૂ જર્સીના 46 વર્ષીય ઈન્વેસ્ટમેન્ટ બેન્કર સ્ટિફન લેન્જો અને તેની પત્ની કેન્ડ્રાએ જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીના બેબી પાઉડરથી મેસોથેલિયોમા થયું હોવાનું દાવો કરી કંપની પાસે વળતર માગ્યું હતું. આ એક કેન્સર છે. કોર્ટે આને માન્ય રાખી ગ્રાહકની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. તેનાથી ફેફસાં, પેટ, હૃદય અને અન્ય અંગોને અસર થાય છે. બેબી પાઉડરમાં એસ્બેસ્ટોસ હોવાથી આ કેન્સર થયું હોવાનું કંપનીના 120 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત નોંધાયું છે.

ચાલુ વર્ષે જાન્યુઆરીમાં લેન્જોએ કેસ કરતા એવો આક્ષેપ કર્યો હતો કે તેઓ 30 વર્ષથી આ બેબી પાઉડર વાપરે છે. તેમાં એસ્બેસ્ટોસને કારણે તેમને કેન્સર થયું છે. કંપનીએ તેના ઉત્પાદનો પર બીમારી કે જોખમની કોઈ ચેતવણી પણ છાપી નહોતી. કંપનીને તેની જાણ હોવા છતાં આમ નહીં કરવું તે બેદરકારી છે.

કંપનીની દલીલ હતી કે લેન્જો જે ઘરમાં રહે છે તેના ભોંયરામાં જે પાઈપ છે તે એસ્બેસ્ટોસની બનેલી છે પરંતુ કોર્ટે કંપનીની દલીલ માન્ય રાખી નહોતી. છેલ્લા બે વર્ષમાં કંપની 7 કેસ હારી ચૂકી છે.કુલ 5950 કરોડનો દંડ ફટકાર્યો છે. જોકે 2700 કરોડના એ કેસમાં ચુકાદો કંપનીની તરફેણમાં આવ્યો હતો. ગયા ઓગસ્ટમાં કંપનીને અલબામાની એક મહિલાને ઓવરીના કેન્સરમાં 475 કરોડનું વળતર આપવું પડ્યું હતું. ત્યાર બાદ મિસોરીના 5 કેસમાં કોર્ટે 1996 કરોડનો દંડ ફટકાર્યો હતો.