ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે ઇ મેમોથી દંડ વસૂલવાની જાહેરાત

ચાલુ વાહને મોબાઇલમાં વાત કરનારને પ્રથમ વખત ૧ હજાર રૂપિયા, બીજી અને ત્રીજી વખત ૨ હજાર ભરવાના રહેશ
અમદાવાદ

ટ્રાફિકના કડક અમલ અને ઇ મેમોથી દંડ વસૂલવાની કામગીરીનો બીજી વખત પ્રારંભ થઇ રહ્યો છે. ૧૫ એપ્રિલથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે ઇ મેમોથી દંડ વસૂલવાની જાહેરાત કરી દેવામાં આવી છે. મોટાં ભાગના શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને, તેમના વાહનના નંબરના આધારે તેમના ઘરે ઇ મેમો મોકલવામાં આવશે. ટ્રાફિક શાખા દ્વારા ઇ મેમો મોકલવા સાથે દંડની સાથે સાથે તેના નિયમો પણ કડક કરવામાં આવ્યા છે. જેમાં ચાલુ વાહને મોબાઇલમાં વાત કરનારને પ્રથમ વખત ૧ હજાર રૂપિયા, બીજી અને ત્રીજી વખત ૨ હજાર ભરવાના રહેશે. અને જો ચોથી વખત પકડાશે તો લાયસન્સ રદ્દ કરવામાં આવશે.
આ ઉપરાંત વન વે અથવા રોંગ સાઇડમાં વાહન રાખવા, સીટ બેલ્ટ ન પહેરવો, નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવું જેવા નિયમો ભંગ બદલ પ્રથમ વખત ૧૦૦ અને બીજી, ત્રીજી વખત ૩૦૦ અને ત્યારબાદ લાયસન્સ રદ્દ કરવા સુધીના પગલાં લેવામાં આવશે.આ અગાઉ પણ ઇ મેમો વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉ અનેક લોકોએ ઈ ચલણ મોકલાવ્યા છતાં દંડની રકમ ન ભરતાં, સરકાર પાંચથી વધું ઈ મેમો ભરેલા ન હોય તેવા લોકોના લાઈસન્સ રદ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
આ વખતે ઈ-ચલણની સાથેસાથ દંડની રકમમાં ફેરફાર કરવામાં આવ્યા છે.શહેરના અન્ય વિસ્તારો કે જ્યાં સીસીટીવી કેમેરા ન હોય તેવા સ્થળો માટે પીએસઆઇની એક ટીમ તૈયાર કરવામાં આવનારી છે. જે ટ્રાફિકના નિયમનો ભંગ કરતા હોય તેવા લોકોના ફોટા પાડીને કન્ટ્રોલ રૂમમાં મોકલાશે જ્યાંથી આવા વાહન ચાલકોને ઇ મેમો મળશે. જે વાહનચાલકો લાઈસન્સ કે હેલમેટ ન પહેરતા હોય તેમનું આવી બનશે. અનેક લોકો આડેધડ વાહન ચલાવતા હોય છે. જમણી બાજુ વળી જવાનું હોય તો પણ પાછળથી આવીને ચોથી લેનમાં ઉભા રહી જાય છે અને પછી વાહન ચાલકોને અવરોધ પેદા કરીને જમણી બાજુ વળી જતા હોય છે. આવા સમયે અનેકવાર વાહન ચાલક અને ટ્રાફિક પોઈન્ટ પર સીધી લેનમાં જવા માંગતા ચાલકો વચ્ચે બોલાચાલી થતી હોય છે. આવા લોકોએ પણ હવે ત્રીજી આંખથી સાવધ રહેવું પડશે.
જો યોગ્ય રીતે લેન ડ્રાઈવિંગ નહિં કરાય તો દંડ માટે તૈયાર રહેવું પડશે.જો વાહનના ખરીદ વેચાણ બાદ નામ ટ્રાન્સફર ન થયા હોય તો સત્વરે કરાવી લેવા, કારણ કે તે તમારા હિતમાં રહેશે. નહિં તો વાહન વેચી દીધાં પછી પણ આવતા ઈ મેમોથી ભારે પરેશાની ભોગવવી પડશે.
ગુજરાતના મુખ્ય તમામ શહેરો સીસીટીવીથી સજ્જ છે. ટ્રાફિક ભંગ કરતા આ ત્રીજી આંખથી બચી નહિં શકો તે ખાસ સમજી લેજો.ે