ટ્રેડ વૉરનો ભય : સેન્સેક્સ ૩૫૧ પોઈન્ટ તૂટ્યો

ટ્રેડ વૉરનો ભય : સેન્સેક્સ ૩૫૧ પોઈન્ટ તૂટ્યો
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉરના વધતાં જતા ભયને પગલે તેમજ ગ્લોબલ માર્કેટના નેગેટિવ ન્યૂઝ પાછળ શેરોની જાતે-જાતમાં ભારે વેચવાલી ફરી વળી

મુંબઇ
શેરબજારમાં શરૂની મજબૂતી પછી ગાબડું પડ્યું હતું. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉરના વધતાં જતા ભયને પગલે તેમજ ગ્લોબલ માર્કેટના નેગેટિવ ન્યૂઝ પાછળ શેરોની જાતે-જાતમાં ભારે વેચવાલી ફરી વળી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ ૩૫૧.૫૬(૧.૦૫ ટકા) ગબડી ૩૩,૦૧૯.૦૭ બંધ થયો હતો. તેમજ નિફટી ૧૧૬.૬૦(૧.૧૪ ટકા) તૂટી ૧૦,૧૨૮.૪૦ બંધ થયો હતો.અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચાલી રહેલી લડાઈમાં હવે ચીને જવાબ આપ્યો છે. ચીનના રાષ્ટ્રપતિએ અમેરિકાની પ્રોડક્ટ્‌સ પર ૨૫% ડ્યૂટી લગાડવાનો નિર્ણય કર્યો છે. તેના લીધે દુનિયાભરના રોકાણકારોમાં ગભરાટ ફેલાય ગઇ છે. એશિયન બજારોમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.બેંકિંગ, આઇટી, મેટલ, ફાર્મા, કેપિટલ ગુડ્‌સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર અને ઓઇલ એન્ડ ગેસના શેરોમાં વેચવાલી જોવા મળી. બેંક નિફ્ટી ૧.૫%ના ઘટાડા સાથે ૨૪,૧૩૦ની સપાટી પર બંધ રહી. નિફ્ટીના આઇટી ઇન્ડેક્સમાં ૧%, મેટલ ઇન્ડેક્સમાં ૨.૬% અને ફાર્મા ઇન્ડેક્સમાં ૧.૧%માં ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી હાવી રહી. મિડકેપ ઇન્ડેક્સમાં ૧%ના ઘટાડા સાથે બંધ રહ્યો છે. જયારે નિફ્ટીનો મિડકેપ ૫૦ ઇન્ડેક્સ ૧%થી વધુના ઘટાડા સાથે બંધ રહી છે. બીએસઈનો સ્મોલકેપ ઇન્ડેક્સ ૧%ના ઘટાડા સાથે બંધ રહ્યો છે.સવારે એશિયાઈ સ્ટોક માર્કેટની મજબૂતી પાછળ ભારતીય શેરોના ભાવ મજબૂત ખુલ્યા હતા. પણ ચીને અમેરિકાની વિરુધ્ધમાં જવાબી કાર્યવાહીના ભાગરૂપે ૧૦૬ પ્રોડક્ટ પર વધુ ૨૫ ટકા ડ્યૂટી લાદી છે, જે સમાચારને પગલે હોંગકોંગ સ્ટોક માર્કેટનો હેંગસેંગ ઈન્ડેક્સ ૬૬૧ પોઈન્ટ ગબડી પડ્યો હતો. બપોરે યુરોપના સ્ટોક માર્કેટ ગબડ્યા હતા. જેને પગલે ભારતીય શેરોમાં પણ જોરદાર વેચવાલી ફરી વળી હતી. અમેરિકાનો ડાઉ જોન્સ ફયુચર પણ ૨૮૫ પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતો હતો. આમ ગ્લોબલ માર્કેટના નેગેટિવ ન્યૂઝ પાછળ વેચવાલી ફરી વળી હતી.
આરબીઆઈની ધીરાણ નીતિની બેઠક ૪ અને ૫ એપ્રિલે મળશે, જે અગાઉ સ્ટોક માર્કેટમાં સાવેચતીનો માહોલ હતો.
આરબીઆઈ વ્યાજદરમાં કોઈ ફેરફાર નહી કરે, તેમ મનાઈ રહ્યું છે.
ઈન્ડસ્ટ્રીઝની માંગ છે કે ફુગાવાનો દર ઘટ્યો છે, તો વ્યાજ દર પણ ઘટવા જોઈએ.
આજે ઓટોમોબાઈલ સેકટરના શેરોમાં જાણકાર વર્તુળોની નવી લેવાલીથી મજબૂતી આગળ વધી હતી.
ઓટો સેકટર છોડીને બાકીના તમામ સેકટરના શેરોમાં ગાબડા પડ્યા હતા.
રોકડાના શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ ૧૫૦.૦૪ ઘટ્યો હતો.
બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ૧૭૮.૭૦ માઈનસ બંધ હતો.