ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વર્ષ ૨૦૨૧ સુધીમાં ભારતના જીડીપીમાં ૧૫૪ બિલિયન ડોલરનું યોગદાન આપશે

આજે રિલિઝ કરાયેલા નવા બિઝનેસ સ્ટડી મૂજબ વર્ષ ૨૦૨૧ સુધીમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને કારણે ભારતના જીડીપીમાં ૧૫૪ બિલિયન યુએસ ડોલરનો ઉમેરો થશે અને વાર્ષિક વૃદ્ધિમાં ૧ ટકાનો વધારો થશે. માઇક્રોસોફ્ટે આઇડીસી એશિયા/પેસિફિક સાથે મળીને ‘અનલોકિંગ ધ ઇકોનોમિક ઇમ્પેક્ટ ઓફ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઇન એશિયા પેસિફિક’ અભ્યાસ રજૂ કર્યો છે.

આ અભ્યાસ મૂજબ ભારત અને એશિયા પેસિફિકમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની કામગીરીમાં નોંધપાત્ર ગતિ આવી છે. વર્ષ ૨૦૧૭માં ડિજિટલ ટેકનોલોજી જેમકે મોબિલિટી, ક્લાઉડ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) મારફતે તૈયાર કાયેલા ડિજિટલ પ્રોડક્ટ્‌સ અને સર્વિસિસનો ભારતના જીડીપીમાં આશરે ૪ ટકા હિસ્સો હતો.

“ભારત સ્પષ્ટપણે ખુબજ ઝડપથી ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની દિશામાં આગળ વધી રહ્યું છે. આગામી ચાર વર્ષમાં ભારતના લગભગ ૬૦ ટકા જીડીપીનો ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ટ્રેન્ડ્‌સ સાથે મજબૂત જોડાણ રહેવાનો અંદાજ છે,” તેમ માઇક્રોસોફ્ટ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અનંત મહેશ્વરીએ જણાવ્યું હતું. “સંસ્થાઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ઉભરતી ટેકનોલોજીને ઝડપથી અપનાવી રહી છે અને તેના પરિણામે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન આધારિત વૃદ્ધિને બળ મળી રહેશે.”

આ પ્રદેશમાં ૧૫ અર્થતંત્રોના ૧,૫૬૦ મધ્યમ અને મોટા કદના કારોબારના બિઝનેસ ડિસિઝન મેકર્સ ઉપર આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં જણાયું છે કે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને કારણે પરંપરાગત બિઝનેસ મોડલ ઉપર નોંધપાત્ર અને ઝડપી અસરો થઇ રહી છે.

અભ્યાના તારણો મૂજબ આજે સંસ્થાઓ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને કારણે નોંધપાત્ર અને નક્કર સુધારાઓ અનુભવી રહ્યાં છે અને આનાથી તેમને ૧૧થી ૧૪ ટકા વચ્ચેના લાભ થાય છે. કારોબારી અગ્રણીઓ વર્ષ ૨૦૨૦ સુધીમાં વધુ ૪૦ ટકા સુધારાની અપેક્ષા રાખી રહ્યાં છે અને સૌથી વધુ અસરો ઉત્પાકદકતા, ગ્રાહક સેવા અને પ્રોફિટ માર્જીન ઉપર જોવા મળશે.