ડો.તોગડિયાનું વજન બે કિલો ઘટયું : બહુ ન બોલવા સલાહ

તોગડિયાના સત્યાગ્રહ અનશનનો બીજો દિવસ
ડો.તોગડિયાનું વજન બે કિલો ઘટયું : બહુ ન બોલવા સલાહ
પ્રવિણ તોગડિયાના સમર્થનમાં સાધુ-સંતો અને મહંતોનું આગમન વધતુ જાય છે : સરકારની ચિંતામાં વધારો થયો

અમદાવાદ,તા. ૧૮
વિશ્વ હિન્દુ પરિષદમાંથી હકાલપટ્ટી બાદ ડૉ. પ્રવીણ તોગડિયાના આમરણાંત ઉપવાસના સત્યાગ્રહનો આજે બીજા દિવસ હતો. આજે પણ ડો.પ્રવીણ તોગડિયાએ વડાપ્રધાન મોદી પર રામ મંદિર, કોમન સિવિલ કોડ અને ગૌ હત્યા પ્રતિબંધના મુદ્દે સંસદમાં કાયદો પસાર કરવાની માંગણીના પુનરોચ્ચાર સાથે આકરા પ્રહારો કર્યા હતા. બીજીબાજુ, ડો.તોગડિયાના સમર્થનમાં ગુજરાત સહિત દેશભરમાંથી સાધુ-સંતો અને મહંતોનું સમર્થન અને આગમન વધતુ જાય છે. આજે ગિરનારના ભવનાથ મંદિરના મહંત ઉપરાંત, ગઢડા મંદિરના એસપી સ્વામી સહિતના સંત સમાજના દિગ્ગજો તોગડિયાને મળવા પહોંચ્યા હતા અને તેમને પોતાનું ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું. તો, પાટીદાર નેતા દિલીપ સાબવા સહિતના રાજકીય મહાનુભાવોએ પણ તોગડિયાની મુલાકાત લઇ તેમના ખબરઅંતર પૂછયા હતા. જો કે, ૪૮ કલાકના ઉપવાસ વીતી ગયા હોઇ ડો.પ્રવીણ તોગડિયાની તબિયત અને આરોગ્ય પર પણ તેની સીધી અસર વર્તાઇ રહી છે. જેમાં ડો.તોગડિયાનું વજન બે કિલોથી વધુ ઘટી ગયું છે. ડોકટરે તેમને વધુ પડતું નહી બોલવા પણ સલાહ આપી છે. સાથે સાથે તેમનું નિયમિત મેડિકલ ચેક અપ પણ કરવામાં આવી રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદમાંથી હકાલપટ્ટી બાદ પોતાના આ સત્યાગ્રહ અને ઉપવાસ આંદોલનના પ્રારંભ સાથે જ ડો.પ્રવીણ તોગડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે જાહેરમાં ખુલ્લેઆમ મોરચો માંડ્‌યો છે. ગઇકાલથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા પ્રવીણ તોગડિયાએ પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદી પર આજે ફરીવાર સીધા નિશાન તાકી તોગડિયાએ તેમના પર અનેક આરોપ મૂક્યા હતા. ડો.પ્રવીણ તોગડિયાએ મોદીને સીધા સવાલો કર્યા હતા કે, સત્તા મેળવતાં પહેલાં દેશના કરોડો હિન્દુઓને રામમંદિર, ગૌ હત્યા પ્રતિબંધ અને કોમન સિવિલ કોડ મુદ્દે આપેલા વચનો કયારે પાળશો? દેશની કરોડો હિન્દુ જનતા સાથે આ ગંભીર વિશ્વાસઘાત છે. ડો.પ્રવીણ તોગડિયાના આજના અનશન સત્યાગ્રહ દરમ્યાન તેમની સાથે જાહેરમંચ પર વિશ્વ હિન્દુ પરિષદના અન્ય અગ્રણીઓ, હિન્દુ સંગઠનોના વિવિધ પ્રતિનિધિઓ ઉપરાંત સંખ્યાબંધ સાધુ-સંતો અને મહંતો પણ જોડાયા હતા. જેને પગલે ભાજપની છાવણીમાં ખળભળાટ મચી ગયો છે તો સાથે સાથે સાધુ-સંતો અને મહંતોના વ્યાપક સમર્થનને લઇ ભાજપની ચિંતા વધી ગઇ છે.