દાઉદના ત્રણ શાર્પશૂટરોની બુલંદશહેરમાં ધરપકડ થઇ

સિયા વક્ફ બોર્ડના ચેરમેનની હત્યાનું કાવતરુ હતું
દાઉદના ત્રણ શાર્પશૂટરોની બુલંદશહેરમાં ધરપકડ થઇ
મુસ્લિમ કટ્ટરપંથીઓની સામે સિયા વક્ફ બોર્ડના ચેરમેન કામ કરી રહ્યા હતા : હથિયારોનો જથ્થો જપ્ત કરી લેવાયા

નવીદિલ્હી,તા. ૧૩
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને મોટી સફળતા હાથ લાગી છે. આ ટીમે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ત્રણ સાગરિતોની ધરપકડ કરી લીધી છે. અન્ડરવર્લ્ડ ડોનથી ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ નેટવર્કની ખાસ શાખા બની ચુકેલી દાઉદ ઇબ્રાહિમની ડી ગેંગે ઉત્તરપ્રદેશમાં સિયા સેન્ટ્રલ વફ્કબોર્ડના ચેરમેન સૈયદ વસીમ રઝવીની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું પરંતુ પોલીસે તેમના કાવતરા ઉપર પાણી ફેરવું દીધું છે. શહેરની ટીમે ડી કંપનીના ત્રણ શાર્પશૂટરોને બુલંદશહેરમાંથી પકડી પાડ્યા છે. સુત્રોએ કહ્યું છે કે, આ ત્રણેય શખ્સો દુબઈમાં ડી કંપનીના સંપર્કમાં હતા. તેમની પાસેથી પિસ્તોલ અને કારતુસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બીજી બાજુ સુત્રોએ કહ્યું છે કે, એક આરોપી શખ્સ થોડાક સમય પહેલા દુબઈ પણ જઇને આવ્યો હતો જ્યાં તેને ડી કંપની તરફથી એડવાન્સ તરીકે જંગી રકમ આપવામાં આવી હતી. ૪૦૦૦ દિરહમની રકમ આપવામાં આવી હતી. ડીસીપી પ્રમોદકુમાર કુશવાહે ત્રણેયની ધરપકડ અંગેના અહેવાલને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ઝડપાયેલા નામની ઓળખ કરી લેવામાં આવી છે જેમાં સલીમ અહેમદ અન્સારી, અબરાર અને આરિફ તરીકે ઓળખ થઇ છે. ત્રણેય બુલંદશહેરના નિવાસી છે. તેમની પાસેથી બે પિસ્તોલ, ૧૪ કારતૂસ, અનેક મોબાઇલ, કેટલાક સિમ પણ મળી આવ્યા છે. સેલની ટીમ છેલ્લા ઘણા સમયથી ત્રણેયની ગતિવિધિ ઉપર નજર રાખી રહી હતી. ત્રણેય દુબઈથી ડી કંપનીના નેટવર્કમાં હતા. માહિતી પાકી થયા બાદ ત્રણેયને પકડી પડાયા હતા. રિઝવીની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. બુલંદશહેરમાં બાતમી બાદ દરોડા પાડીને આ ત્રણેયને પકડી લેવાયા છે. તેમની પાસેેથી નવી વિગતો સપાટી પર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.