દેશમાં જરૂર કરતા વધુ નોટ સરક્યુલેશનમાં છે : જેટલી

એકાએક માંગ વધવાથી રોકડ કટોકટી સર્જાઈ
દેશમાં જરૂર કરતા વધુ નોટ સરક્યુલેશનમાં છે : જેટલી
ત્રણ દિવસમાં નોટને લઇ ઉભી થયેલી કટોકટી દૂર થશે હાલ એક લાખ ૨૫ હજાર કરોડની કેશ કરન્સી : શુક્લ

નવીદિલ્હી, તા. ૧૭
દેશના કેટલાક રાજ્યોમાં રોકડની કટોકટીના અહેવાલ વચ્ચે નાણામંત્રી અરુણ જેટલીએ આજે કહ્યું હતું કે, કેટલાક વિસ્તારમાં નોટની માંગ અભૂતપૂર્વરીતે વધી ગઈ છે. તેમણે ટિ્‌વટ કરીને કહ્યું છે કે, સરકારે દેશમાં કરન્સીની સ્થિતિ સમીક્ષા કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં જરૂર કરતા વધારે નોટ સરક્યુલેશનમાં છે અને બેંકોમાં પણ પુરતા પ્રમાણમાં નોટ છે. બીજી બાજુ કેન્દ્રીય નાણારાજ્યમંત્રી શિવપ્રસાદ શુક્લાએ કહ્યું છે કે, કેટલાક રાજ્યોમાં નોટની કોટકટી ત્રણ દિવસમાં જ દૂર કરી લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે જેે રાજ્યોમાં રોકડની કટોકટી છે ત્યાં બીજા રાજ્યોની સરખામણીમાં ઓછી નોટ પહોંચી છે. તેમણે કહ્યું હતું કે, સરકાર જરૂર મુજબ રાજ્યો વચ્ચે નોટના યોગ્ય વિતરણની દિશામાં પગલા લઇ રહી છે. શુક્લાએ એમ પણ કહ્યું હતું કે, હાલમાં અમારી પાસે એક લાખ ૨૫ હજાર કરોડની કેશ કરન્સી છે. એક સમસ્યા છે કે, કેટલાક રાજ્યોની પાસે ઓછી કરન્સી છે જ્યારે બીજા પાસે વધારે કરન્સી છે. રાજ્ય સ્તર પર સમિતિની રચના કરવામાં આવી ચુકી છે. બીજી બાજુ આરબીઆઈએ પણ નોટને એક રાજ્યથી લઇને બીજા રાજ્યમાં મોકલવા માટે કમિટિની રચના કરી છે. નાણા રાજ્યમંત્રીએ વિશ્વાસ આપતા કહ્યું છે કે જે રાજ્યોમાં નોટોની કમી છે તે રાજ્યોમાં ત્રણ દિવસની અંદર જ નોટની કમીને દૂર કરી લેવામાં આવશે. રોકડની કટોકટીને લઇને હાલ કેટલાક રાજ્યોમાં નારાજગીનું મોજુ પણ ફરી વળ્યું છે. કેશની કમીના કારણે કેટલાક કામો અટવાયેલા છે. કેટલાક દિવસ પહેલા સુધી નોટની કમીની સમસ્યા પૂર્વીય મહારાષ્ટ્ર, બિહાર અને ગુજરાતમાં ફેલાઈ હતી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આની પાછળ કાવતરાની શંકા વ્યક્ત કરી હતી. અલબત્ત કેન્દ્ર સરકારના સ્પષ્ટીકરણથી કેશ ક્રન્ચ અંગેના કારણો સપાટી ઉપર આવી ચુક્યા છે અને લોકોની ગેરસમજ દૂર થઇ છે.