નિફ્ટી ૪૭ પોઇન્ટ ઉછળી ૧૦૬૧૮ની સપાટીએ

નિફ્ટી ૪૭ પોઇન્ટ ઉછળી ૧૦૬૧૮ની સપાટીએ
સેંસેક્સ ૨૧૨ પોઇન્ટ સુધરી ૩૪૭૧૪ની નવી સપાટી પર
યશ બેંકના માર્ચ ત્રિમાસિક ગાળાના પરિણામથી વેપારી ભારે ખુશ : યશ બેંકના શેરમાં ૧૦ ટકાનો ઉછાળો નોંધાયો

મુંબઇ,તા. ૨૬
શેરબજારમાં આજે તેજી પરત ફરી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૧૨ પોઇન્ટ સુધરીને ૩૪૭૧૪ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૪૭ પોઇન્ટ સુધરીને ૧૦૬૧૮ની ઉંચ સપાટી પર રહ્યો હતો. ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ યશ બેંકના શેરમાં ૧૦ ટકાનો ઉછાળો રહ્યો હતો. વિપ્રોના શેરમાં મોટો કડાકો બોલી ગયો હતો. અમેરિકી બજારમાં ગઇકાલે રાત્રે ૦.૨૫ ટકાનો વધારો થયો હતો. આની સાથે જ છેલ્લા પાંચ કારોબારી સેશનથી ચાલી રહેલી મંદી પર બ્રેક મુકાઇ હતી. આ ઉપરાંત એસએન્ડપી ૫૦૦માં ૦.૧૮ ટકાનો ઉછાળો રહ્યો હતો. ખાનગી સેક્ટરની બેંક યશ બેંકના નેટ નફામાં વધારો થયો છે. માર્ચ ત્રિમાસિક ગાળામાં યશ બેંકનો નેટ નફો ૨૯ ટકા થઇને ૧૧.૭૯ અબજ રૂપિયા સુધી પહોંચી ગયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને હાલમાં મોટી રાહત થઇ હતી. કારણ કે હોલસેલ કિંમતો પર આધારિત ફુગાવો આંશિકરીતે ઘટીને માર્ચમાં ૨.૪૭ ટકા થઇ ગયો હતો. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સના આધાર પર ફુગાવો ફેબ્રુઆરી મહિનામાં ૨.૪૮ ટકા હતો. જ્યારે ગયા વર્ષે માર્ચમાં ફુગાવો ૫.૧૧ ટકા હતો. બીજી બાજુ રિટેલ ફુગાવામાં પણ હાલમાં ઘટાડો નોંધાયો હતો. રિટેલ ફુગાવો માર્ચ મહિનામાં ઘટીને ૪.૨૮ ટકા રહ્યો છે. જે પાંચ મહિનાની નીચી સપાટી ઉપર છે. માર્ચ મહિનામાં શાકભાજી, કઠોળની કિંમતોમાં ઘટાડો થયો છે. આરબીઆઈની વર્ષ ૨૦૧૮-૧૯ની તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા છઠ્ઠી એપ્રિલના દિવસે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ, બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યા હતા. તમામ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા.શેરબજારમાં હાલમાં જોરદાર ઉતારચઢાવની સ્થિતી જોવા મળી રહી છે. શેરબજારમાં ગઇકાલે બુધવારના દિવસે મંદી રહી હતી. કારોબારના અંતે સેન્સેક્સમાં ૧૧૫ પોઈન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૩૪૫૦૧ રહી હતી. જ્યારે બ્રોડર નિફ્ટી ૪૪ પોઈન્ટ ઘટીને ૧૦૫૭૧ની નીચી સપાટીએ રહ્યો હતો. શુક્રવારના દિવસે બંધન બેંક, મારુતિ સુઝુકી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તેમના આંકડા જારી કરનાર છે. ઉત્તર કોરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તે હવે કોઇ નવા પરમાણુ અને મિસાઇલ પરીક્ષણ કરશે નહીં. બેંક ઓફ જાપાન દ્વારા શુક્રવારના દિવસે તેનું નીતિવલણ જારી કરવામાં આવશે મોટા ભાગના કારોબારીઓ હાલમાં સાવધાનીપૂર્વક વલણ અપનાવી રહ્યા છે. કારોબારીઓ હાલમાં કોઇ જોખમ લેવા માટે તૈયાર નથી. શેરબજારમાં અવિરત ઉતારચઢાવના માટે કેટલાક કારણો સ્થાનિક અને કેટલાક વિદેશી રહેલા છે. ટીસીએસની માર્કેટ મુડીમાં હાલમાં થયેલા ઉલ્લેખનીય વધારાની અસર પણ જારમાં જોવા મળી રહી છે. બીજી બાજુ કોર્પોરેટ કંપનીઓ દ્વારા જે પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે તે પરિણામ પર સૌથી વધારે કારોારીઓની નજર રહેલી છે. તેની અસર બજારમાં પણ જોવા મળી રહી છે.