ન્યૂઝીલેન્ડે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે ૩૪ વર્ષ બાદ ટેસ્ટશ્રેણી જીતી

ન્યૂઝીલેન્ડે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે ૩૪ વર્ષ બાદ ટેસ્ટશ્રેણી જીતી
ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચને હારના મુખમાંથી ખેંચી લાવતાં ડ્રો કરવામાં સફળતા મેળવી હતી

વેલિંગ્ટન
ન્યૂઝીલેન્ડે લોઅર ઓર્ડર બેટ્‌સમેન ઇશ સોઢીના ૧૬૮ બોલમાં અણનમ ૫૬ રન અને નીલ વેગનર દ્વારા ૧૦૩ બોલ સુધી સંઘર્ષ કરી ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચને હારના મુખમાંથી ખેંચી લાવતાં ડ્રો કરવામાં સફળતા મેળવી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટ મેચ ઇનિંગ અને ૪૯ રને જીતી હતી જેને કારણે બે ટેસ્ટ મેચની સિરીઝ ૧-૦થી પોતાના નામે કરી હતી. ન્યૂઝીલેન્ડની ઇંગ્લેન્ડ સામે ૧૯૯૯ બાદ પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતી હતી જ્યારે ન્યૂઝીલેન્ડે પોતાની ધરતી પર ઇંગ્લેન્ડ સામે ૧૯૮૩ બાદ ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળતા મેળવી હતી.ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં ૩૦૭ રન બનાવ્યા હતા જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ ૨૭૮ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ૨૯ રનની સરસાઈ મેળવ્યા બાદ ઇંગ્લેન્ડે બીજા દાવમાં નવ વિકેટે ૩૫૨ રન બનાવી દાવી ડિક્લેર કર્યો હતો. પ્રથમ દાવની સરસાઈ ઉમેરાતાં ન્યૂઝીલેન્ડને જીત માટે ૩૮૨ રનનો લક્ષ્યાંક મળ્યો હતો જેના જવાબમાં ચોથા દિવસે વિના વિકેટે ૪૨ રન બનાવી લીધા હતા.
મેચના અંતિમ દિવસની પ્રથમ ઓવરના પ્રથમ અને બીજા બોલે સ્ટુઅર્ટ બ્રોડે જીત રાવલ અને કેન વિલિયમસને આઉટ કરી ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો આપ્યો હતો. તે પછી ટેલર અને નિકોલ્સ પણ ૧૩-૧૩ રન બનાવી આઉટ થયા હતા જ્યારે વોટલિંગ ૧૯ રન બનાવી શક્યો હતો. સદી તરફ આગળ વધી રહેલો લાથમ પણ ૮૩ રન બનાવી આઉટ થઈ ગયો હતો. ગ્રાન્ડહોમે ૪૫ રન બનાવી ટીમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પણ ૪૫ રન બનાવી આઉટ થયો હતો.અહીંથી ઇશ સોઢી અને નીલ વેગનરે મેચને ૩૧.૨ ઓવર સુધી બેટિંગ કરી મેચને ડ્રો કરવામાં સફળતા મેળવી હતી. દિવસની અંતિમ ઓવરના ચોથા બોલે વેગનર આઉટ થયો હતો. આ સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર ૮ વિકેટે ૨૫૬ રન હતો ત્યારે મેચ ડ્રો જાહેર કરાઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી પ્રથમ દાવમાં છ વિકેટ ઝડપનાર સાઉથીને મેન ઓફ ધ મેચ અને સિરીઝમાં કુલ ૧૫ વિકેટ ઝડપનાર ટ્રેન્ટ બોલ્ટને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.