પાકિસ્તાનના ગોળીબારને રોકવા ભારત બંકરોનું નિર્માણ હાથ ધરાશે

પાકિસ્તાનના ગોળીબારને રોકવા ભારત બંકરોનું નિર્માણ હાથ ધરાશે
સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરના વિવિધ સીમાવર્તી વિસ્તારોમાં બંકરોનું નિર્માણકાર્ય થવાનું છે જેમાં સામ્બા, પુંછ, જમ્મુ-કઠુઆ અને રાજૌરીના સીમાવર્તી વિસ્તારોનો સમાવેશ

નવીદિલ્હી
જમ્મુ-કાશ્મીરના સીમાવર્તી વિસ્તારોમાં વારંવાર શસ્ત્રવિરામ ભંગ કરીને પાકિસ્તાન દ્વારા ફાયરિંગ થઈ રહ્યું છે. પાકિસ્તાનને સબક શિખવાડવા માટે કેન્દ્ર સરકારે નક્કર કાર્યવાહી તરફ આગળ વધવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત પાકિસ્તાની ગોળીબારનો સામનો કરનારા સરહદી વિસ્તારના લોકો માટે અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા પાસે લગભગ ૧૪ હજાર સામુદાયિક અને અંગત બંકરોનું નિર્માણકાર્ય હાથ ધરાશે.સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરના વિવિધ સીમાવર્તી વિસ્તારોમાં બંકરોનું નિર્માણકાર્ય થવાનું છે. જેમાં સામ્બા, પુંછ, જમ્મુ-કઠુઆ અને રાજૌરીના સીમાવર્તી વિસ્તારોનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં રહેતા લોકોને પાકિસ્તાન તરફથી થતા ફાયરિંગમાં સૌથી વધુ હેરાનગતિનો સામનો કરવો પડે છે. પાકિસ્તાન દ્વારા થતા શસ્ત્રવિરામ ભંગને કારણે અહીં જાનમાલનું નુકસાન પણ વધુ થાય છે.જમ્મુ-કાશ્મીરના સીમાવર્તી વિસ્તારમાં ૧૩ હજાર ૨૯ જેટલા અંગત બંકર અને ૧૪૩૧ જેટલા સામુદાયિક બંકરોનું નિર્માણ કરવામાં આવશે. અંગત બંકરોનો આકાર ૧૬૦ વર્ગ ફૂટ હશે અને તેમા આઠ લોકોનો સમાવેશ થઈ શકશે. જ્યારે આઠસો વર્ગ ફૂટમાં બનનારા સામુદાયિક બંકરોમાં ૪૦ લોકોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.સામ્બા સેક્ટરમાં ૨૫૧૫ અંગત અને આઠ સામુદાયિક બંકરો બનાવાશે. તેવી જ રીતે જમ્મુમાં ૧૨૦૦ અંગત અને ૧૨૦ સામુદાયિક બંકરોનું નિર્માણ કરાશે. તો રાજૌરીમાં ૪૯૧૮ અંગત અને ૩૭૨ સામુદાયિક બંકરોનું નિર્માણ થશે. કઠુઆમાં સરકાર દ્વારા ૩૦૭૬ સામુદાયિક બંકરો બનાવાશે. જ્યારે પુંછમાં ૧૩૨૦ અંગત અને ૬૮૮ સામુદાયિક બંકરોનું નિર્માણ કરવામાં આવશે.આ બંકરોનું નિર્માણ જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા સંચાલિત રાષ્ટ્રીય બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશનને સોંપવામાં આવ્યું છે. આ કામ માટે એનબીસીસીને લગભગ ૪૧૬ કરોડ રૂપિયા આપવામાં આવશે. એનબીસીસીના મેનેજિંગ ડાયરેક્ટર એ. કે. મિત્તલે કહ્યુ છે કે આ એક પડકારજનક કામ છે અને તેમની કોશિશ હશે કે દરેક બંકરના નિર્માણને મહત્તમ બેથી ત્રણ દિવસોમાં પૂર્ણ કરી દેવામાં આવે. મહત્વપૂર્ણ છે કે હાલ એનબીસીસી દિલ્હીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નિર્માણ સિવાય આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં સડકોના નિર્માણ કાર્યમાં લાગેલું છે. પાકિસ્તાન સાથે ભારતની ૩૩૨૩ કિલોમીટરની સરહદ છે. જમ્મુ-કાશ્મીરમાં ૨૨૧ કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સરહદ અને ૭૪૦ કિલોમીટરની અંકુશ રેખા છે.