પીએનબી કાંડ : નિરવ અને મેહુલ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી

૧૩૦૦૦ કરોડથી વધુના કેસમાં બંને પર સકંજો વધુ મજબૂત
પીએનબી કાંડ : નિરવ અને મેહુલ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી
ઇન્ટરપોલ પાસેથી બંને આરોપીની સામે રેડકોર્નર નોટિસ મેળવવા માટેનો માર્ગ મોકળો થયો : હોંગકોંગની સરકારને પણ ધરપકડ માટે કરાયેલી વિનંતી

મુંબઈ, તા. ૮
દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડના આરોપી અબજોપતિ જ્વેલર નિરવ મોદી અને મેહુલ ચોક્સીની સામે સીબીઆઈની ખાસ અદાલતે આજે બિનજામીનપાત્ર વોરંટ જારી કરી દીધા હતા. પંજાબ નેશનલ બેંક કૌભાંડના સંબંધમાં કેસોમાં નિરવ અને મેહુલ ચોક્સી સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરાતા તેમના ઉપર સકંજો વધુ મજબૂત કરવામાં આવ્યો છે. પંજાબ નેશનલ બેંકનેે ૧૩૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુનો રૂપિયાનો ચુનો લગાવીને આ બંને વિદેશ ભાગી ગયા હતા. ગયા મહિને સ્પેશિયલ પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કોર્ટે પણ તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યા હતા. અત્રે નોંધનીય છે કે,
નિરવ મોદી અન મેહુલ ચોક્સીએ પીએનબીની મુંબઈ સ્થિત બ્રેડીહાઉસ બ્રાંચના કેટલાક અધિકારીઓ સાથે મળીને આ કૌભાંડને અંજામ આપતા ખળભળાટ મચી ગયો હતો. બોગસ લેટર ઓફ અન્ડરટેકિંગ મારફતે પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા. આ મામલાની તપાસ ઇડી અને સીબીઆઈ જેવી ટોચની સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે. પીએનબીના પૂર્વ ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટી ઉપરાંત નિરવ મોદી અને ચોક્સીની કેટલીક કંપનીઓના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે. નિરવ અને ચોક્સીએ સીબીઆઈની નોટિસના જવાબમાં હાજર થવાનો ઇન્કાર કરી દીધો છે. મુંબઈમાં ખાસ કોર્ટે મોદી અને ચોક્સી સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવા માટે સીબીઆઈની અરજીને માન્ય રાખી છે. આ કૌભાંડમાં તપાસમાં સામેલ થવા જારી કરવામાં આવેલા બે સમન્સને આ બંને ફગાવી ચુક્યા છે. તપાસ સંસ્થાએ તેમના સત્તાવાર ઇ-મેઇલ એડ્રસ ઉપર તપાસમાં સામેલ થવા બંનેને કહ્યું હતું પરંતુ બંને ઇન્કાર કર ચુક્યા છે. આરોગ્યના મુદ્દા અને બિઝનેસ કારોબાર સાથે સંબંધિત કામને લઇને બંનેએ તપાસમાં સામેલ થવા ઇન્કાર કર્યો છે. કોર્ટ દ્વારા બીનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવતા ઇન્ટરપોલ પાસેથી બંને આરોપી સામે રેડકોર્નર નોટિસ જારી કરવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. સીબીઆઈએ અગાઉ ડિફ્યુજન નોટિસ જારી કરવા માટે વિનંતી સાથે ઇન્ટરપોલનો સંપર્ક કર્યો હતો. મોદી અને ચોક્સી જાન્યુઆરી મહિનામાં જ વિદેશ ફરાર થઇ ગયા હતા. આ બંને ફરાર કારોબારીના પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલય દ્વારા નિરવ મોદીની પ્રોવિઝનલ ધરપકડ માટે હોંગકોંગના સત્તાવાળાઓને વિનંતી કરી છે. નિરવ મોદી હાલમાં હોંગકોંગમાં હોવાના અહેવાલ બાદ આ વિનંતી કરવામાં આવી છે. અલબત્ત પ્રોવિઝનલ ધરપકડ વિધિવત પ્રત્યાર્પણ સંધિ વિનંતી હેઠળ આવે છે. મોદી અને ચોક્સીએ બેંક અધિકારીઓ સાથે મળીને લેટર ઓફ અન્ડરટેકિંગ મારફતે ૧૩૦૦૦ કરોડથ વધુની ઉચાપત કર છેતરપિંડી આચરી હતી. પીએનબીની મુંબઈ શાખા દ્વારા માર્ચ ૨૦૧૧ બાદથી નિરવ મોદી સાથે જોડાયેલી ગ્રુપ ઓફ કંપની માટે એલઓયુ વારંવાર જારી કર્યા હતા. સીબીઆઇ, ઇડી દ્વારા કૌભાંડમાં તપાસ ચાલી રહી છે. જુદી જુદી તપાસ સંસ્થાઓ દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડ તરીકે આને ગણાવી ચુકી છે. ઇડી દ્વારા સીબીઆઈની એફઆઈઆરના આધાર પર મોદી, તેમની કંપની અને અન્યો સામે બે મની લોન્ડરિંગ કેસ દાખલ કરી ચુકી છે. જાન્યુઆરી ૨૦૧૮માં આ સમગ્ર મામલો સપાટી ઉપર આવ્યા બાદથી તથા પીએનબી દ્વારા ફરિયાદ કરાયા પછી તપાસ સંસ્થાઓ દ્વારા મોદી અને ચોક્સી સામે જોરદાર દરોડાની કાર્યવાહી હાથ ધરી ચુકી છે. ઇડીએ હજારો કરોડ રૂપિયાની સંપત્તિ અને જ્વેલરી જપ્ત કરી ચુકી છે. આઈટી વિભાગે પણ જુદી જુદી પ્રોપર્ટી જપ્ત કરી લીધી છે. સીબીઆઈ દ્વારા તેમની કંપનીના અનેક કારોબારીઓની પુછપરછ કરી છે. આ સપ્તાહની શરૂઆતમાં જ સીબીઆઈએ આરબીઆઈના પૂર્વ ડેપ્યુટી ગવર્નર, ત્રણ ચીફ જનરલ મેનેજરો અને એક જનરલ મેનેજરની પુછપરછ કરી છે.