પોલીસ અકાદમી કરાઈ ખાતે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં PSIથી લોકરક્ષક સંવર્ગના કુલ ૩૯૬ તાલિમાર્થીઓનો દીક્ષાંત પરેડ કાર્યક્રમ યોજાશે

પોલીસ  અકાદમી કરાઈ ખાતે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં PSIથી લોકરક્ષક સંવર્ગના કુલ ૩૯૬ તાલિમાર્થીઓનો દીક્ષાંત પરેડ કાર્યક્રમ યોજાશે

અતિથિ વિશેષ તરીકે ગૃહ રાજ્યમંત્રી શ્રી જાડેજા હાજર રહેશે

૪૦ હથિયારી PSI, ૪૦ ઈન્ટેલિજન્સ ઓફિસર, ૪૨ આસિ. ઈન્ટેલિજન્સ ઓફિસર તથા ૨૭૪ લોકરક્ષક રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે : ૩૪ મહિલા અધિકારીઓ પોલીસ સેવામાં જોડાશે

        ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે તાલીમ પામેલ હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, આસિ. ઈન્ટેલિજન્સ ઓફિસર તથા લોકરક્ષક જવાનો સહિત કુલ-૩૯૬ કેડેટ્સનો દીક્ષાંત-પાસિંગ આઉટ પરેડ કાર્યક્રમ યોજાશે. આ દીક્ષાંત પરેડ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા હાજર રહેશે.

ગાંધીનગરના કરાઈ ખાતે આવેલી ગુજરાત પોલીસ અકાદમીમાં તા.૧૬ એપ્રિલ-૨૦૧૮ના રોજ સવારે ૮.૧૫ કલાકે યોજાનાર આ દીક્ષાંત પરેડમાં ૪૦ હથિયારી PSI, ૪૦ ઈન્ટેલિજન્સ ઓફિસર, ૪૨ આસિ. ઈન્ટેલિજન્સ ઓફિસર તથા ૨૭૪ લોકરક્ષક એમ કુલ ૩૯૬ પોલીસ  અધિકારી-કર્મીઓ ભાગ લેશે અને ત્યાર બાદ રાજયમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા વિધિવત રીતે પોલીસ સેવામાં જોડાશે.

રાજ્ય સરકારે ગુજરાત પોલીસમાં ખાસ મહિલાઓને ૩૩ ટકા અનામતનો લાભ આપ્યો છે જે અંતર્ગત ઈન્ટેલિજન્સ ઓફિસરમાં ૧૭ મહિલાઓ તેમજ આસિ. ઈન્ટેલિજન્સ ઓફિસરમાં ૧૭ એમ કુલ ૩૪ મહિલાઓ આ દીક્ષાંત પરેડમાં જોડાશે.

આ દીક્ષાંત પરેડ કાર્યક્રમમાં સૌપ્રથમ જનરલ સેલ્યુટ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન, દીક્ષાંત પરેડનું નિરીક્ષણ, રાષ્ટ્રધ્વજ સમક્ષ શપથવિધિ તેમજ મુખ્યમંત્રીશ્રી સમક્ષ પરેડ માર્ચ પાસ્ટ યોજાશે.

સમગ્ર તાલીમ દરમિયાન ઓલરાઉન્ડર પ્રથમ, ઈન્ડોર પ્રથમ-દ્વિતીય, આઉટડોર પ્રથમ- દ્વિતીય, ફાયરિંગ પ્રથમ-દ્વિતીય તરીકે શ્રેષ્ઠ દેખાવ બદલ તમામ સંવર્ગના કુલ-૨૮ જેટલાં તાલીમાર્થીઓને આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી દ્વારા ઈનામ આપી સન્માનિત કરવામાં આવશે.

આ દીક્ષાંત પરેડ સમારોહમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.એસ.ડાગુર, પોલીસ મહાનિર્દેશક શ્રી શિવાનંદ ઝા, પોલીસ અકાદમી કરાઈના નિયામક શ્રી કે.કે. ઓઝા સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે તેમ પોલીસ અકાદમી કરાઈના સંયુક્ત નિયામક શ્રી નિપુણા તોરવણેની યાદીમાં જણાવાયું છે.