‘ફેક ન્યુઝ રોકવા મામલે વિવાદમાં ઘેરાયલા સ્મૃતિ ઇરાની પોતે જ ફેક ન્યુઝની જાળમાં ફસાયા

‘ફેક ન્યુઝ રોકવા મામલે વિવાદમાં ઘેરાયલા સ્મૃતિ ઇરાની પોતે જ ફેક ન્યુઝની જાળમાં ફસાયા

અમદાવાદ: થોડા દિવસો પહેલા જ ફેક ન્યુઝ બાબતે મિડીયા અને પત્રકારો માટે વિવાદિત માર્ગદર્શિકા જાહેર કરનાર કેન્દ્રિયમંત્રી (માહિતી અને પ્રસારણ) સ્મૃતિ ઇરાની ખુદ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા છે. કેમ કે, તે પોતે જ ફેક ન્યુઝની “જાળમાં” ફસાયાનો કિસ્સો બહાર આવ્યો છે. સોશિયલ મિડીયા અને ડિજીટલ ક્ષેત્રે ચલાવવામાં આવતા પ્રોપેગેન્ડ અને ફેક ન્યુઝને ખુલ્લા પાડતી અલ્ટ ન્યુઝ નામની વેબસાઇટ આ માહિતી બહાર લાવી છે.

અલ્ટ ન્યુઝના અહેવાલ અનુસાર સ્મૃતિ ઇરાની અને અન્ય કેન્દ્રિયમંત્રી જિતેન્દ્રસિંઘ (રાજયકક્ષાનો સ્વતંત્ર હવાલો, ઉત્તર પૂર્વિય રાજ્યોનો વિકાસ)એ ભૂતપૂર્વ કેન્દ્રિય ચૂંટણી કમિશ્નર ટી.એન. શેશાનને મૃત ગણી અંજલી આપી દીધી હતી. પણ હકીકતમાં, ટી.એન. શેશાન જીવિત છે અને સ્વસ્થ છે. શેશાન ચેન્નઇમાં રહે છે.

શેશાન અવસાન પામ્યા છે એવા સમારા છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મિડીયામાં ફરી રહ્યાં છે અને ઘણા માધ્યમોએ આ સમાચાર ખોટા છે એવુ જાહેર કરી ચૂક્યા છે. ટી. એન. શેશાનના અવસાનના સમાચાર ખોટા છે એ સમાચાર પણ ખુબ મોટા પ્રમાણમાં ચાલ્યા હતા. જિતેન્દ્રસિંઘે એક ટ્વીટ કરીને ટી.એન. શેશાનને અંજલી આપતા લખ્યું હતુ કે, “ટી.એન. શેશાનનું 6 એપ્રિલના રોજ અવસાન થયું છે. આગલા દિવસે જ તેમના પત્નિનું અવસાન થયુ છે. તેમનો કોઇ સંતાનો નથી. એક પ્રમાણિક કેબિટેન સચિવ અને ત્યારબાદ મુખ્ય કેન્દ્રીય ચુંટણી કમિશ્નર તરીકે ઘણી રીતે વિશેષ છાપ છોડી છે. આ યુગનો અંત આવ્યો છે.” જિતેન્દ્રસિંઘના ટ્વીટને સ્મૃતિ ઇરાનીએ રિ-ટ્વીટ કરીને અંજલી આપી. જો કે, હકીકતનો ખ્યાલ આવતા સ્મૃતિ ઇરાનીએ તેમનું આ ટ્વીટ ડિલીટ કરી દીધુ છે.”