બળાત્કારી આસારામની નવી ઓળખ કેદી નં.130, પહેરવો પડશે કેદીનો ડ્રેસ

બળાત્કારના આરોપમાં દોષિત જાહેર થયેલા સંત આસારામ હવે કેદીનો ડ્રેસ પહેરશે. હજી સુધી તે દોષી જાહેર ન હતાં થયા જેના કારણે તેઓ હજી સંતોના કપડામાં જ હતાં. આસારામની નવી ઓળખ હવે કેદી નં.130 હશે.

આસારામને કાલે બુધવારે જોધપુર કોર્ટમાં સગીરા સાથે રેપના કેસમાં દોષિત જાહેર કરતા આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. આની સાથે જ સાથેના આરોપીઓ શિલ્પી અને શરદને પણ દોષી જાહેર કરતાં 20-20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જ્યારે પ્રમુખ સેવક શિવા અને રસોઇયો પ્રકાશને કોર્ટે મુક્ત કરી દીધા છે. પીડિતાને પાંચ લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. વર્ષ 2013માં આસારામ સામે યુપીના શાહજહાંપુરની રહેવાસી છોકરીએ રેપનો આરોપ લગાવ્યો હતો.

વિશેષ ન્યાયાલયના ન્યાયાધિશ મધુસુદન શર્મા આ કેસના જજ હતા. સુરક્ષાના કારણો સર કાલે જેલમાં જ વિશેષ અદાલત બેસાડવામાં આવી હતી. આસારામ ઉર્ફ આસુમલ પુત્ર થેવરદાસ ઉર્ફ થેઉમલ પર કલમ 370(4), 342, 506, 376(2)(એફ), કલમ 120-બી ભારતીય દંડ સંહિતા તથા ધારા 23 પોસ્કો કલમ, 2000ના દંડનીય અપરાધ માટે દંડિત કરવામાં આવ્યાં છે.