બિટકોઇન પ્રકરણમાં એસપી જગદીશ પટેલ રિમાન્ડ ઉપર, આરોપી કેતન પટેલ વકીલ હોવા છતાં કોર્ટે જામીન ન આપ્યા

કોર્ટે ૧૪ દિવસની માંગ સામે છ દિવસ મંજુર કર્યા
બિટકોઇન પ્રકરણમાં એસપી જગદીશ પટેલ રિમાન્ડ ઉપર
એસપીએ સિંધુ ભવન રોડ પર ૪૦ લાખ પીઆઇ અનંત પટેલને અને અન્ય પોલીસવાળાને વિવિધ ખર્ચ માટે આપ્યા

sp

અમદાવાદ,તા. ૨૪
ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા બિટકોઇન કેસમાં અમરેલીના આરોપી એસપી જગદીશ પટેલને સીઆઇડી ક્રાઇમે આજે સ્પેશ્યલ એસીબી કોર્ટ સમક્ષ રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે રિમાન્ડ અરજીના કારણો ધ્યાનમાં લઇ આરોપી એસપી જગદીશ પટેલના તા.૧લી મે સુધીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપી એસપી જગદીશ પટેલના છ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર થતાં રાજભરના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી. સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ આજે અમરેલી એસપી જગદીશ પટેલને આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્પેશ્યલ એસીબી કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે રિમાન્ડ અરજીના કારણો વર્ણવતાં જણાવ્યું હતું કે, આ કેસમાં અગાઉ પકડાયેલાઅને હાલ રિમાન્ડ પર એવા આરોપી પીઆઇ અનંત પટેલે બિટકોઇન કેસમાં તેમણે સમગ્ર ગુનાહિત કૃત્ય એસપી જગદીશ પટેલની સૂચના અને મંજૂરીથી આચર્યુ હોવાનું જણાવે છે, જયારે એસપી જગદીશ પટેલ તેનાથી વિરોધાભાસી નિવેદન આપે છે, તેથી બંનેને સાથે રાખીને તપાસ કરવી જરૂરી છે. આરોપી એસપી જગદીશ પટેલની મંજૂરી વિના જિલ્લાની હદ બહાર ત્રણ સરકારી વાહન, ૧૦ પોલીસ કર્મચારીઓ કયા કારણસર જઇ શકે તે હકીકતની તપાસ કરવાની છે. ફરિયાદી શૈલેષ ભટ્ટના આક્ષેપ અનુસાર તેમનું અપહરણ કરી તેમને મગોડી કેશવ ફાર્મ ખાતે લઇ જવાયા હતા અને તેમની પાસેથી ૧૭૬ બિટકોઇન પડાવી લેવાયા હતા તો તે બિટકોઇન કયા વોલેટમાં ગયા છે તેની તપાસ કરવાની છે. આ સમગ્ર પ્રકરણમાં છ પોલીસ કર્મચારીઓ હવાઇ માર્ગે મુંબઇ ગયા હોવાનું તપાસમાં ખૂલ્યું છે તો કેવા અગત્યના કારણોસર તેઓને હવાઇ મુસાફરી કરવી પડી તે અંગ એસપી જગદીશ પટેલ અને પીઆઇ અનંત પટેલને સાથે રાખી પૂછપરછ કરવાની છે. આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓને કોણે કોણે મદદગારી કરી અને સમગ્ર કાંડ પાછળનો આશય શું હતો તે એસપી જગદીશ પટેલ પાસેથી જાણવાનું છે. આરોપી એસપી જગદીશ પટેલે ગત તા.૬-૪-૨૦૧૮ના રોજ અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર રાત્રે સાડા આઠ વાગ્યે આશરે રૂ.૪૦ લાખ જેટલી માતબર રકમ પીઆઇ અનંત પટેલને અને અન્ય પોલીસવાળાને કોર્ટ કેસ તથા અન્ય ખર્ચાઓ માટે વહેંચવા આપી હતી તો આ રકમ કયાંથી આવી અને તેને લઇ કાવતરાને અંજામ આપવામાં ઉપયોગ થયો હતો કે કેમ તે સહિતની તમામ સંવેદનશીલ બાબતો અંગે એસપી જગદીશ પટેલની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરૂર હોઇ કોર્ટે તેમના પૂરતા દિવસના રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. સરકારપક્ષની આ રજૂઆત ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી એસપી જગદીશ પટેલના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આરોપી વકીલ હોવા છતાં કોર્ટે જામીન ન આપ્યા
બિટકોઇન કેસ : વકીલ કેતન પટેલને જામીન આપવાની ના
કેસમાં સક્રિય ભૂમિકા ભજવી હોવાનો કેતન પટેલ ઉપર ગંભીર આરોપ : કોર્ટે સરકારી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી

arrest-DH_0

અમદાવાદ,તા. ૨૪
રાજયભરમાં ખળભળાટ મચાવનારા બિટકોઇન કેસમાં આરોપી એડવોકેટ કેતન પટેલની જામીન અરજી આજે અત્રેની સેશન્સ કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ આરોપી વકીલ કેતન પટેલને જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો, જેને પગલે આરોપી એડવોકેટની મુશ્કેલીઓ વધી છે. આરોપી એડવોકેટ કેતન પટેલ ઉર્ફે ઇકબાલની જામીનઅરજીનો સખત વિરોધ કરતાં સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આરોપી કેતન પટેલની ગુનાની જગ્યાએ હાજરી બોલે છે અને સમગ્ર પ્રકરણમાં તેની સક્રિય સંડોવણી બહાર આવી છે. આરોપી વકીલના મોબાઇલ નંબરની કોલ ડિટેલ્સ જોતાં પણ ગુનાવાળી જગ્યાએ તેનું લોકેશન બતાવે છે. આ કેસના અન્ય સાહેદો સાથે આરોપી વકીલ કેતન પટેલે પોતાના મોબાઇલ નંબર પરથી રૂ.૩૨ કરોડના હવાલા સંદર્ભે કરવામાં આવેલ વાતચીત પણ સીડીઆરમાં સ્પષ્ટ થઇ છે. આરોપી કેતન પટેલની ઓળખ પરેડ દરમ્યાન ફરિયાદી દ્વારા ઓળખી બતાવાયા હતા. આ સમગ્ર પ્રકરણમાં બિલ્ડર શૈલેષ ભટ્ટનું જે સ્થળેથી અપહરણ કરવામાં આવ્યું તે નિધિ પેટ્રોલપંપ અને રાજધાની હોટલના સીસીટીવી ફુટેજ પણ કબ્જે કરાયા છે, જેમાં આરોપી કેતન પટેલની હાજરી હોવાનું સામે આવ્યું છે. આરોપી વકીલ કેતન પટેલ દ્વારા ઉપયોગમાં લેવાયેલી એલેન્ટ્રા કાર પણ તપાસનીશ એજન્સીએ જપ્ત કરી છે. તપાસમાં એવી હકીકત પણ સામે આવી છે કે, શૈેલેષ ભટ્ટ પાસેથી પડાવવાના થતા બિટકોઇનની વાત કેતન પટેલ લઇ આવ્યા હતા. ખૂબ જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ એવા આ કેસની તપાસ હજુ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે તેવા સમયે જો આરોપી વકીલ કેતન પટેલને જામીન આપવામાં આવે તો કેસના સાક્ષીઓ અને પુરાવા સાથે ચેડા થવાની શકયતા સહેજપણ નકારી શકાય તેમ નથી. આ સંજોગોમાં કોર્ટે આરોપી વકીલ કેતન પટેલના જામીન ફગાવી દેવા જોઇએ. સરકારપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે આરોપી વકીલ કેતન પટેલની જામીન અરજી ધરાર ફગાવી દીધી હતી.