ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાની પ્રતિક્રિયા જજ લોયા મોત કેસમાં રાહુલ ગાંધીએ માફી માંગવી જોઇએ

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાની પ્રતિક્રિયા
જજ લોયા મોત કેસમાં રાહુલ ગાંધીએ માફી માંગવી જોઇએ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલે માત્ર માફી જ નહીં માગવી જોઈએ પરંતુ તેમનું માથું પણ શરમથી ઝુકી જવું જોઈએ : પાત્રા

નવી દિલ્હી,તા.૧૯
સીબીઆઈના ખાસ જજ બીએચ લોયાના મોત મામલે સ્વતંત્ર તપાસ પંચ દ્વારા તપાસ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાજકીય ગરમી વધી ગઈ છે. ભાજપે કોંગ્રેસ પર હુમલો કર્યો છે. ગુરૂવારે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ ચૂકાદાથી ભારતના રાજકારણમાં ન્યાયપાલિકાને રસ્તા પર લાવવાનું કામ કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે માફી માંગવી જોઈએ. પાત્રાએ કહ્યું કે રાહુલે માત્ર માફી જ ન માગવી જોઈએ પરંતુ તેમનું માથું પણ શરમથી ઝુકી જવું જોઈએ. સંબિત પાત્રાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક ફેંસલો સંભળાવ્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જસ્ટિસ લોયાના મોત અંગે એસઆઈટી તપાસ કરાવવાની અરજી પર કોંગ્રેસનો જ અદ્રશ્ય હાથ હતો. પાત્રાએ કહ્યું કે, કોર્ટે સ્પષ્ટ રીતે કહ્યું કે, અરજીની પાછળ કોઈ રાજકીય મંશા છે. કોર્ટે કહ્યું કે ૧૨ જાન્યુઆરી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જે બાદ કપિલ સિબ્બલ, રણદીપ સુરજેવાલાએ પણ આ અંગે પોતાની વાત કરી હતી. સંબિત પાત્રાએ કહ્યું કે, જે રીતે ભાજપ અધ્યક્ષ અમિત શાહને બદનામ કરવાનું ષડયંત્ર કરવામાં આવ્યું તેના પર કોંગ્રેસે માફી માંગવી જોઈએ. તેઓએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસે દેશમાં કટોકટી લાદી, તેઓ ખોટાં આરોપો લગાવી વડાપ્રધાન મોદી અને અમિત શાહને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. પાત્રાએ કહ્યું કે, રાહુલ ગાંધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ, જજ રિપોર્ટ, પોલીસ તપાસ, સુપ્રીમ કોર્ટના ફેંસલા પર વિશ્વાસ નથી રાખતા. કોંગ્રેસ અધ્યક્ષ માત્ર તેના પર જ વિશ્વાસ રાખે છે જે ભારતના ટુકડા કરવાના સૂત્રોચ્ચારો કરે છે. સીબીઆઈના વિશેષ જજ બીએચલોયાની મોતની તપાસ એસઆઈટી પાસે કરાવવાની અંગેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડ અને જસ્ટિસ એએમ ખાનવિલકરની અદાલતે કહ્યું હતું કે, અરજકર્તા રાજકીય હિત સાધવા અને ચર્ચા મેળવવા માટે આ અરજી કરી હોય તેવું લાગે છે, પરંતુ તે અંગેનો કોઈ ઠોસ આધાર નથી. સુપ્રીમ કોર્ટની બેંચે વધુમાં કહ્યું કે, આ મામલે ૪ જજના નિવેદન પર શંકાનું કોઈ કારણ નથી બનતું. તેમના નિવેદન પર સંદેહ કરવો સંસ્થાન પર શંકા કરવા જેવું હશે. કોર્ટે કહ્યું કે, મામલા તરફથી ન્યાયપાલિકાને બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.