ભારતમાં દર ૧૫ મિનિટે એક દલિત વ્યક્તિ સાથે ઉત્પીડનઃ એનસીઆરબી

ભારતમાં દર ૧૫ મિનિટે એક દલિત વ્યક્તિ સાથે ઉત્પીડનઃ એનસીઆરબી
એનસીઆરબીના આંકડા પ્રમાણે ૨૦૦૭થી ૨૦૧૭ના દશ વર્ષના સમયગાળામાં અનુસૂચિત જાતિના લોકોના ઉત્પીડનના મામલામાં ૬૬ ટકાનો વધારો થયા

નવીદિલ્હી
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે ભારતમાં દર પંદર મિનિટે એક અનુસૂચિતજાતિના વ્યક્તિનું ઉત્પીડન થાય છે. એનસીઆરબી પ્રમાણે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એસસી કેટેગરીના લોકો સાથે અત્યાચાર મામલે ખરાબ સ્થિતિ છે. એનસીઆરબીના આંકડા પ્રમાણે ગત ૧૦ વર્ષોમાં એટલે કે ૨૦૦૭થી ૨૦૧૭ દરમિયાન અનુસૂચિત જાતિ સાથેના અત્યાચારના મામલામાં ૬૬ ટકાનો વધારો થયો છે.સમાજમાં હંમેશા હાંસિયા પર રહેલા અનુસૂચિત જાતિ સમુદાયને ગત દશ વર્ષોમાં સૌથી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડયો છે. એનસીઆરબીના આંકડા પ્રમાણે ૨૦૦૭થી ૨૦૧૭ના દશ વર્ષના સમયગાળામાં અનુસૂચિત જાતિના લોકોના ઉત્પીડનના મામલામાં ૬૬ ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન દેશમાં સરેરાશ દૈનિક સ્તરે છ અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે બળાત્કારના મામલા નોંધાયા છે. ૨૦૦૭ની સરખામણીએ આ આંકડો બેગણો વધારે છે. આંકડા પ્રમાણે ભારતમાં દર પંદર મિનિટે અનુસૂચિત જાતિના લોકો સાથે આપરાધિક ઘટના બને છે.એનસીઆરબી દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં દેશમાં અનુસૂચિત જાતિની સમાજમાં સ્થિતિ અને તેમની દશાની કહાની દર્શાવે છે. આ આંકડા પ્રમાણે ગત ચાર વર્ષોમાં અનુસૂચિત જાતિ વિરોધી હિંસાના મામલામાં ઘણો ઝડપી વધારો થયો છે. ૨૦૦૬માં અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપરાધોના કુલ ૨૭ હજાર ૭૦ મામલા સામે આવ્યા હતા. તેમાં ૨૦૧૧માં વધારો થયો અને તેની સંખ્યા ૩૩ હજાર ૭૧૯ પર પહોંચી હતી. ૨૦૧૪માં અનુસૂચિત જાતિની સાથે અપરાધોના ૪૦ હજાર ૪૦૧, ૨૦૧૫ માં ૩૮ હજાર ૬૭૦ અને ૨૦૧૬માં ૪૦ હજાર ૮૦૧ મામલા નોંધાયા હતા.એનસીઆરબીના આંકડા પ્રમાણે દશ વર્ષમાં અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે બળાત્કારના મામલાઓમાં પણ બેગણો વધારો થયો છે. રિપોર્ટ મુજબ ૨૦૦૬માં જ્યાં દરરોજ અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે બળાત્કારના માત્ર ત્રણ મામલાઓ નોંધાતા હતા. તે ૨૦૧૬માં વધીને છ થયા હતા.એનસીઆરબીના આંકડાઓમાંથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન જે રાજ્યોમાં અનુસૂચિત જાતિના લોકો સાથે ઉત્પીડનના સૌથી વધારે મામલા નોંધાયા છે.. તેવા રાજ્યોમાં ભાજપની સરકાર છે અથવા તો ભાજપના સાથીપક્ષોની સરકાર છે. શિવરાજસિંહ ચૌહાનની આગેવાની ધરાવતી ભાજપની સરકારના શાસનવાળું મધ્યપ્રદેશ અનુસૂચિત જાતિના ઉત્પીડનના મામલે સૌથી વધારે આગળ છે. ૨૦૧૪માં મધ્યપ્રદેશમાં અનુસૂચિત જાતિના લોકોના ઉત્પીડનના ૩૨૯૪ મામલા નોંધાયા હતા. એમપીમાં ૨૦૧૫માં આવા મામલાઓ વધીને ૩૫૪૬ અને ૨૦૧૬માં ૪૯૨૨ સુધી પહોંચ્યા હતા. દેશમાં એસસી સમુદાયના લોકો સાથે અત્યાચારના કુલ મામલામાંથી મધ્યપ્રદેશમાં ૧૨.૧ ટકા મામલા નોંધાયા છે.એસસી સાથે અત્યાચારના મામલે ભાજપ શાસિત અન્ય એક રાજ્ય રાજસ્થાન દ્વિતિય ક્રમાંકે છે. જો કે રાજસ્થાનમાં પહેલાની સરખામણીએ અનુસૂચિત જાતિના લોકોના ઉત્પીડનના મામલાઓમાં ઘટાડો નોંધાયો છે. રાજસ્થાનામાં ૨૦૧૪માં ૬૭૩૫, ૨૦૧૫માં ૫૯૧૧, ૨૦૧૬માં ૫૧૩૬ જેટલા અનુસૂચિત જાતિના લોકો સાથેના અત્યાચારના મામલા નોંધાયા છે.આવા મામલાઓમાં બિહાર ત્રીજા ક્રમાંકે છે અને અહીં ભાજપ-જેડીયુની નીતિશ કુમારની આગેવાનીવાળી સરકાર સત્તામાં છે. બિહારમાં ૨૦૧૬માં અનુસૂચિત જાતિના લોકો સાથે ઉત્પીડનના ૫૭૦૧ મામલા નોંધાયા હતા. એનસીઆરબીના આંકડા પ્રમાણે બિહાર બાદ ગુજરાતનો ક્રમાંક છે અને અહીં ૨૦૧૪માં અનુસૂચિત જાતિના ઉત્પીડનના ૧૦૯૪, ૨૦૧૫માં ૧૦૧૦, ૨૦૧૬માં ૧૩૨૨ જેટલા મામલા નોંધાયા હતા. સરકારી આંકડા પ્રમાણે ૨૦૧૬માં અનુસૂચિત જાતિના લોકો પર હુમલાની રાષ્ટ્રીય સરેરાશ ૨૦.૪ ટકા હતી અને તેમા ગુજરાતનો હિસ્સો ૩૨.૫ ટકા રહ્યો હતો. ગુજરાતમાં લગભગ અઢી દાયકાથી ભાજપનું સીધું અથવા તો ભાજપ સમર્થિત શાસન રહ્યું છે. ૨૦૧૭માં પણ ભાજપની સરકાર ગુજરાતમાં સત્તા પર આવી છે.દેશમાં ભાજપશાસિત રાજ્યોમાં અનુસૂચિત જાતિ પર અત્યાચારના વધતા મામલાઓ પર ચિંતા વ્યક્ત કરતા ચિંતક ચંદ્રભાનપ્રસાદે કહ્યુ છે કે આમા સરકારની ભૂલ નથી પણ જ્યાં જ્યાં ભાજપની સરકાર બની છે. ત્યાંના ઉચ્ચ જાતિના લોકોએ સમજી લીધું છે કે હવે તેમની સરકાર આવી ગઈ છે. સૌથી મોટી વાત એ છે કે આવા લાકો પર કાર્યવાહી થઈ રહી નથી. અનુસૂચિત જાતિના ચિંતકે ક્હયુ છે કે ભાજપના સૌના સાથ સૌના વિકાસ સૂત્રમાં ઈમાનદારીની ખામી છે. ચંદ્રભાન પ્રસાદને સવાલ કરવામાં આવ્યો હતો કે ભાજપના સૌનો સાથ- સૌનો વિકાસના સૂત્રમાં દલિતો માટે મહત્વ ઓછું દર્શાવાયું છે?મહત્વપૂર્ણ છે કે ૨૦૧૬માં અનુસૂચિત જાતિ પર હુમલાના મામલામાં યુપી ૧૦૪૨૬ મામલાઓ સાથે ટોચ પર હતું. તો અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે બળાત્કારના ૧૦૬૫ મામલા નોંધાયા છે. જેમાં એકલા યુપીના પાટનગર લખનૌમાં ૮૮ ઘટનાઓ નોંધાઈ હતી.ે