મહારાષ્ટ્રમાં મોટી સફળતા : ૧૪ નક્સલવાદીઓને ઠાર કરી દેવાયા

છેલ્લા ચાર વર્ષના ગાળામાં સૌથી મોટુ ઓપરેશન હાથ ધરાયું
મહારાષ્ટ્રમાં મોટી સફળતા : ૧૪ નક્સલવાદીઓને ઠાર કરી દેવાયા
ઠાર થયેલા નક્સલવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો કબજે : નક્સલીઓના ગઢ ગઢચિરોલીમાં પાકી બાતમી બાદ સફળ ઓપરેશન

નવી દિલ્હી,તા. ૨૨
મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના સુરક્ષા દળોને આજે અભૂતપૂર્વ સફળતા હાથ લાગી હતી. હજુ સુધીના સૌથી મોટા ઓપરેશન પૈકીના એક ઓપરેશનને પાર પાડીને સુરક્ષા દળોએ આજે ઓછામાં ઓછા ૧૪ માઓવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. એન્ટી નક્સલ ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો જોડાયા હતા. છેલ્લા ચાર વર્ષમાં નક્સલવાદીઓની સામે આને સૌથી મોટા ઓપરેશન તરીકે ગણવામાં આવે છે આ પહેલા ત્રીજી એપ્રિલના દિવસે મહારાષ્ટ્ર પોલીસે એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલીઓને ઠાર મારી દીધા હતા જેમાં બે મહિલાઓ પણ સામેલ હતી. ગઢચિરોલીમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ઇતાપલ્લીના બોરિયા વન્ય વિસ્તારમાં થઇ હતી. ગઢચિરોલીના આ એન્કાઉન્ટરમાં નક્સલવાદી લીડર સાઈનાથ અને સિનુ નામના કુખ્યાત નક્સલીઓ પણ માર્યા હતા. મહારાષ્ટ્ર રાજ્ય પોલીસ નક્સલવાદીગ્રસ્ત વિસ્તારોમાં જોરદાર ઓપરેશન ચલાવી રહી છે. નક્સલવાદીગ્રસ્ત વિસ્તારોમાં વારંવાર અથડામણના સમાચાર આવી રહ્યા છે. નક્સલવાદીઓના ખાત્મા માટે છેલ્લા કેટલાક દિવસથી ઓપરેશન ચાલી રહ્યું હતું. અત્રે નોંધનીય છે કે, ગઢચિરોલી મુંબઈથી ૯૦૦ કિલોમીટર પૂર્વમાં સ્થિત છે અને માઓવાદીઓના મોટાગઢ તરીકે છે. દેશમાં નક્સલવાદી ગતિવિધીમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાના અહેવાલ હાલમાં જ જારી કરવામાં આવ્યા હતા. હાલમાં નક્સલવાદી પ્રભાવિત દેશના ૧૨૬ જિલ્લા પૈકી સરકારે ૪૪ જિલ્લાને નક્સલવાદીમુકત જાહેર કરી દીધા છે. જો કે આઠ નવા જિલ્લા નક્સલવાદી પ્રભાવિત વિસ્તારમાં સામેલ કરી દેવામાં આવ્યા હતા. સૌથી વધારે નક્સલવાદી પ્રભાવિત જિલ્લાની સંખ્યા ૩૫થી ઘટીને ૩૦ સુધી પહોંચી ગઇ છે. સુરક્ષા દળો દ્વારા હાલના સમયમાં કરવામાં આવેલી કાર્યવાહીને આના માટે જવાબદાર ગણવામાં આવે છે. બિહાર અને ઝારખંડના પાંચ જિલ્લા અતિ નક્સલવાદી પ્રભાવિત ટૈગમાંથી મુક્ત થઇ ગયા છે. આ જિલ્લામાં ઝારખંડના ડુમકા, પૂર્વીય સિંહભુમ તથા રામગઢ તેમજ બિહારના નવાદા અને મુજ્જફરપુરનો સમાવેશ થાય છે. નક્સલી હિસાનો ફેલાવો છેલ્લા ચાર વર્ષના ગાળામાં ઉલ્લેખનીય રીતે ઘટી ગયો છે. આની ક્રેડિટ સુરક્ષા અને વિકાસ સંબંધિત પ્રયાસોને જાય છે. બહુમુખીય રણનિતી અપનાવવામાં આવી રહી છે જેના કારણે આ સફળતા હાથ લાગી છે. તેમણે કહ્યુ હતુ કે ૪૪ જિલ્લામાં નક્સલીઓની ઉપસ્થિતી હવે નથી. અને જો છે તો નહીંવત પ્રમાણમાં છે. નક્સલી હિંસા હવે એવા ૩૦ જિલ્લામાં મર્યાદિત થઇ ગઇ છે જે જિલ્લા કોઇ સમય ખુબ જ નક્સલવાદીગ્રસ્ત હતા. નક્સલવાદી વિરોધી નીતિની મુખ્ય વિશેષતા એ છે કે હિંસાને બિલકુલ પણ ચલાવી લેવામાં આવનાર નથી. વિકાસ સંબંધી ગતિવિધીઓને પ્રોત્સાહન આપવાની બાબત પણ ઉપયોગી છે. નવા માર્ગો, પુલો, ટેલિફોન ટાવરના લાભ ગરીબો અને પ્રભાવિત વિસ્તારના લોકો સુધી પહોંચાડવાની બાબત ઉપયોગી બની છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા ૧૦ રાજ્યોમાં ૧૦૬ જિલ્લાને નક્સલવાદી પ્રભાવિત શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આ જિલ્લા સુરક્ષા સંબંધિત યોજના હેઠળ આવે છે. આનો હેતુ સુરક્ષા સંબંધી ખર્ચની રકમનો ઉપયોગ કરવાનો રહ્યો છે. શરણાગતિ સ્વીકારનાર નક્સલવાદીઓને જંગી નાણાં પણ આપવામાં આવી રહ્યા છે. કેટલાક યોગ્ય આયોજનના કારણે મોટી સફળતા હાંસલ થઇ રહી છે. માઓવાદીઓને મુખ્ય ધારામાં સામેલ કરવા માટેના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા પ્રભાવિત જિલ્લાના નિરીક્ષણ માટે હાલમાં રાજ્યોની સાથે વ્યાપક સ્તર પર વાતચીત કરી હતી. સૌથી વધારે નક્સલવાદી ગ્રસ્ત વિસ્તારોમાં ઘટાડો થતા મોટી રાહત થઇ ગઇ છે. માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં બલ્કે ઝારખંડ, બિહાર જેવા રાજ્યોમાં પણ નક્સલીઓ સામે મોટાપાયે ઓપરેશન ચાલી રહ્યું છે.