મુખ્યમંત્રી રૂપાણી દ્વારા રાહતજનક જાહેરાત કરાઈ હાઉસિંગ બોર્ડના પરિવારોને મકાન માલિકી હક્ક અપાશે

મુખ્યમંત્રી રૂપાણી દ્વારા રાહતજનક જાહેરાત કરાઈ
હાઉસિંગ બોર્ડના પરિવારોને મકાન માલિકી હક્ક અપાશે
ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરીને મૂળ બાંધકામનો દસ્તાવેજ હવે રાજય સરકાર દ્વારા કરી આપવામાં આવશે

અમદાવાદ,તા. ૧૭
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજે ગુજરાત હાઉસીંગ બોર્ડ અને સ્લમ સેલના એક લાખથી વધુ પરિવારોને આવાસ માલિકી હક્ક પ્રાપ્ત થાય તે માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રજાભિમુખ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના આ નિર્ણયને પગલે અમદાવાદ શહેર સહિત રાજયભરના હાઉસીંગ બોર્ડ અને સ્લમ સેલના રહીશો અને પરિવારોમાં ખુશી અને ઉત્સાહની લાગણી પ્રસરી ગઇ છે, તેઓએ મુખ્યમંત્રીના નિર્ણયને વધાવી તેમનો આભાર માન્યો હતો. બીજીબાજુ, રાજય સરકારના આ હકારાત્મક અભિગમને પગલે ગુજરાત હાઉસીંગ બોર્ડની આવકમાં વૃધ્ધિ થતાં નવા આયોજનોને પણ વેગ મળશે. મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલા નિર્ણય અનુસાર, હાઉસીંગ બોર્ડ અને સ્લમ સેલના લાભાર્થીઓને ફાળવવામાં આવેલા મકાન આવાસના બિલ્ટ અપ એરિયા સિવાયના રહેણાંક પ્રકારના અને અનઅધિકૃત બાંધકામને શરતોને આધીન ખુલ્લા પ્લોટની જંત્રીના ભાવે તેમ જ વાણિજય પ્રકારના અનઅધિકૃત બાંધકામને ખુલ્લા પ્લોટની જંત્રીના બે ગણા એટલે કે, ડબલ ભાવે વપરાશ ફી લઇ અધિકૃત એટલે કે, કાયદેસર કરી આપવામાં આવશે અને આ અંગે મૂળ બાંધકામનો દસ્તાવેજ રાજય સરકાર દ્વારા કરી આપવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ સેલના એક લાખથી વધુ પરિવારોને આવાસ માલિકી હક્ક આપવાની કરેલી જાહેરાતને પગલે આવાસ પરિવારોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪ થી પડતર રહેલા આ પ્રશ્નના મામલે રાજય સરકાર દ્વારા આખરે ભારે ગંભીરતાપૂર્વક અને પરિણામલક્ષી નિર્ણય લેવાયો હતો. જેને પગલે અમદાવાદ શહેર સહિત રાજયભરના આવા આવાસધારકો અને પરિવારોમાં ભારે રાહત અને નિશ્ચિંતતાની લાગણી પ્રવર્તી રહી હતી. મુખ્યમંત્રીએ સમાજના બહોળા હિતમાં કરેલા આ નિર્ણયને પરિણામે ગુજરાત હાઉસિંગ બોર્ડની આવકમાં વૃદ્ધિ થશે અને નવા આયોજનોને વેગ મળશે. શહેર સહિત રાજયભરના હાઉસીંગ બોર્ડ અને સ્લમ સેલના રહીશો અને પરિવારોએ મુખ્યમંત્રી અને રાજય સરકારનો આટલો મોટો હકારાત્મક નિર્ણય લેવા બદલ આભાર માન્યો હતો અને તેને વધાવી લીધો હતો. ે