મોદીની ૫૬ની છાતી હોય તો આશ્રમ જમીનો લઈ બતાવો, મેવાણીના મોદી પર પ્રહાર

આસારામને સજા બાદ મેવાણીના મોદી પર પ્રહાર
મોદીની ૫૬ની છાતી હોય તો આશ્રમ જમીનો લઈ બતાવો
કોંગીના મોદીનો આસારામ સાથેનો વીડિયો મૂકીને પ્રહારો આસારામને શરણ આપવાનો સીધી આક્ષેપ પણ કરાયા

અમદાવાદ,તા. ૨૫
આસારામને રેપ કેસમાં આજીવન કેદની સજા થઈ છે, ત્યારે કોંગ્રેસ, અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના અનેક લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આસારામ સાથેના જે તે વખતના વીડિયો અને ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયામાં મૂકી તને ટાંકી વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસે તો મોદી અને આસારામનો એક વીડિયો મૂકતાં લખ્યું છે કે, ‘વ્યક્તિની ઓળખ તે કોની સાથે સંબંધ રાખે છે તેના પરથી થાય છે.’ તો દલિત યુવા નેતા જીગ્નેશ મેવાણીએ મોદી પર ફરી એકવાર સીધા પ્રહાર કરતાં ટવીટર પર જણાવ્યું હતું કે, મોદીની ૫૬ ઇંચની છાતી હોય તો આસારામ દ્વારા ગુજરાતભરમાં ગેરકાયદે રીતે જમીનો પર તેના જે આશ્રમો ઉભા કરી દેવાયા છે, તે જમીનો પાછી લઇ બતાવો અને જમીનવિહોણાં લોકોમાં તે વહેંચી બતાવો. મેવાણીએ એમ પણ લખ્યું હતું કે, અદાણીને જમીન આપવા સરકારે ૨૨ વર્ષ સુધી ગુજરાતમાં ખેડૂતો પર લાઠી વરસાવી, હવે આસારામના આશ્રમ પર દરોડો પાડી બતાવો. મેવાણીએ પીએમ મોદી પર એવો આરોપ પણ મૂક્યો કે, મોદી આસારામના પાપ માટે જવાબદાર નથી, પરંતુ તેમણે આસારામના આશ્રમમમાં મહિલાઓ સાથે શું થાય છે તે બધું જાણતા હોવા છતાં તેને વર્ષો સુધી શરણ આપ્યું. જિજ્ઞેશ મેવાણીએ આજે એક ટિ્‌વટ કરતા આસારામના સાબરમતી આશ્રમમાં માર્યા ગયેલા બાળકો દીપેશ અને અભિષેકના કેસમાં ડી.કે. ત્રિવેદી કમિશનનો રિપોર્ટ સરકાર હજુ સુધી કેમ દબાવીને બેઠી છે તેનો સીધો સવાલ સીએમ રૂપાણીને કર્યો હતો. મેવાણીએ એવો સવાલ પણ કર્યો હતો કે, આખરે આસારામ માટે આટલો પ્રેમ કેમ? દરમ્યાન કોંગ્રેસે બીજું પણ એક ટ્‌વીટ કર્યું, જેમાં તેણે ભાજપના નેતાઓના મહિલાઓ અંગે કરેલા નિવેદનોની યાદી મૂકી છે. તો,કેટલાક એલર્ટ ટ્‌વીટર યુઝર્સે કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહનો આસારામ સાથે ફોટો મૂકી કોંગ્રેસન વળતો જવાબ આપ્યો હતો. જોકે, ૨૦૧૩માં જ્યારે આસારામને રેપ કેસમાં જેલભેગો કરાયો ત્યારે જ દિગ્વિજયે પોતે આસારામના સંપર્કમાં હતા તેમજ સીએમ તરીકે આસારામને આશ્રમ બનાવવા જમીન આપી હોવાનો એકરાર કર્યો હતો.
બીજી તરફ, ફિલ્મ એક્ટર ફરહાન અખ્તરે આસારામના નેતાઓ સાથેના ફોટો પોસ્ટ કરનારા લોકોની ઝાટકણી કાઢી હતી. ફરહાને કહ્યું હતું કે, આસારામને સજા થઈ તે પહેલા તેના સંપર્કમાં હોવું ગુનો નથી. આમ, આસારામની સજાને લઇ રાજકીય અને વિવાદોની ગરમાગરમી પણ ચાલી હતી.