રાહુલ ગાંધીનો દલિત આંદોલન બદલ RSS-BJP પર પ્રહાર , કહ્યું, અધિકારો માટે લડી રહેલા સમુદાયને સલામ

નવી દિલ્હી, તા. ૨
એસસી-એસટી એક્ટ પરના સુપ્રીમના ચુકાદાની વિરૂદ્ધમાં દેશભરમાં દલિત આંદોલનની વચ્ચે આ મુદ્દે રાજનીતિ શરૂ થઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર દલિતોની ઉપેક્ષા કરવાનો આક્ષેપ કર્યો. રાહુલે ટ્‌વીટ કરીને કહ્યું કે દલિતોને ભારતીય સમાજના નીચલા સ્તરે રાખવા આરએસએસ અને ભાજપના ડીએનએમાં છે. જેઓ આ વિચારસરણીને પડકાર ફેંકે છે તેમને તે હિંસાથી દબાવી રાખે છે. હજારો દલિત ભાઈ-બહેન આજે માર્ગ પર ઉતરીને મોદી સરકાર પાસેથી પોતાના અધિકારાનો રક્ષણની માંગણી કરી રહ્યા છે. રાહુલને જવાબ આપતાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ભીમરાવ આંબેડકર માટે ભારત રત્ન વિલંબનો મુદ્દો ઉઠાવ્યો. પ્રસાદે કહ્યું કે હું કોંગ્રેસને પૂછવા માંગું છું કે બાબાસાહેબ આંબેડકરને કોંગ્રેસે શા માટે ભારત રત્ન ન આપ્યો. સુપ્રીમમાં પુનઃવિચાર અરજી દાખલ અંગે માહિતી આપતાં તેમણે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે પુનઃવિચાર અરજી દાખલ કરી છે. કેન્દ્ર સરકાર આ કેસમાં પાર્ટી નથી. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય વતી આ અંગેની નક્કર અરજી રજૂ કરવામાં આવી હતી. અમારૂ કહેવું છે કે આ ચુકાદા પર પુનઃવિચાર કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે ભાજપ અને મોદી સરકારની પ્રતિબદ્ધતા દલિતો અને આદિવાસીના કલ્યાણની છે. અમારી સરકારમાં સૌથી વધારે સાંસદો છે. અમે લંડનમાં બાબાસાહેબના સ્મારક અને સહિત દેશભરમાં તેમની યાદોને જાળવી રાખવાનું કામ કરી રહ્યાં છીએ. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું સુપ્રીમના ચુકાદા બાદ એસસી-એસટી સમાજના લોકોમાં ઉત્તેજના જોવા મળી છે.મારી અપીલ છે કે જ્યારે કેન્દ્ર અને પ્રદેશ સરકારે તેમની ભાવનાઓને ધ્યાનમાં રાખીને રિવ્યુ પીટિશન દાખલ કરી છે તો પછી ભારત બંધને નામે કાનૂન વ્યવસ્થા ખરાબ ન કરવી જોઈએ. તેમણે કહ્યું કે અમારી પૂરી સંવેદના દલિતો,આદિવાસીઓ અને વંચિતો પરત્વે છે.