લડાખથી અરુણાચલ સુધી ભારતે જવાનો ખડકી દીધા, બ્રહ્મોસ મિસાઇલો ગોઠવી ચીનને જવાબ અપાયો

બ્રહ્મોસ મિસાઇલો ગોઠવી ચીનને જવાબ અપાયો
લડાખથી અરુણાચલ સુધી ભારતે જવાનો ખડકી દીધા
સરહદ ઉપર ચીની ગતિવિધિને ધ્યાનમાં લઇ પગલાઓ

નવીદિલ્હી, તા. ૧
ચીનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતે પણ કમરકસી લીધી છે. લડાખથી અરુણાચલ સુધી ચીની સરહદ ઉપર ભારતે મોટી સંખ્યામાં જવાનો તૈનાત કરી દીધા છે. બ્રહ્મોસ અને હોવિત્ઝર પણ તૈનાત કરવાનો નિર્ણય થઇ ચુક્યો છે. હથિયારોની સાથે જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. ભારત હવે ૧૯૬૨નું ભારત રહ્યું નથી. તે વખતે ચીનની સરહદ ઉપર ભારતની ડિફેન્સ લાઈન નબળી હતી. દૂરગામી વિસ્તારોમાં સૈનિકો તૈનાત હતા. ફોરવર્ડ પોસ્ટથી સંકલનનો અભાવ દેખાતો હતો પરંતુ હવે આ તમામ બાબતો ભૂતકાળ બની ચુકી છે. ચીન સાથે જોડાયેલી લડાખથી લઇને અરુણાચલ સુધી વાસ્તવિક સરહદ ઉપર ભારતીય સેના સંપૂર્ણરીતે ગોઠવી દેવામાં આવ્યા છે. સિક્કિમ-ભુટાન તથા તિબેટ વચ્ચે સ્થિત ડોકલામ પઢાર પર ચીન અને ભારતના સૈનિકો અગાઉ ૭૩ દિવસ સુધી આમને સામને રહ્યા હતા. એ વિવાદનો ઉકેલ આવી ચુક્યો છે પરંતુ હવે ભારતીય સેના સંપૂર્ણપણે તૈનાત છે. ભારતીય સેનાની સામે અનેક પડકારો રહ્યા છે. જો કે નબળા માર્ગો, બ્રિજ અને ઇન્ટરવેલી કનેક્ટીવીટી હજુ પણ નબળી છે.હેલિકોપ્ટર, ડ્રોન અને બીજા હથિયારોનો જથ્થો ઓછો છે પણ ભારતીય જવાનોને નૈતિક જુસ્સો આસમાને છે. એટલું જ નહી ચીન સાથે જોડાયેલી ૪૦૫૭ કિલોમીટર લાંબી વાસ્તવિક અંકુશરેખા ઉપર ભારતે અતિઝડપથી લશ્કરી જવાનો ગોઠવી કાઢ્યા છે. ભારતે પૂર્વ લડાખ, સક્કિમમાં ટી-૭૨ ટેન્ક ગોઠવી દીધી છે જ્યારે અરુણાચલમાં બ્રહ્મોસ મિસાઇલો તૈનાત કરી દેવામાં આવી છે. હોવિત્ઝર તોપ પણ ગોઠવી દેવામાં આવી છે. ચીનની સામે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પૂર્વોત્તરમાં સુખોઇ-૩૦ ઉતારવામાં આવ્યા છે. ગયા વર્ષે ઠંડીના દિવસોમાં ચીની સૈનિકોએ ઉત્તરીય ડોકલામ ક્ષેત્રમાં છાવણી બનાવી દીધી હતી. ત્યારબાદથી ભારતીય સેનાએ મોટા ફેરફાર કર્યા છે. વિસ્તારવાદી યોજના સાથે આગળ વધી રહેલા ચીને વર્ષ ૨૦૧૭માં ૪૨૬ વખત ઘુસણખોરી કરી હતી. પીપલ્સ લીબ્રેશન આર્મીના જવાનો હમેશા દુસાહસ કરતા રહ્યા છે. બંને દેશોના જવાનો બે ડઝનથી પણ વધુ સમયે આમને સામને આવ્યા હતા. ૨૦૧૬માં આંકડો ૨૭૩નો હતો. ગયા વર્ષે ચીની સૈનિકોએ આક્રમકતા વધારી હતી. આ તમામ ઘટનાક્રમના પરિણામ સ્વરુપે ભારતીય સેનાએ હવે વધારે સાવચેતી રાખી છે અને જરૂરી સરહદો ઉપર બ્રહ્મોસ મિસાઇલો, હોવિત્ઝર તોપ ગોઠવી દીધી છે. ચીનનો સામનો કરવા માટે ભારતીય સેના સંપૂર્ણપણે સજ્જ છે.
એકલા અરુણાચલ પ્રદેશમાં ૫૦૦૦૦થી વધુ સૈનિકોનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. અરુણાચલની સુરક્ષા માટે ચાર ઇન્ફ્રેન્ટી માઉન્ટેઇન ડિવિઝનની તૈનાતી કરવામાં આવી છે. દરેક ઇન્ફ્રેન્ટ્રીમાં ૧૨૦૦૦ જવાનો છે. ઉપરાંત બે ડિવિઝને રિઝર્વ રાખવામાં આવી છે. તવાંગમાં જેને ચીન દક્ષિણ તિબેટના હિસ્સા તરીકે ગણે છે ત્યાં પણ સાવચેતી રાખવામાં આવી છે.