વચગાળાના સીઈઓની નિમણૂંક કરવા ICICI બેંકની વિચારણા

તપાસ પુરી ન થયા ત્યાં સુધી ચંદા કોચર રાજીનામુ આપી શકે
વચગાળાના સીઈઓની નિમણૂંક કરવા ICICI  બેંકની વિચારણા
વ્યક્તિગતની સામે કરવામાં આવી રહેલા આક્ષેપોનો બચાવ કરવાના બદલે સંસ્થાને મજબૂત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોવાનો અભિપ્રાય

મુંબઇ,તા. ૧૦
આઇસીઆઇસીઆઇ બેંકના સીઇઓ ચંદા કોચરના મામલે તપાસ ચાલી રહી છે ત્યારે બેંકના બોર્ડ મેમ્બરો પૈકીના એકે પોતાનો અભિપ્રયા આપતા કહ્યુ છે કે વ્યક્તિગત સામે કરવામાં આવી રહેલા આક્ષેપોને લઇને બચાવ કરવાના બદલે સંસ્થાને મજબુત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે જરૂરી છે. તેમના આ અભિપ્રાય બાદ એવી ચર્ચા છે કે વચગાળાના કોઇ સીઇઓના મામલે હવે આઇસીઆઇસીઆઇ સક્રિય રીતે વિચારણા કરશે. જ્યાં સુધી તપાસ પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી કોચર કામચલાઉ ધોરણે રાજીનામુ આપી શકે છે. આ બેંકમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ મોટા પાયે જોડાયેલા છે. અગાઉ દિવસમાં એવા મિડિયા અહેવાલ આવ્યા હતા કે કેટલાક ડિરેક્ટર હવે ઇચ્છે કે કોચર કામચલાઉ ધોરણે રાજીનામુ આપી દે. જો કે આઇસીઆઇસીઆઇ બેંકે આ પ્રકારના મીડિયા હેવાલને રદિયો આપ્યો હતો. ૨૮મી માર્ચના દિવસે બેંક બોર્ડે સીઇઓની તરફેણમાં જોરદાર નિવેદન કર્યુ હતુ. ભારતની બીજી સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંકના બોર્ડની બેઠક આ સપ્તાહમાં જ મળનાર છે જેમાં ભાવિ પગલા ઉપર વિચારણા કરવામાં આવનાર છે. ચંદા કોચરના ભાવિને લઇને હાલમાં બોર્ડ વિભાજિત સ્થિતિ છે. વિડિયોકોન ગ્રુપને આપવામાં આવેલી લોનના મામલે ગેરરીતિ અંગેના આક્ષેપ બાદ ચંદા કોચરને રાજીનામુ આપવા અપીલ કરવાના મુદ્દે બોર્ડના સભ્યો વિભાજિત દેખાઈ રહ્યા છે. કેટલાક બહારના ડિરેક્ટરો દ્વારા પણ ચંદા કોચર પોતાની ભૂમિકા જાળવી રાખે તેને લઇને વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. આ સપ્તાહની શરૂઆતમાં બોર્ડની બેઠક મળનાર છે. ચંદા કોચરની સીઈઓ તરીકેની અવધિ ૩૧મી માર્ચ ૨૦૧૯ના દિવસે પુરી થઇ રહી છે. આઈસીઆઈસીઆઈ બોર્ડમાં ૧૨ સભ્યો રહેલા છે. ચેરમેન એમકે શર્માના નેતૃત્વમાં બોર્ડે કહ્યું છે કે, હાલમાં કંઇપણ ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં. જાણકાર લોકોનું કહેવું છે કે, હાલમાં તપાસનો દોર ચાલી રહ્યો છે. વિડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધુત અને ચંદા કોચરના પતિ વચ્ચેની કથિત સાંઠગાંઠના મુદ્દે ઉંડી તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં આક્ષેપોમાં તપાસ થઇ રહી છે.પ્રવક્તાનું કહેવું છે કે, તમામ આક્ષેપો આધારવગરના છે. ચંદા કોચર રાજીનામુ આપે તેવી ઇચ્છા કેટલાક બોર્ડના સભ્યો ધરાવે છે તે અંગે પુછવામાં આવતા આઈસીઆઈસીઆઈ બેંકના પ્રવક્તાએ કહ્યું છે કે, આક્ષેપો આધારવગરના છે.