વડાપ્રધાન મોદીની લંડન યાત્રા દરમિયાન ત્રિરંગાનું અપમાન

મામલામાં બ્રિટને માફી માંગી
વડાપ્રધાન મોદીની લંડન યાત્રા દરમિયાન ત્રિરંગાનું અપમાન
અત્યાચારોના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખાલિસ્તાન સમર્થક સમૂહના સભ્યોએ ભારતીય ત્રિરંગાને ફાડ્યો હતા

લંડન, તા.૨૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિટન યાત્રા દરમિયાન કાલે એક અપ્રિય સ્થિતિ ઊભી થઈ હતી જ્યારે કેટલાક ઉગ્ર પ્રદર્શનકારીઓએ ૫૩ રાષ્ટ્રમંડળ દેશોના ફ્‌લેગ પોલ પર લાગેલા ઓફિશિયલ ફ્‌લેગમાંથી ભારતીય ત્રિરંગાને ફાડી દીધો. ભારતીય શાસન દ્વારા કથિત રીતે કરવામાં આવેલા અત્યાચારોના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખાલિસ્તાન સમર્થક એક સમૂહના ઉગ્ર સભ્યોએ ભારતીય ત્રિરંગાને ફાડી દીધો હતો. હવે બ્રિટને તે ઘટનાને લઈ માફી માંગી છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે ત્રિરંગા ફાડવામાં આવી રહ્યો હતો તો ત્યાં ઘણી તંગ સ્થિતિ ઊભી થઈ હતી. ત્રિરંગા ફાડવાના વિરોધમાં એક સમૂહ ત્રિરંગાને ફાડનારા યુવક સાથે સંઘર્ષમાં ઉતર્યું હતું. તેના થોડા સમય બાદ ત્યાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. ઘટનાસ્થળે ઉપસ્થિત સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓએ મધ્યસ્થી કરવી પડી હતી. આ દરમિયાન ખાલિસ્તાન સમર્થક પ્રદર્શનકારી વધુ હિંસક થઈ ગયા હતા. બ્રિટનના વિદેશ તથા રાષ્ટ્રમંડળ કાર્યાલયના એક પ્રવક્તાએ જણાવ્યું કે, લોકતંત્ર અંતર્ગત લોકોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર છે, પરંતુ પાર્લામેન્ટ સ્ક્વેરમાં એક નાના સમૂહ દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાથી અમે નિરાશ છીએ તેવું કહેવામાં આવ્યું હતું. લંડનની મેટ્રોપોલિટન પોલીસે એક નિવેદનમાં કહ્યું કે, બુધવાર, ૧૮ એપ્રિલે પાર્લામેન્ટ સ્ક્વેરમાં એક ભારતીય ત્રિરંગાને નીચે ઉતારી લીધા બાદ પોલીસે મામલાની તપાસ કરી રહી છે. આ ફ્‌લેગના સ્થાને બીજો ફ્‌લેગ લગાવી દેવામાં આવ્યો છે. કોઈ ધરપકડ નથી કરવામાં આવી. તપાસ ચાલુ છે. વડાપ્રધાનની સાથે ગયેલા એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, અમે બ્રિટિશ અધિકારીઓ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી, તેઓએ ઘટના માટે માફી માંગી છે. અમે તેમને સચેત કર્યા હતા કે કેટલાક અવાંછિત તત્વ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે અને તેઓએ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. ભારતીય ત્રિરંગાને બદલી લેવામાં આવ્યો છે.
ગુરુવારે ત્રિરંગો ફાડતા પહેલા યૂનાઇટેડ કિંગડમ શીખ ફેડરેશનના કેટલાક ખાલિસ્તાન સમર્થક પ્રદર્શનકારી તથા પાકિસ્તાની મૂળના પીર લોર્ડ અહમદની આગેવાનીવાળા તથા કથિત માઇનોરિટીઝ અગેન્સ્ટ મોદીના પ્રદર્શનકારીઓ સહિત લગભગ ૫૦૦ લોકો પાર્લામેન્ટ સ્ક્વેરમાં એકત્ર થયા.