વિઝા મંજુરીમાં ૪૩ ટકા સુધીનો ઘટાડો થયો

વિઝા મંજુરીમાં ૪૩ ટકા સુધીનો ઘટાડો થયો
આઈટી કંપનીઓની વિઝા સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો
ટીસીએસને ૨૦૧૭માં ૨૩૧૨ જેટલા વિઝા હાથ લાગ્યા

નવી દિલ્હી,તા. ૨૫
ભારતની ટોચની સાત આઈટી કંપનીઓને વર્ષ ૨૦૧૫ની સરખામણીમાં વર્ષ ૨૦૧૭માં ઓછા એચ-૧બી વિઝા મળ્યા હતા. આ ગાળા દરમિયાન વિઝા મંજુરીઓમાં ૪૩ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. અમેરિકાની એક સંશોધન સંસ્થાએ વિઝાની સંખ્યામાં ઘટાડાના સંદર્ભમાં કેટલાક તારણો આપ્યા છે અને કહ્યું છે કે ક્લાઉડ કમ્પ્યુટીંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આના માટેના કારણો છે. વોશિંગ્ટનમાં રહેલી સંશોધન સંસ્થા નેશનલ ફાઉન્ડેશન ઓફ અમેરિકન પોલિસી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાંકીય વર્ષ ૨૦૧૭માં ભારતીય કંપનીઓને ૮૪૬૮ નવા એચ-૧બી વિઝા આપવામાં આવ્યા હતા. જે અમેરિકાના ૧૬ કરોડના શ્રમબળના માત્ર ૦.૦૬ ટકાની આસપાસ છે. વર્ષ ૨૦૧૭-૧૮માં મળેલી ૮૪૬૮ અરજીઓને મંજુરી મળી ગઈ છે. ભારતની ટોપની સાત કંપનીઓ માટે નાણાકીય વર્ષ ૨૦૧૭માં ૮૪૬૮ નવા એચ-૧બી વિઝા અરજીઓને મંજુરી આપવામાં આવી હતી જે વર્ષ ૨૦૧૫માં મળેલી અરજીઓની સરખામણીમાં ૪૩ ટકા ઓછી છે. ૨૦૧૫માં ભારતીય કંપનીઓની ૧૪૭૯૨ વિઝા અરજીઓને મંજુરી મળી હતી. યુએસ સિટીઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ પાસેથી પ્રાપ્ત આંકડામાં જણાવવામાં આવ્યું છે કે ટીસીએસને ૨૦૧૭માં ૨૩૧૨ એચ-૧બી વિઝા મળ્યા હતા. જ્યારે વર્ષ ૨૦૧૫માં તેને ૪૬૭૪ એચ-૧બી વિઝા મળ્યા હતા. તેની વિઝા મંજુરીમાં ૫૧ ટકાનો ઘટાડો થયો છે. આ અવધિ દરમ્યાન ઈન્ફોસિસને પણ ઓછા પ્રમાણમાં વિઝા મળ્યા છે. ૨૦૧૫માં તેને ૨૮૩૦ જેટલા વિઝા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકામાં ટ્રમ્પ સરકાર એચ-૧બી વિઝા ધારકોના જીવનસાથીઓ માટે વર્ક પરમિટને ખતમ કરવાની યોજના બનાવી રહી છે. આ દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે. આના પરિણામ સ્વરુપે એચ-૧બી વિઝા ધારકોની પત્નિઓને સીધી અસર થઇ શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર પૂર્વ પ્રમુખ બરાક ઓબામાના સમયની એવી જોગવાઇને દૂર કરવાની દિશામાં છે જે હેઠળ એચ-૧બી વિઝા ધારકોના પતિ-પત્નિને વર્ક પરમિટ જારી કરવામાં આવતા હતા. એટલે કે, હવે પતિની પાસે એચ-૧બી વિઝા છે તો પત્નિને કામ કરવાની મંજુરી આપવામાં આવશે નહીં. આવી જ રીતે જો પત્નિની પાસે વિઝા છે તો પતિને વર્ક પરમિટ આપવામાં આવશે નહીં. ફેડરલ એજન્સીના એક ટોચના અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, આ હિલચાલના પરિણામ સ્વરુપે સીધી અસર ભારતીયો ઉપર થશે. હજારો ભારતીયો ઉપર આની માઠી અસર થવાની શક્યતા છે. બરાક ઓબામાની અવધિમાં જીવન સાથીને વર્ક પરમિટ આપવાના નિર્ણયને ખતમ કરવાથી ૭૦૦૦૦થી વધારે એચ-૧બી વિઝા ધારકોને અસર થશે. જેમની પાસે વર્ક પરમિટ છે તેમને પ્રતિકુલ અસર થશે.