સગીર દૂષ્કર્મના કેસમાં ફાંસીને રાષ્ટ્ર૫તિની મંજુરી

સગીર દૂષ્કર્મના કેસમાં ફાંસીને રાષ્ટ્ર૫તિની મંજુરી : વટહુકમ લાગુ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્થિક અપરાધીઓના મામલે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમને પણ મંજૂરી આપી

નવીદિલ્હી
કેન્દ્ર સરકાર દ્વારા પોક્સો એક્ટમાં સંશોધનને લઈને લાવવામાં આવેલા વટહુકમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે. તેની સાથે જ આ વટહુકમ આજથી લાગુ થઈ ગયો છે. નવા વટહુકમ પ્રમાણે બાર વર્ષથી ઓછી વયની બાળકી સાથે બળાત્કારના દોષિતોને ફાંસીની સજા આપવામાં આવશે. ૧૬ વર્ષથી ઓછી વયની સગીરાના બળાત્કારના મામલે દોષિતને લઘુત્તમ ૧૦ વર્ષની સજાને વધારીને ૨૦ વર્ષની કરવામાં આવી છે. દોષિતને આજીવન કેદ પણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
વટહુકમની જોગવાઈ મુજબ બાર વર્ષથી ઓછી વયની બાળકીના રેપના દોષિતને લઘુત્તમ ૨૦ વર્ષની જેલ અથવા આજીવન કેદ અથવા ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્થિક અપરાધીઓના મામલે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમને પણ મંજૂરી આપી દીધી છે. વટહુકમ હેઠળ એકસો કરોડ અથવા તેનાથી વધુ મોટી રકમના આર્થિક અપરાધોના મામલા સામેલ કરવામાં આવ્યા છે.
આ વટહુકમ હેઠળ આરોપીઓને છ સપ્તાહની અંદર ફરાર ઘોષિત કરી શકાશે. તેની સાથે જ આરોપ સાબિત થતા પહેલા જ આવા ફરાર આરોપીઓની મિલ્કતો જપ્ત કરવી અથવા તેને વેચવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે. મહત્વપૂર્ણ છે કે ફરાર આર્થિક અપરાધીઓ સાથે સંકળાયેલા એક ખરડાને સંસદના બજેટ સત્રમાં રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ હંગામાને કારણે સંસદીય કાર્યવાહી નહીં ચાલવાને કારણે તેને પારીત કરી શકાયો નથી. તેવામાં કેન્દ્ર સરકારે આના માટે વટહુકમનો વિકલ્પ પસંદ કર્યો છે.
મહત્વપૂર્ણ છે કે કોઈપણ વટહુકમના લાગુ થયા બાદ સરકારને આની સાથે સંકળાયેલા ખરડાને છ માસની અંદર સંસદના બંને ગૃહોમાં પારીત કરવો પડે છે.