સરકારી તંત્રનું લોલમલોલ

સીબીએસઈના ૧૦માં ધોરણનું ગણિત અને ૧૨માં ધોરણનું અર્થશાસ્ત્રનું પેપર વૉટ્‌સઍપ પર લીક થયાં હતાં. આ પેપર ૩૫ હજારથી લઈને ૧ હજાર રૂપિયા સુધીમાં વેચાતા હતાં. એક યોજનાબદ્ધ ચેઈન દ્વારા આ પેપર વેચાયાં ને ડિજિટલ ઈન્ડિયાની વાતો કરનારા આપણા તંત્રને તેની ખબર પણ ના પડી. આખી ચેઈન કઈ રીતે ચાલી એ પણ સમજવા જેવું છે. એક વ્યક્તિ આ લીક થયેલું પેપર ખરીદતી ન પછી વૉટ્‌સઍપ મારફતે જ તેનો બીજા સાથે સોદો પાડતી ને કોઈની તેને ગંધ સુધ્ધાં ના આવી. પોન્ઝી સ્કીમની જેમ આ આખી ચેઈન ચાલેલી. ધારો કે એક વિદ્યાર્થીએ ૩૫ હજાર રૂપિયામાં પેપર ખરીદ્યું હોય તો તેણે આગળ બીજા ૫ વિદ્યાર્થીને ૧૦-૧૦ હજારમાં પેપર વેચીને ફોરવર્ડ કરી દીધા. જેણે ૧૦ હજાર રૂપિયામાં ખરીદ્યું હતું, તેણે આગળ ૫-૫ હજાર રૂપિયામાં ફોરવર્ડ કરી દીધાં. ૫ હજારમાં પેપર ખરીદનારે હજાર-હજાર રૂપિયામાં પેપર વેચ્યાં. આ રીતે પેપર વેચીને લોકો લાખો કમાયા ને એ રીતે આ પેપર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય લોકો સુધી મોબાઈલ મારફતે પહોંચી ગયાં, પણ કોઈને ગંધ સુધ્ધાં ના આવી.જો કે, સીબીએસઈના કારભારીઓએ બીજી જે મોટી ડફોળાઈ કરી છે તેની તરફ તો કોઈનું ધ્યાન પણ ગયું નથી ને વાસ્તવમાં તો તેમણે જે કંઈ કર્યું છે એ ગુનાઈત કૃત્ય કહેવાય. તેમણે કામચોરી કરી તેના કારણે લાખો વિદ્યાર્થીઓની હાલત બગડી છે ને પાડાના વાંકે પખાલી જેવી હાલત થઈ છે. સામાન્ય રીતે સીબીએસઈ દરેક વિષયના ચાર સેટ બનાવે છે. એક સેટ દિલ્હી માટે, એક સેટ રેસ્ટ ઑફ ઈન્ડિયા એટલે કે ભારતના બાકીના વિસ્તારો માટે, એક સેટ ભારત બહારની સ્કૂલો માટે ને એક સેટ રિઝર્વ રખાતો હોય છે. રિઝર્વ એટલા માટે રખાય છે કે કોઈ સંજોગોમાં પેપર લીક થાય કે બહાર જતું રહે તો તાબડતોબ આ રિઝર્વ સેટ આપી દેવાય કે જેથી પરીક્ષા અટકે નહીં.પરીક્ષા વખતે દરેક ઝોનને ત્રણ-ત્રણ સેટ વધારાના અપાય કે જેથી કોઈ પણ સંજોગોમાં પરીક્ષા અટકે નહીં. આ વખતે સીબીએસઈના કારભારીઓએ કામચોરી કરીને એક જ સેટ બધાં માટે બનાવ્યો ને તે લીક થઈ ગયો તેમાં બધા ભેરવાઈ ગયા. પહેલાંની જેમ અલગ અલગ સેટ હોત તો વાંધો જ ના આવ્યો હોત ને માત્ર દિલ્હીની પરીક્ષા ફરી લેવાની થઈ હોત. તેના બદલે આખા દેશમાં ને દેશની બહાર પણ એક જ પેપર સેટ હતો તેથી બધે પરીક્ષા લેવી પડે તેવી હાલત થઈ.આપણા સરકારી તંત્રમાં જે લોકો બેઠેલા છે એ બધામાં સંવેદનાનો અભાવ છે ને એ લોકો પોતાની કામચોરીના કારણ બીજાંને તકલીફમાં કઈ રીતે મૂકે છે તેનો આ નાદાર નમૂનો છે. આ નમૂના બીજાં લોકોની તકલીફો વિશે જરાય વિચારતા નથી ને એવા ઊડઝૂડ નિર્ણય લઈ લે છે કે, એમ થાય કે આ નમૂનાઓને જાહેરમાં ફટકારવા જોઈએ. એ લોકો એવી ડફોળાઈઓ કર્યા કરે છે કે આપણને બે ઝાપટ લગાવવાનું મન થઈ જાય. આવી ડફોળાઈ કરીને તેમણે એક જ પેપર સેટ આ વખતે મૂક્યો ને તેમાં ૨૮ લાખ વિદ્યાર્થી ભેરવાઈ ગયા.કમનસીબી એ છે કે આપણે જેમને પ્રજાના પ્રતિનિધિ બનાવીને મોકલીએ છીએ એ બધા પણ આવા નમૂનાઓને કશું કરી શકતા નથી.