સિંહ બચાવવા ગુજરાત સરકાર હવે પ્રોજેક્ટ લાયન અમલમાં મુકશે

સિંહ બચાવવા ગુજરાત સરકાર હવે પ્રોજેક્ટ લાયન અમલમાં મુકશે
બે જ વર્ષમાં ૧૮૪ સિંહોના મૃત્યુની વિગતો બહાર આવતા જ સરકાર ભીંસમાં મૂકાઈ

ગાંધીનગર
ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ૧૮૪ સિંહના થયેલા મૃત્યુમાં હાઇકોર્ટની ફટકાર પછી હવે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. જેમાં કુદરતી કે અકુદરતી રીતે સિંહોના અપમૃત્યુના વધી રહેલા બનાવો સાથે પાણી-ગરમી સહિતની વિવિધ સમસ્યાઓના કારણે સિંહોના જંગલ વિસ્તારમાંથી વધી રહેલા સ્થળાંતરને અટકાવવા પ્રોજેકટ લાયન અમલમાં મુકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૧૮૪ સિંહોના મૃત્યુ થતા ચકચાર મચી ગયેલી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટ ધ્વારા સિંહોના અપમૃત્યુ અંગે ગુજરાત હાઇકોર્ટે પણ નોધ લઇ રાજ્યમાં સિંહોના બચાવ માટે શું કામગીરી કરવામાં આવી રહી છે તેની વિગતો માંગી છે. પરિણામે ઊંઘમાંથી જાગેલી રાજ્ય સરકાર હવે એકશનમાં આવી ગઈ છે.
રાજ્ય સરકાર ધ્વારા અત્યાર સુધી સિંહોની સંખ્યામાં વધારો થયો હોવા અંગે જશ લેવામાં આવતો હતો. પરંતુ બે જ વર્ષમાં ૧૮૪ સિંહોના મૃત્યુની વિગતો બહાર આવતા જ સરકાર ભીંસમાં મૂકાઈ ગઈ છે. પરિણામે હવે લાયન પ્રોજેક્ટ શરુ કરી સિંહોના બચાવ માટે એક્શન પ્લાન અમલમાં મુકવા વિચારણા કરવામાં આવી રહી છે.આ માટે વન્ય સરક્ષણ અંગે રસ ધરાવતા ઉમેદવારોની વન મિત્ર તરીકે નિમણુંકો કરી સિંહોને બચાવવાનું અભિયાન હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટ લાયનમાં ખાસ કરીને રેલ-વે કે અન્ય કુવા વગેરેમાં પડવાથી અથવા કોઈના શિકારના કારણે સિંહોના થતા મૃત્યુ સામે ખાસ વોચ રાખવામાં આવશે.એ જ રીતે સુરક્ષિત જંગલ વિસ્તારમાંથી પાણી-ગરમી કે મારણ સહિતની અન્ય સમસ્યાઓના કારણે સિંહોનું સ્થળાંતર થઇ રહ્યું છે.તેના ઉપર વિશેષ ધ્યાન રાખી સિંહો સુરક્ષિત જંગલ વિસ્તારમાંથી બહાર જાય નહિ તેવું આયોજન કરવામાં આવશે.જો કે આ પ્રોજેક્ટ લાયનના અમલ માટે હજુ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.