સિરીયા : કોલ્ડવોરથી વર્લ્ડવોર લાવવાની કવાયત

સિરીયા : કોલ્ડવોરથી વર્લ્ડવોર લાવવાની કવાયત

સીરિયાના ગૃહયુદ્ધમાં ત્રણ મુખ્ય ખેલાડીઓ છે. જેમાં સૌથી મોટું ખેલાડી અમેરિકા છે. તેની સાથે ઈરાન અને રશિયા પણ અન્ય મહત્વના સૂત્રધાર છે. સીરિયામાં આ ત્રણેય દેશના હિતો એકબીજા સાથે હરિફાઈ કરી રહ્યા છે અને એકમાત્ર લક્ષ્ય તેમને જોડે તેવી શક્યતા હતી. જેમાં આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો ખાતમો અમેરિકા, ઈરાન અને રશિયાનું સમાન લક્ષ્ય હતું. પરંતુ હવે સીરિયામાં આઈએસના ખાત્માના દાવા વચ્ચે ત્રણેય મુખ્ય ખેલાડીઓની અંદરોઅંદરની લડાઈ કોલ્ડવોરથી વર્લ્ડવોર સુધીની સ્થિતિનું કારણ બનવા જઈ રહી છે.અમેરિકાનું લક્ષ્ય સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદને પદભ્રષ્ટ કરવાનું છે. તેના માટે અમેરિકા ચોક્કસ સીરિયન બળાવખોર જૂથોનું સમર્થન કરી રહ્યું છે. આ સિવાય અમેરિકા અન્ય ત્રણ લક્ષ્યો પણ ધરાવે છે. જેમાં ઈરાકને સૈન્ય સહયોગ આપવાનું લક્ષ્ય ઈરાન સાથે મેળ ખાય છે. તો ઈઝરાયલ સાથે મિત્રતા જાળવી રાખવાનું હિત રશિયા સાથે મેળ ખાય છે. જો કે તેના માટે અમેરિકાએ આતંકી જૂથ ઈસ્લામિક સ્ટેટનો ખાત્મો કરવા માટે પણ લડાઈ લડવી પડી હતી. તે અમેરિકા. ઈરાન અને રશિયાનું સમાન લક્ષ્યાંક હતું.સીરિયામાં ઈરાનના પણ મોટા હિતો સંકળાયેલા છે. ઈરાનના ચાર સ્વતંત્ર રાષ્ટ્રીય હિતો છે. જેમાં સૌથી પહેલું લેબનાનના બળાવખારો જૂથ હિઝબુલ્લાહનું સમર્થન કરવાનું છે. બીજું હિત ખાડી વિસ્તારમાં ઈરાનનું પ્રાદેશિક વર્ચસ્વ વધારવાનું છે. તેના માટે તે સાઉદી અરેબિયાના પ્રાદેશિક વર્ચસ્વને પડકારવા ઈચ્છે છે. તેની સાથે ઈઝરાયલ સાથે આમનો-સામનો કરવાનું પણ તેનું ચોથું રાષ્ટ્રીય હિત છે. ઈરાનના રશિયા સાથે મેળ ખાતા હિતોમાં સીરિયાના રાષ્ટ્રપ્રમુખ અસાદને સૈન્ય અને રાજદ્વારી સમર્થન પુરું પાડવાનું લક્ષ્ય છે. બીજું ઈરાન અને રશિયા બંને સીરિયા ખાતે અમેરિકાની નીતિનો સામનો કરવા ઈચ્છે છે. ઈરાન અને અમેરિકા વચ્ચે મેળ ખાતું માત્ર એક જ લક્ષ્ય હતું અને તે હતું ઈરાકને અરાજકતામાંથી બહાર લાવવા માટે ઈરાકની સરકારને લશ્કરી સહયોગ પુરો પાડવાનું.રશિયાએ સીરિયામાં ભીષણ હવાઈ હુમલા કર્યા છે. જેમાં રશિયાના બે સ્વતંત્ર હિતો છે. એક રશિયા પોતાની મહાસત્તા તરીકેની પ્રતિષ્ઠાની પુનર્સ્થાપના કરવા ઈચ્છે છે અને તેની સાથે ભૌગોલિક રીતે રશિયાની નજીકના મધ્ય-પૂર્વ એશિયા પર પ્રાદેશિક પ્રભાવ જમાવવાની પણ રશિયા ઈચ્છા ધરાવે છે. આ સાથે અમેરિકા અને રશિયાનું સમાન લક્ષ્ય ઈઝરાયલ સાથેની મિત્રતા જાળવવાનું પણ છે.અમેરિકા, રશિયા અને ઈરાન ત્રણેયને સુન્ની આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટથી જોખમ છે. તેથી ત્રણેયનું સમાન લક્ષ્ય સીરિયા અને ઈરાકમાંથી આતંકવાદી જૂથ આઈએસનો પ્રભાવ ખતમ કરવાનું છે. આ ત્રણેય દેશોના સમાન અને સ્પર્ધાત્મક હિતોના ટકરાવે સીરિયાના ગૃહયુદ્ધને જટિલ ચક્રવ્યૂહ બનાવી દીધો છે.સીરિયાને વિદેશી શક્તિઓએ ભેગા મળીને પોતાની સરસાઈ સાબિત કરવાનો અખાડો બનાવી દીધું છે. તો સુપરપાવરોના ટકરાવ વચ્ચે ઈરાન અને સાઉદી અરેબિયાની પ્રાદેશિક સ્તરે પ્રભાવ વધારવાની લડાઈ પણ તીવ્ર બની છે. જેના કારણે સીરિયા હવે શિયા-સુન્નીપંથીઓની સૌથી મોટી યુદ્ધભૂમિમાં તબ્દીલ થઈ ચુક્યું છે. પરંતુ અહીં લાગેલી આતંકની આગ દુનિયાને દઝાડી રહી હોવાથી હવે તે વૈશ્વિક પડકાર છે.સીરિયાના ગૃહયુદ્ધને બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી મોટા માનવીય સંકટ ગણવામાં આવે છે. સીરિયાના ગૃહયુદ્ધમાં પાંચ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે અને તેટલા જ લોકો ગુમ થયા છે અથવા ઈજાગ્રસ્ત બન્યા છે. તો બે કરોડ વીસ લાખ જેટલા લોકો નિરાશ્રિત બનીને દુનિયામાં ભટકીને દોઝખનો જીવતેજીવત અનુભવ કરી રહ્યા છે. પરંતુ તેનાથી પણ વધારે ગંભીર બાબત એ છે કે સીરિયા ઈસ્લામિક જગતના સૌથી તીવ્ર ધાર્મિક મતભિન્નતાના શિયા-સુન્ની પંથી વર્ગવિગ્રહની સૌથી મોટી યુદ્ધભૂમિ પણ બની ચુક્યું છે. તેના પરિણામે મધ્ય-પૂર્વ એશિયાની સરહદો પર તેની ગંભીર અસર થઈ રહી છે અને વિશ્વમાં પણ આતંકવાદની આગ સીરિયાની સમસ્યા સાથે વધુ ભભૂકી ઉઠી છે.સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદે દેશમાં વિરોધને દબાવી દેવા માટે કરેલી કોશિશોએ પ્રાદેશિક ગૃહયુદ્ધને ભડકાવ્યું છે. સીરિયામાં હાલ ત્રણ અલગ-અલગ શક્તિઓનું વર્ચસ્વ છે. સીરિયાના પશ્ચિમ ભાગમાં અલાવાઈટ અને લઘુમતીના પ્રભાવવાળી અસદની સરકારની સત્તા છે. તેને ઈરાનિયન રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા તાલીમ પામેલા શિયા જૂથોનો ટેકો છે. સીરિયાના મધ્યભાગમાં સુન્ની મોડરેટ.. ઈસ્લામિક અને જેહાદી જૂથોનું વર્ચસ્વ છે. જેમાં આઈએસઆઈએસ અને અલકાયદા સાથે જોડાયેલા જમાત-અલ-નુસરાનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર-પૂર્વમાં કુર્દીશ લોકોના પીપલ્સ પ્રોટેક્શન યુનિટ્‌સ એટલે કે વાયપીજી પશ્ચિમ કુર્દીસ્તાનના રોજાવા સુધીના ક્ષેત્ર પર નિયંત્રણ મેળવ્યું છે.ઘરવિહોણા થયેલા લોકો નજીકના દેશોમાં શરણ શોધતા હોય છે. તેનો ફાયદો પાડોશી દેશો પોતાના વંશીય એજન્ડાને આગળ વધારવા માટે કરતા હોય છે. તેના કારણે આવા પાડોશી દેશો દ્વારા સીરિયાના સામાજિક તાણા-વાણાંને તોડવાનું કામ ચાલી રહ્યું છે. ઈરાન અને રશિયાના ટેકાથી અસદ હજી સુધી સત્તામાં ટકી રહ્યા છે. તો તુર્કી, જોર્ડન, સાઉદી અરેબિયા, કતર અને યુએઈ સુન્નીપંથી બળવાખારો જૂથોને ટેકો આપી રહ્યા છે. જ્યારે કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી વાયપીજીને સમર્થન આપી રહી છે. તુર્કીશ દળો હવે કુર્દીશ ફોર્સિસ સામે આફરીન પ્રાંતમાં કાર્યવાહી કરી રહ્યા છે.
આઈએસઆઈએસના આતંકવાદીઓ દ્વારા સીરિયામાં ખિલાફતની સ્થાપનાના નામે કરવામાં આવેલા હિંસાચારમાં લાખો સીરિયન નાગરિકો દુનિયાભરમાં નિરાશ્રિત બનીને ભટકી રહ્યા છે. સીરિયાનું રક્કા આઈએસનો ગઢ બની ચુક્યું હતું. હવે સીરિયામાં આઈએસના ખાત્માની ગણાતી ઘડીઓ વચ્ચે પ્રાદેશિક અને વૈશ્વિક મહસત્તાઓ દ્વારા સીરિયાના પુનર્નિમાણની કામગીરી થવાના સ્થાને હિંસા વધુ વકરી છે.સીરિયા અને ઈરાકની સરહદો ભૂંસીને આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે સીરિયાના ઘણાં મોટા હિસ્સા પર કબજો જમાવ્યો હતો. આઈએસના આતંકના ખેલને કારણે સીરિયાના લોકોએ દેશ છોડીને અન્ય સ્થાનો પર આશ્રય શોધવાનું શરૂ કર્યું હતું. ચાલીસ લાખ નોંધણી પામેલા સીરિયન નિરાશ્રિતોમાંથી લેબનોન અને તુર્કીએ સંયુક્તપણે ત્રીસ લાખ શરણાર્થીઓને આશ્રય આપ્યો છે. ૨૦૧૧થી અત્યાર સુધીમાં પાંચ લાખ સીરિયન નિરાશ્રિતોએ યુરોપમાં શરણું શોધવાની કોશિશ કરી છે. અમેરિકાએ રેફ્યુજીને પોતાને ત્યાં શરણ આપ્યું છે.ટ્યુનેશિયા અને ઈજીપ્ત ખાતે આંદોલનો સાથે બંને આરબ દેશોના તાનાશાહને સત્તા છોડવી પડી હતી.
સીરિયાનું યુદ્ધ આરબ વિશ્વમાં ઉભી થયેલી હલચલમાં વિશિષ્ટ છે. પરંતુ ગૃહયુદ્ધના મામલે સીરિયા કંઈ ખાસ નથી. સ્ટેન્ડફોડ્‌ર્સ જેમ્સ ફીયોરનની દલીલ છે કે ગૃહયુદ્ધ માટેભાગે મજબૂત બનેલા અને પહેલેથી અસ્તિત્વમાં રહેલી નીતિઓ પર અસંમતિ ધરાવતા રાજકીય જૂથોની સાપેક્ષ શક્તિના ધક્કાથી મોટાભાગે શરૂ થાય છે. ત્યાર બાદ જંગમાં સામેની બાજુને તાત્કાલિક સરસાઈ મેળવતા રોકવા માટે આગળ વધારવામાં આવે છે. ઈન્ટરનેશનલ ક્રાઈસિસ ગ્રુપના રિપોર્ટ પ્રમાણે અસદે પહેલા વિરોધ પ્રદર્શનોની પ્રતિક્રિયામાં કેટલાંક રાજકીય કેદીઓને મુક્ત કરીને નાગરિકોની ફરિયાદ પર પુરતું ધ્યાન આપવા માટે આદેશ કર્યા હતા. પરંતુ તીવ્ર પરિવર્તનો સાથેના વિખવાદો સીરિયામાં રાષ્ટ્રીય કટોકટીનું સ્વરૂપ ધારણ કરી ચુક્યા હતા.એક અભિપ્રાય મુજબ અસદ હેતુપૂર્વક વિરોધીઓને ઉગ્રવાદી બનાવે છે કે જેથી બળવાખોરો અપ્રસ્તુત બની જાય. આ સાથે અસદે આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ સામે લડવાનું ટાળીને જેલમાંથી આતંકવાદીઓને મુક્ત પણ કર્યા હતા. આઈએસના મજબૂત થવાથી અસદની સામેના બળવાખોર જૂથોને આતંકવાદી સંગઠનની સામે હિંસક ઘર્ષણોમાં ઉતરવું પડયું હતું.રાજનીતિશાસ્ત્રના પ્રોફેસર બાર્બરા એફ. વોલ્ટરે કહ્યુ હતું કે બીજા વિશ્વયુદ્ધ બાદ ગૃહયુદ્ધો સરેરાશ દશ વર્ષ જેટલા ચાલ્યા છે. પરંતુ તેમાં સામેલ કેટલાંક જૂથો તેને લંબાવવા ધમપછાડા કરતા રહે છે. મોટા ભાગે બળવો વિદેશી દોરીસંચાર દૂર થાય કે તેમના દ્વારા ટેકો પાછો ખેંચાય ત્યારે બંધ થઈ જતો હોય છે. તો અસાતત્યપૂર્ણ અથવા આંશિક ટેકો પણ મોટાભાગે હારની ભૂમિકા તૈયાર કરતા હોય છે. પરંતુ જ્યારે સીરિયાના ગૃહયુદ્ધની જેમ બંને તરફથી વિદેશી હસ્તક્ષેપ વધે છે. ત્યારે આવા ગૃહયુદ્ધનો હારજીતનો ફેંસલો થતો નથી અને તે ઝડપથી પુરું પણ થતું નથી.