સેંસેક્સ કારોબારના અંતે ૩૪૬૧૭ની સપાટીએ

સેંસેક્સ કારોબારના અંતે ૩૪૬૧૭ની સપાટીએ
સેંસેક્સ વધુ ૧૬૬ પોઇન્ટ ઉછળીને આખરે બંધ રહ્યો

મુંબઇ,તા. ૨૪
શેરબજારમાં આજે પણ તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટી બંને નવી ઉંચાઈ ઉપર બંધ રહ્યા હતા. સેંસેક્સ ૧૬૬ પોઇન્ટ ઉછળીને ૩૪૬૧૭ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૦૬૧૪ની સપાટીએ રહ્યો હતો. તેમાં ૩૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. ફાઈનાન્સિયલ અને ફાર્મા શેરમાં જોરદાર તેજી રહી હતી. આરઆઈએલમાં ચાર ટકાની આસપાસનો ઉછાળો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારોમાં એશિયન બજારમાં સ્થિરતા રહી હતી. ગઇકાલે મોડીરાતના કારોબાર દરમિયાન અમેરિકી બજારમાં ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજમાં ૧૪ પોઇન્ટનો ઘટાડો થતાં તેની સપાટી ૨૪૪૪૯ થઇ હતી જ્યારે એસ એન્ડ પી ૫૦૦માં ૦.૧૫ પોઇન્ટનો સુધારો થતાં તેની સપાટી ૨૬૭૦ નોંધાઈ હતી. જ્યારે નાસ્ડેક કમ્પોઝિટમાં ૧૮ પોઇન્ટનો ઘટાડો થતાં તેની સપાટી ૭૧૨૮ રહી હતી. અલ્ટ્રા ટેક સિમેન્ટ, વિપ્રો દ્વારા બુધવારના દિવસે જ્યારે એક્સિસ બેંક, બાયો કોન અને યશ બેંક દ્વારા ગુરુવારના દિવસે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે બંધન બેંક, મારુતિ સુઝુકી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તેમના આંકડા જારી કરનાર છે. એફએન્ડઓ કોન્ટ્રાક્ટની પૂર્ણાહૂતિ ગુરુવારના દિવસે થઇ રહી છે. ઉત્તર કોરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તે હવે કોઇ નવા પરમાણુ અને મિસાઇલ પરીક્ષણ કરશે નહીં. બીજી બાજુ યુરોપિયન સેન્ટ્રલ બેંકની બેઠક ગુરુવારના દિવસે મળનાર છે જેમાં જુદા જુદા પાસાઓ ઉપર વિચારણા કરવામાં આવનાર છે. બેંક ઓફ જાપાન દ્વારા શુક્રવારના દિવસે તેનું નીતિવલણ જારી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને હાલમાં મોટી રાહત થઇ હતી. કારણ કે હોલસેલ કિંમતો પર આધારિત ફુગાવો આંશિકરીતે ઘટીને માર્ચમાં ૨.૪૭ ટકા થઇ ગયો હતો. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સના આધાર પર ફુગાવો ફેબ્રુઆરી મહિનામાં ૨.૪૮ ટકા હતો. જ્યારે ગયા વર્ષે માર્ચમાં ફુગાવો ૫.૧૧ ટકા હતો. બીજી બાજુ રિટેલ ફુગાવામાં પણ હાલમાં ઘટાડો નોંધાયો હતો. રિટેલ ફુગાવો માર્ચ મહિનામાં ઘટીને ૪.૨૮ ટકા રહ્યો છે. જે પાંચ મહિનાની નીચી સપાટી ઉપર છે. માર્ચ મહિનામાં શાકભાજી, કઠોળની કિંમતોમાં ઘટાડો થયો છે. આરબીઆઈની વર્ષ ૨૦૧૮-૧૯ની તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા છઠ્ઠી એપ્રિલના દિવસે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ, બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યા હતા. તમામ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા.ગઇકાલે સોમવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૩૫ પોઇન્ટ સુધરીને ૩૪૪૫૧ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફટી ૨૧ પોઇન્ટ ઉછળીને ૧૦૫૮૫ની ઉંચી સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં ટીસીએસની ચર્ચા પણ છે.