સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા મોદીનું તમામને સુચન

ચંપારણ સત્યાગ્રહના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે કાર્યક્રમ
સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા મોદીનું તમામને સુચન
જુદા જુદા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી બદલ નીતિશ અને સુશીલકુમાર મોદીની પ્રશંસા : છેલ્લા એક સપ્તાહમાં દેશમાં ૨૬ લાખથી પણ વધુ ટોયલેટનું નિર્માણ

મોતીહારી,તા. ૧૦
મહાત્મા ગાંધીના ચંપારણ સત્યાગ્રહના પ્રસંગે આયોજિત સત્યાગ્રહથી સ્વચ્છતા ગૃહ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત મોટી સંખ્યામાં લોકોને સંબોધન કર્યું હતું. બિહારના પૂર્વીય ચંપારણ જિલ્લાના મોતીહારી ખાતે ઉપસ્થિત લોકોને મોદીએ સંબોધન કર્યું હતું. આજ જગ્યાએથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ ચળવળની શરૂઆત કરી હતી. ૨૦૦૦૦થી પણ વધારે સ્વચ્છ ભારતના સ્વૈચ્છિક કાર્યકરોને સંબોધતા મોદીએ સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો. સાથે સાથે તેઓએ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી દ્વારા કરવામાં આવેલા કામની પણ પ્રશંસા કરી હતી. મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, સેંકડો વર્ષ પહેલા ઘણા લાકો દેશના જુદા જુદા ભાગોથી મહાત્મા ગાંધીની હાકલ ઉપર ચંપારણ પહોંચ્યા હતા.
ઇતિહાસ આજે ફરી પુનરાવર્તન થઇ રહ્યું છે. મોટી સંખ્યામાં સ્વચ્છતા સાથે જોડાયેલા લોકો અહીં પહોંચી રહ્યા છે. છેલ્લા ૧૦૦ વર્ષમાં બિહારે ત્રણ મહત્વપૂર્ણ પ્રસંગે દેશને દિશા દર્શાવી છે. દેશ જ્યારે સ્વતંત્ર થયું ન હતું ત્યારે બિહારે ગાંધીજીને મહાત્મા બનાવ્યા હતા. તેમને બાપૂ બનાવી દેવામાં આવ્યા હતા. નીતિશકુમાર અને સુશીલકુમાર મોદીની કામગીરી લોકોને પ્રેરણા આપી રહી છે. બિહાર એક માત્ર એવું રાજ્ય છે જ્યાં સ્વચ્છતાનું પ્રમાણ ૫૦ ટકાથી ઓછું હતું પરંતુ હવે રાજ્યની સ્થિતિ ખુબ સારી છે. છેલ્લા એક સપ્તાહના ગાળામાં બિહારમાં ૮.૫ લાખ ટોયલેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કોઇ સામાન્ય ગતિ નથી. આના માટે તેઓ બિહારના લોકો અને સરકારને અભિનંદન આપે છે. ગંગા નદીના કિનારે રહેલા ગામો ખુલ્લામાં શૌચ મુક્ત બની ચુક્યા છે. વેસ્ટ મેનેજમેન્ટ વ્યવસ્થા પણ અમલી કરવામાં આવી છે. મોતીહારી અને સુગોલીમાં એલપીજી પ્લાન્ટ માટેની આધારશીલા મુકવામાં આવી ચુકી છે. આવી સ્થિતિમાં ચંપારણના લોકો સામે ગેસની કોઇ તકલીફ રહેશે નહીં. ૯૦૦ કરોડ રૂપિયાના નેશનલ હાઈપ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. આનાથી બિહાર અને ઝારખંડના લોકોને લાભ થશે. કટિહારથી દિલ્હીને જોડતી નવી ટ્રેનને લીલીઝંડી આપવાની તક પણ તેમને મળી હતી. આ ટ્રેનથી યુવાનો ઝડપથી દિલ્હી પહોંચી શકશે. આ ટ્રેનનું ચંપારણ હમસફર એક્સપ્રેસ આપવામાં આવ્યું છે. બિહાર, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા અને જમ્મુ કાશ્મીરમાં એક સપ્તાહમાં ૨૬ લાખ ટોયલેટ બન્યા છે. સ્વચ્છ ભારત મિશન દેશના તમામ લોકો માટે મહત્વપૂર્ણ બની ગયું છે. ટોયલેટનું નિર્માણ મહિલાઓને આત્મસંમાન, સુરક્ષા અને આરોગ્યની સુવિધા આપે છે.