હવે વાઘા બોર્ડરની જેમ બાંગ્લાદેશની સીમાએ 27મીથી બીટિંગ સેરેમની

હવે વાઘા બોર્ડરની જેમ બાંગ્લાદેશની સીમાએ 27મીથી બીટિંગ સેરેમની

નવી દિલ્હી: હવે વાઘા બોર્ડરની જેમ જ બાંગ્લાદેશ બોર્ડર પર પણ બીટિંગ રીટ્રીટ સેરેમની ૨૭ મીથી શરૂ થશે. ભારત-બાંગ્લાદેશ સંબંધો અને ચીનની બદલાયેલી રણનીતિનો જોતાં કેન્દ્ર સરકારનું અા મોટું પગલું મનાય રહ્યું છે શુક્રવારે બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડીજી કે.કે. શર્મા અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના ડીજી શફીનુલ ઇસ્લામ કાર્યક્રમનો શુભારંભ કરશે. ભારતનું ફૂલવાડી અને બાંગ્લાદેશના પંચગઢ બીઅોપી. અૈતિહાસિક ક્ષણનો સાક્ષી બનશે

   બીએસએફનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર તમામ તૈયારી પૂરી કરી દેવાઈ છે. બાંગ્લાદેશ, ભૂતાન, ટિબેટ અને નેપાળને ટચ થતો હોવાથી નોર્થ ઇસ્ટનો અા વિસ્તાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં અાવે છે.

   ખાસ કરીને ડોકલામ વિવાદ બાદ ચીનની રણનીતિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પણ પડોશી દેશોની સાથે પોતાના સંબંધોને નવો અંજામ અાપી રહી છે. બાંગ્લાદેશ બોર્ડર પર બીટિંગ રીટ્રીટ સેરેમનીનું અાયોજન તેનો જ ભાગ માનવામાં અાવે છે.

   ગૃહ મંત્રાલયના નિર્દેશ પર શુક્રવારથી ફૂલવાડી બોર્ડર પર શરૂ થતી જોઈન્ટ રીટ્રીટને લઈને તમામ તૈયારીઅો પૂરી કરી લેવાઈ છે. બોર્ડર પર તહેનાત બીએસએફની ૫૧મી બટાલિયન  અા પરેડમાં સામેલ થશે. શરૂઅાતના સમયમાં પાયાની જરૂરિયાતોને પૂરી કરીને એક અઠવાડિયા પહેલેથી જ પરેડનો અભ્યાસ કરવામાં અાવી રહ્યો છે.

   બીએસએફના જણાવ્યા અનુસાર દર્શકોને બેસવાનું ગેલેરી અને અન્ય માળખું તૈયાર કરવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. શુક્રવારે બીએસએફ અને બીડીઅાર અધિકારીઅોની હાજરીમાં ભવ્ય સમારંભનું અાયોજન કરવામાં અાવશે અને જોઈન્ટ રીટ્રીટની શરૂઅાત કરાશે.