સાર્ક સમિટઃ ઈસ્લામાબાદમાં આયોજન માટે નેપાળ, શ્રીલંકા અને માલદીવનું સમર્થન

સાર્ક સમિટઃ ઈસ્લામાબાદમાં આયોજન માટે નેપાળ, શ્રીલંકા અને માલદીવનું સમર્થન
ચાલુ વર્ષની આખર સુધીમાં ઈસ્લામાબાદમાં સાર્કના આયોજનની સંભાવના પર ચચા

નવીદિલ્હી
છેલ્લા ૨ વર્ષથી લટકેલા સાર્ક સમિટને ફરીથી શરૂ કરવા અને પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં તેનું આયોજન કરવા નેપાળના વડાપ્રધાન ભારતનો સંપર્ક સાધી રહ્યાં છે. રાજદ્વારી સુત્રો મુજબ, ઈસ્લામાબાદમાં આયોજન માટે તેઓ ભારત પાસેથી સમર્થન માંગી શકે છે. વડાપ્રધાન મોદી અને નેપાળના વડાપ્રધાન કેપી ઓલી વચ્ચે આ વાતચીતના મુખ્ય એજન્ડામાં સામેલ નથી. જોકે, સૂત્રોનું કહેવું છે કે નેપાળના વડાપ્રધાનને સાર્ક પર આગળ વધવુ છે અને ચાલુ વર્ષની આખર સુધીમાં ઈસ્લામાબાદમાં સાર્કના આયોજનની સંભાવના પર તેઓ ચર્ચા કરી શકે છે.ભારતીય અધિકારીઓનું કહેવું છે કે નેપાળ, શ્રીલંકા અને માલદીવ જેવા દેશોએ ઈસ્લામાબાદમાં સાર્ક સમિટના આયોજન માટે પોતાનું સમર્થન આપ્યું છે તેવી વાતથી તેઓ માહિતગાર છે, પરંતુ અત્યાર સુધી સમિટના આયોજનને લઇને કોઇ ઔપચારિક દરખાસ્ત મળી નથી. જો ભારત આ સમિટનો બહિષ્કાર કરે તો તેનું આયોજન કરવું અશક્ય છે.અત્યારે સાર્કની આગેવાની નેપાળની પાસે છે. એક સિનિયર રાજદૂતે અહીંયા કહ્યું કે નેપાળ પોતાની આ જવાબદારીને હવે પાકિસ્તાનને સોંપવા માટે વિચાર કરી રહ્યું છે. મહત્વનું છે કે, ૧૯મી સાર્ક સમિટનું આયોજન ૨૦૧૬માં ઈસ્લામાબાદમાં થવાનું હતું, પરંતુ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં પાકિસ્તાની આતંકવાદીઓએ હુમલો કર્યા બાદ ભારતે સાર્ક સમિટનો બહિષ્કાર કર્યો હતો. જેને કારણે આ સમિટ રદ્દ થઇ હતી. ઉરીમાં ભારતીય સેનાના કેમ્પમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં ૧૯ ભારતીય સૈનિક શહીદ થયા હતાં.કાઠમંડુના એક સૂત્રએ જણાવ્યું કે હાલમાં પાકિસ્તાની વડાપ્રધાન શાહિદ અબ્બાસીએ નેપાળના પ્રવાસ દરમ્યાન ઈસ્લામાબાદમાં સમિટના આયોજન માટે સમર્થન માંગ્યુ હતું. કેપી ઓલી વડાપ્રધાન બન્યા બાદ શાહિદ અબ્બાસી પહેલા રાષ્ટ્રાધ્યક્ષ હતાં. જેમણે નેપાળનો પ્રવાસ કર્યો હતો. અબ્બાસી અને ઓલીની બેઠક બાદ નેપાળના વડાપ્રધાનના રાજકીય સલાહકાર વિષ્ણુ રિમલે કહ્યું હતું કે બંને નેતાઓએ આ વાત પર સહમતિ વ્યક્ત કરી કે સાર્કનું આયોજન થવું જોઇએ. કારણકે આ બધા સભ્યો માટે એક સુંદર મંચ છે.