સોયાબીન, સૂર્યમુખી તેલ પરના આયાત વેરામાં હાલ કોઈ વધારો નહીં થાય

સોયાબીન, સૂર્યમુખી તેલ પરના આયાત વેરામાં હાલ કોઈ વધારો નહીં થાય

અત્યારે જયારે ખાદ્ય ચિજો મોંઘી થઈ રહી છે ત્યારે ખાદ્યાન્ન ફુગાવો નિયંત્રણમાં રાખવા માટે સરકાર સોયાબીન અને સૂર્યમુખીના તેલ પર આયાત વેરામાં કદાચ તાત્કાલિક વધારો નહીં કરે તેમ ખાદ્ય તેલના ડીલર્સ અને ટ્રેડર્સે જણાવ્યું છે.
પહેલી માર્ચથી ભારતમાં ખાદ્ય તેલના ભાવ મજબૂત બની રહ્યા છે. માર્ચના પ્રારંભમાં પામ ઓઇલ (ક્રૂડ અને રિફાઇન્ડ બંને) પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ૧૪ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. સોફ્ટ ઓઇલ પર આયાત ડ્યૂટીમાં કોઈ પણ વધારો થાય તો તેના કારણે ખાદ્યાન્ન ફુગાવા પર અસર પડે છે.
પામ ઓઇલના ભાવ છેલ્લા એક મહિનામાં ૯.૮૪ ટકા વધ્યા છે જ્યારે સોયાબીન ઓઇલ અને સનફ્લાવર ઓઇલના ભાવ અનુક્રમે પાંચ ટકા અને ૩.૬ ટકા વધ્યા છે. સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (એસઇએ)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી વી મહેતાએ જણાવ્યું કે, સરકાર સોફ્ટ ઓઇલ (સોયાબીન અને સનફ્લાવર) પર ડ્યૂટી વધારશે તેવી મોટા પાયે અટકળ કરવામાં આવે છે છતાં ડ્યૂટીમાં વધારો તાત્કાલિક થવાની શક્યતા ઓછી છે.
પામ ઓઇલમાં ડ્યૂટી વધારા બાદ તમામ પ્રકારના ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે. સોફ્ટ ઓઇલ પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારાથી ખાદ્યાન્ન ફુગાવાને અસર થઈ શકે છે. તેથી સોફ્ટ ઓઇલમાં તાત્કાલિક ડ્યૂટીમાં વધારાની શક્યતા નહીંવત્‌ છે.
રિફાઇન્ડ પામ ઓઇલના ભાવ ૨૬ ફેબ્રુઆરીએ પ્રતિ ટન ?૬૬,૦૦૦થી વધીને અત્યારે ?૭૨,૫૦૦ પ્રતિ ટન થયો છે જ્યારે સોયાબીન ઓઇલનો ભાવ ?૭૧,૫૦૦થી વધીને ?૭૫,૦૦૦ પ્રતિ ટન થયો છે.
સૂર્યમુખી તેલનો ભાવ સમાન ગાળામાં ?૬૮,૪૪૪ પ્રતિ ટનથી વધીને ?૭૧,૦૦૦ પ્રતિ ટન થયો છે. હાલમાં ક્રૂડ સોયાબીન ઓઇલ પર ઇમ્પોર્ટ ડ્યૂટી ૩૦ ટકા છે જ્યારે ક્રૂડ સૂર્યમુખી અને રેપસીડ ઓઇલ પરની ડ્યૂટી ૨૫ ટકા છે. રિફાઇન્ડ સોયાબીન ઓઇલ, રિફાઇન્ડ સૂર્યમુખી ઓઇલ અને રિફાઇન્ડ રાયડાના તેલ પરની ડ્યૂટી ૩૫ ટકા છે.
સરકારે ક્રૂડ પામ ઓઇલ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી ૩૦ ટકાથી વધારીને ૪૪ ટકા કરી છે. જ્યારે રિફાઇન્ડ પામ ઓઇલ પરની ડ્યૂટી ૪૦ ટકાથી વધારીને ૫૪ ટકા કરી છે. પરંતુ આ વધારાના કારણે સ્થાનિક રિફાઇનિંગમાં પણ અસમાનતા વધી છે અને ભારતીય રિફાઇનરીઓ માટે જોખમ પેદા થયું છે તેમ ટ્રેડર્સે જણાવ્યું હતું.
જુલાઈ ૨૦૧૭માં ક્રૂડ પામ ઓઇલ અને રિફાઇન્ડ પામ ઓઇલ પરની ડ્યૂટી અનુક્રમે ૭.૫ ટકા અને ૧૫ ટકા હતી ત્યારે ડ્યૂટીનો તફાવત ?૨,૧૫૨ હતો. ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારાના કારણે તફાવત વધીને ?૫,૨૦૦ પ્રતિ ટન થયો છે. આ અસમાનતાનું મુખ્ય કારણ એ છે કે રિફાઇન્ડ ક્રૂડ પામ ઓઇલમાં વળતર ઓછું હોય છે. એસઇએના પ્રેસિડન્ટ અતુલ ચતુર્વેદીએ જણાવ્યું કે ક્રૂડ અને રિફાઇન્ડ પામ ઓઇલ વચ્ચે ડ્યૂટીના તફાવતને ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરવો જોઈએ જેથી રિફાઇનિંગ ઉદ્યોગ ટકી શકે.