the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ઈઓડબ્લ્યુ લિસ્ટેડ કંપનીનું ગળું ટૂંપીરહીછેઃ63 મૂન્સ

ઈઓડબ્લ્યુ લિસ્ટેડ કંપનીનું ગળું ટૂંપીરહીછેઃ63 મૂન્સ

ગેરકાયદે દાવેદારોની ગેરવાજબી માગણીથી દોરવાઈને એજન્સી કાર્યવાહી કરી રહી છે

મુંબઈ, 11 એપ્રિલ, 2018 –મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ એનએસઈએલના કેસ સંબંધે કાર્યવાહીના ભાગરૂપે 63 મૂન્સ ટેક્નોલોજીસ (જૂનું નામ એફટીઆઇએલ)નાં ત્રણ ઓપરેટિંગ અકાઉન્ટ ફ્રીઝ કર્યાં તેના વિરોધમાં કંપનીના કર્મચારીઓએ ગઇકાલે આઝાદ મેદાનમાં શાંતિપૂર્ણ દેખાવો કર્યા હતા. કર્મચારીઓનું કહેવું હતું કે તપાસનીશ એજન્સીની જોહુકમીને લીધે એક લિસ્ટેડ કંપનીનાં રોજિંદા વ્યવહારો પર માઠી અસર થઈ છે અને સાથે સાથે તેમના પગાર પણ જોખમમાં મુકાયા છે.

શાંતિપૂર્ણ દેખાવો બાદ કર્મચારીઓએ મુખ્ય પ્રધાનના કાર્યાલય તથા મુંબઈના પોલીસ કમિશનરના કાર્યાલયમાં આવેદનપત્ર પણ સુપરત કર્યું હતું અને કંપનીનાં ઓપરેટિંગ અકાઉન્ટ ડીફ્રીઝ કરવાની વિનંતી કરી હતી. એજન્સીએ કોઈ પણ તર્ક વગર આ કમનસીબ કાર્યવાહી કરી છે એમ કર્મચારીઓએ કહ્યું છે.

ઈઓડબ્લ્યુના પગલાથી આશરે 1000 કર્મચારીઓને તથા તેમના પરિવારજનોને અસર થશે. એટલું જ નહીં, પાંચ લાખ ટર્મિનલો પર કંપનીનાં 25 લાખથી વધુ ઓડિન લાઇસન્સ વાપરતા 800થી વધુ ક્લાયન્ટ્સને પણ વિપરીત અસર થશે. તેની પરોક્ષ અસર કુલ 10 લાખ નોકરીઓ પર થશે, કારણકે આ કંપનીના કામકાજ સાથે સ્ટોક એક્સચેન્જો, કોમોડિટી એક્સચેન્જો અને અન્યો તથા 200 કરતાં વધારે વેન્ડર્સ/ક્રેડિટર્સ સંકળાયેલા છે.

એક કંપની તરીકે 63 મૂન્સટેક્નોલોજીસ લિમિટેડ (અગાઉની ફાઇનાન્શિયલ ટેક્નોલોજીસ ઇન્ડિયા લિમિટેડ – એફટીઆઇએલ)ને એ સમજાતું નથી કંપનીને ગુનાકીય નાણાં સાથે કોઈ સંબંધ નહીં હોવા છતાં તેની સામે કેમ આટલી કઠોર કાર્યવાહી કરવામાં આવી છે.

63 મૂન્સે જણાવ્યું છે કે મહારાષ્ટ્ર સરકારે 21 સપ્ટેમ્બર, 2016ના નોટિફિકેશનમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે ફિક્સ્ડ અસેટ્સ અને રોકાણોને જ ટાંચમાં લેવામાં આવ્યાં છે. એ રોકાણો પર સમયાંતરે જમા થનારા લાભને બાકાત રાખવામાં આવ્યા છે.

ઈઓડબ્લ્યુ અલગ અલગ મંચ પરથી કહી ચૂકી છે કે તેણે 5300 કરોડ રૂપિયાની લેણી રકમની સામે આશરે 8,600 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ બાબત પરથી જોઈ શકાય છે કે વધુ સંપત્તિને, ખાસ કરીને 63 મૂન્સની સંપત્તિને ટાંચમાં લેવાની કોઈ જરૂર નથી. આ બાબતને અનુલક્ષીને વિશેષપણે ડિફોલ્ટરો પાસેથી રિકવરી ઝડપી બનાવીને નાણાંની ચૂકવણી ઝડપી બનાવવામાં આવવી જોઈએ.

કંપનીના નિવેદનમાં કહેવાયું છે કે માર્ચ 2018 દરમિયાન કંપનીનાં બૅન્કમાંનાં ઘણાં રોકાણો મુદત પૂર્વે જ પાછાં આપવામાં આવ્યાં હતાં. રિઝર્વ બૅન્કના નિર્ણયાનુસાર આ પગલું ભરવામાં આવ્યું હતું. કંપનીએ એ નાણાં પાછાં માગતી કોઈ અરજી કે કાર્યવાહી કરી ન હતી. બૅન્કોએ સામે ચાલીને જ નાણાં ચૂકવ્યાં છે.

આ નાણાં કંપનીને તેનાં ઓપરેટિવ અકાઉન્ટમાં મળ્યાં છે. કાયદાનું પાલન કરનારી સંસ્થા તરીકે કંપની એ નાણાંનું નવેસરથી રોકાણ કરીને તેનાં એનએસડીએલમાંનાં અકાઉન્ટ્સની વિગતો ઈઓડબ્લ્યુને આપવાની હતી, જેથી એ રોકાણોને ટાંચમાં લઈ શકાય. આ સંબંધે જણાવવાનું કે 21 સપ્ટેમ્બર, 2016ના નોટિફિકેશનમાં સ્પષ્ટપણે અને આપોઆપ નવાં અને જૂનાં રોકાણો પર ટાંચ આવી જશે. ઈઓડબ્લ્યુએ આવી રીતે નવેસરથી ટાંચ મારવા માટે પગલું ભરવાની કોઈ જરૂર ન હતી.

આપણા દેશમાં ન્યાયતંત્ર સર્વોપરી છે અને તેમાં તેને દૃઢ વિશ્વાસ છે. આ ઉપરાંત, કંપની માને છે કે દરેક નાગરિકને ઉચિત અને નિષ્પક્ષ રીતે તપાસનો સમાન અધિકાર છે. આમ છતાં તપાસનીશ એજન્સીઓ કોઈ અદૃશ્ય હાથના ઈશારે માત્ર અને માત્ર 63 મૂન્સની વિરુદ્ધ કાર્યવાહી કરીને તેના આ મૂળભૂત અધિકારનો ભંગ કરી રહી છે. બીજી બાજુ, એનએસઈએલ કેસના એકેય ડિફોલ્ટરનાં ઓપરેટિંગ અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યાં નથી. આ જ એજન્સીની તપાસમાં જણાઈ આવ્યું છે કે એનએસઈએલ પૅમેન્ટ કટોકટીનાં નાણાં આ જ ડિફોલ્ટિંગ એન્ટિટીઝની પાસે ગયાં છે, એમ કંપનીએ કહ્યું છે.

ઉક્ત કેસમાં ચાલી રહેલી તપાસને આડે પાટે ચડાવવા માટે પ્રયાસ કરી રહેલા કોઈ અદૃશ્ય હાથના ઈશારે આ બધું થઈ રહ્યું છે, એમ જણાવતાં 63 મૂન્સે ઉમેર્યું  કે કંપનીની પ્રતિષ્ઠા ખરડવા માટેનો તથા તેના કાનૂની બચાવની રજૂઆતને નબળી પાડવા માટેનો આ પ્રયાસ છે. ખરી રીતે તો કાનૂની બચાવ એ કંપનીનો કાનૂની અધિકાર છે. પોલીસો એવા લોકોની ગેરકાયદે માગણીઓને સમર્થન આપી રહ્યા છે, જેમના દાવા હજી સાચા પુરવાર થયા નથી. પોલીસોની કાર્યવાહી ઈરાદાસરની છે.

કંપનીએ જણાવ્યા મુજબ ઈઓડબ્લ્યુએ આની પહેલાં 1800 કરોડ રૂપિયા મૂલ્યના બોન્ડ પણ ફ્રીઝ કર્યા છે, જેને ગુનાકીય નાણાં સાથે કોઈ સંબંધ નથી. ઓપરેટિંગ અકાઉન્ટમાં કોઈ છૂપી રકમ સામેલ નથી. સંપૂર્ણ રકમ પારદર્શક છે.

કંપનીએ પોતાના કર્મચારીઓ, શેરધારકો, ક્લાયન્ટ્સ અને ડેટર્સ સહિતના તમામ હિસ્સેદારોને ન્યાય અપાવવા માટે યોગ્ય લોકતાંત્રિક મંચ પર ધા નાખવાનો નિર્ણય લીધો છે. સાથે જ તપાસનીશ એજન્સીને અનુરોધ કર્યો છે કે તે કંપનીનાં ઓપરેટિંગ અકાઉન્ટને ડિફ્રીઝ કરી દે.

—————–

 

વધુ માહિતી માટે સંપર્કઃ

 

દેવરાજ ઉચિલ                          મનો સરકાર

devraj.uchil@63moons.com                                                                        manosarkar73@gmail.com