ભુપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં રૂપાણીના આવાસે બેઠક થઇ

૨૦૧૯ની લોકસભા ચૂંટણીને લઇ ચર્ચા વિચારણા
ભુપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં રૂપાણીના આવાસે બેઠક થઇ
ગુજરાતની રાજકીય સ્થિતિ, સંગઠનની સ્થિતિ, મંત્રીમંડળ અને બોર્ડ નિગમોમાં નિમણૂંક સહિતના મામલે ચર્ચા કરાઇ

અમદાવાદ,તા. ૧
ભાજપના ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ હાલ ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નિવાસસ્થાને દિગ્ગજ નેતાઓની એક મહત્વની બેઠક યોજાઇ હતી, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સંગઠનના અગ્રણી નેતા ભીખુ દલસાણિયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. બેઠકમાં ઘણી મહત્વની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. ભાજપના ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ આજથી ત્રણ દિવસ સુધી ગુજરાત રાજયની મુલાકાતે છે, કેટલાક મહત્વના નિર્ણયો અને આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને લઇ ખાસ વ્યૂહરચનાના ભાગરૂપે તેઓ અહીં આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નિવાસસ્થાને ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ અને આગેવાનો સાથે ભુપેન્દ્ર યાદવે એક મહત્વની બેઠક યોજી હતી. જેમાં ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ, સંગઠનની સ્થિતિ, મંત્રીમંડળ અને બોર્ડ નિગમોમાં નિમણૂંક સહિતના મુદ્દાઓ પર મહત્વની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. તો, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને લઇ પક્ષની સ્થિતિ અથવા તો આયોજન મુદ્દે પણ ચર્ચા હાથ ધરાઇ હતી. લોકસભાની ચૂંટણીને લઇ ભાજપની સ્થિતિ મજબૂત કરવા અને તેમાં વિજયપતાકા લહેરાય તે પ્રકારે રણનીતિ ગોઠવવા સંબંધી કેટલાક મહત્વના સૂચનો પણ તેમણે કર્યા હતા. ભાજપના ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ આગામી દિવસોમાં પક્ષના સંગઠનના જવાબદાર લોકો અને અન્ય આગેવાનો સાથે પણ ચર્ચા વિચારણા કરી કેટલાક મહત્વના નિર્ણયો અને સૂચનો જારી કરે તેવી શકયતા છે. જેમાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીનો મુદ્દો મહત્વનો અને કેન્દ્રસ્થાને રહેશે.