તોફાનોની દહેશતની વચ્ચે આજે આંબેડકર જ્યંતિની ઉજવણી થશે

હાલમાં બે વખત બંધ વેળા વ્યાપક હિંસા બાદ એલર્ટની જાહેરાત
તોફાનોની દહેશતની વચ્ચે આજે આંબેડકર જ્યંતિની ઉજવણી થશે
કોઇપણ પ્રકારની હિંસા દેશના કોઇ ભાગમાં ન થાય તેની ખાતરી કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા તમામ રાજ્યોને હુકમ : સુરક્ષા વધુ મજબૂત કરાઈ

નવી દિલ્હી,તા. ૧૩
ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જન્મજયતિ આવતીકાલે મનાવવામાં આવનાર છે. આંબેડકરની જન્મજયંતિ પહેલા જ દેશના મોટા ભાગના રાજ્યોમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. હાલમાં બંધ દરમિયાન વ્યાપક હિંસા થઇ હતી. જેમાં ૧૩ લોકોના મોત થયા હતા. સેંકડો લોકો ઘાયલ થયા હતા. ૨૦૦થી વધારે લોકો ઘાયલ થયા હતા. સુપ્રીમ કોર્ટના એસસી અને એસટી સાથે સંબંધિત ચુકાદા સામેના વિરોધમાં બીજી એપ્રિલના દિવસે ભારત બંધ દરમિયાન વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી જેમાં ૧૩થી પણ વધુ લોકોના મોત થયા હતા. સંપત્તિને વ્યાપક નુકસાન પણ થયું હતું. સંચારબંધી લાગૂ કરવામાં આવી હતી. બીજી એપ્રિલ બાદ સોશિયલ મિડિયા ઉપર અપાયેલા ૧૦મીના બંધને લઇને પણ હિંસા ભડકી ઉઠી હતી જેમાં અનેક જગ્યાઓએ ઝપાઝપી થઇ હતી. અનેક જગ્યાઓએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તોડીપાડવામાં આવી હતી. ગૃહમંત્રાલય દ્વારા પહેલાથી જ બાબાસાહેબ આંબેડકરની જન્મજ્યંતિને લઇને રાજ્ય સરકારોને જરૂરી ચેતવણી આપી દીધી છે.
સુરક્ષાને લઇને પુરતા પગલા લેવા માટે કહેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે ૧૪મી એપ્રિલના દિવસે બાબાસાહેબ આંબેડકરની જ્યંતિના દિવસે જ કોઇપણ પ્રકારની હિંસા કોઇપણ જગ્યાએ ન થાય તેની ખાતરી કરવા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે સૂચના આપી છે. મંત્રાલય દ્વારા રાજ્ય સરકારોને તમામ સંવેદનશી વિસ્તારોમાં પેટ્રોલિંગની પ્રક્રિયાને ઝડપી કરવા માટે કહેવામાં આવ્યું છે. આંબેડકર જ્યંતિને લઇને કેટલાક દલિત આગેવાનો ઉશ્કેરણીજનક નિવેદન કરી ચુક્યા છે. આવી સ્થિતિમાં હિંસાની દહેશત રહેલી છે જેથી સંવેદનશીલ વિસ્તારોમં સુરક્ષા મજબૂત કરવામાં આવી છે.

હાલમાં વ્યાપક હિંસા બાદ વિશ્વાસ જગાવવા હેતુ
આંબેડકર જયંતિને ઉજવવા સંઘ અને વિહિપ પણ તૈયાર
સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉજવણી માટે જુદા જુદા કાર્યક્રમ : તમામને સાથે લઇ ચાલવા હેત

નવી દિલ્હી,તા. ૧૩
બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિને મનાવવા માટે દેશના લોકો ઉત્સુક છે ત્યારે દેશમાં દલિત સમુદાયનો વિશ્વાસ જાળવી રાખવાના હેતુસર હવે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સંઘે ૧૪મી એપ્રિલના દિવસે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જયંતિને ભવ્ય રીતે મનાવવા માટેની તૈયારી કરી લીધી છે. આના માટે જુદા જુદા કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. સુપ્રીમ કોર્ટના એસસી અને એસટી એક્ટ પર ચુકાદા બાદ નારાજ થયેલા દલિત સમુદાયના લોકોએ ભારત બંધની હાકલ કર્યા બાદ ભાજપ અને સંઘે હવે ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરી દીધી છે. સંઘે પોતાના આનુષાંગિક સંગઠનોને આના માટે સુચના આપી દીધી છે. આ જ કારણસર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે હવે ૧૪મી એપ્રિલના દિવસે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જયંતિને ભવ્ય રીતે ઉજવવા નિર્ણય કર્યો છે. આ ઉજવણી મારફતે સંઘની યોજના ુ દલિત સમુદાયની નજીક પોતાને લઇ જવા માટેની રહેલી છે. વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવી રહેલા પ્રહારોનો જવાબ આપતા ભાજપના ટોપના નેતાઓ કહી રહ્યા છે કે અમે ક્વોટાને જાળવી રાખવા અને દલિત તેમજ આદિવાસી સમુદાયના રક્ષણ માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.
વિહીપ અને બજરંગ દળ દ્વારા રવિવારના દિવસે આંબેડકર જયંતિના કાર્યક્રમના ભાગરૂપે બાઇક રેલીનુ આયોજન કર્યુ હતુ. વિહીપના નેતાએ કહ્યુ હતુ કે આના મારફતે અમારા પ્રયાસ જાતિવાદી વિભાજનની સામે હિન્દુ સમાજના લોકોને એકમત કરવાના રહ્યા છે. વિહીપના આંતરરાષ્ટ્રીય મહામંત્રી મિલિન્દ પરાંડેએ કહ્યુ છે કે હિન્દુ સમાજને વિભાજિત કરવાના પ્રયાસ હવે મોટા પાયે કરવામાં આવી રહ્યા છે.