જજ લોયા કેસમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

જજ લોયા કેસમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
જજ બીએચ લોયાનું મોત કુદરતી, સ્વતંત્રતા તપાસનો સવાલ જ નથી
જજ લોયાના મોત કેસમાં સીબીઆઈ તપાસ માંગતી તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી : કોર્ટે અરજીઓને ન્યાયતંત્રને બદનામ કરવાનો પ્રયાસ ગણાવ્યો

નવી દિલ્હી,તા. ૧૯
સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટરના મામલે સુનાવણી કરી રહેલા સીબીઆઈના સ્પેશિયલ જજ બીએચ લોયાના મોતની સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે અરજીને ફગાવતા કહ્યું હતું કે, આ રાજનીતિક લડાઈને ન્યાયપાલિકા સુધી લાવવા જેવી કે આમા કોઇ મેરિટ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હુતં કે, જજ બીએચ લોયાનું મોત પ્રાકૃતિકરીતે થયું હતું અને આ મામલે ચાર જજોએ નિવેદન આપ્યા હતા જેના પર શંકા કરવી યોગ્ય નથી. સુપ્રીમે કહ્યું હતું કે, ન્યાયપાલિકાની સ્વતંત્ર પર ખુલ્લી રીતે પ્રહાર કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. રાજનીતિક લડાઈમાં ન્યાયપાલિકાને વચ્ચે લાવવામાં આવી રહી છે. આ અરજી રાજનીતિક આધારિત છે. રાજનીતિક દુશ્મનાવટને ધ્યાનમાં રાખીને આ અરજી કરવામાં આવી હતી. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે, લોયા કેસ જ્યારે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે એક મેગેઝિન અને અખબારમાં ન્યાયપાલિકાની છવિને ખરાબ કરવા અંગે રિપોર્ટ પ્રકાશિત થયો હતો.
જનહિતની અરજીમાં કોઇપણ તથ્ય દેખાતું નથી. આનો ઉદ્દેશ્ય માત્રને માત્ર ન્યાયપાલિકાની ગરિમાને ખરાબ કરવાનો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અરજી કરનારાઓ અને તેમના વકીલોએ ન્યાયપાલિકાની ગરિમાનો વિચાર કરવો જોઇએ પરંતુ તેમણે હણી કાઢવાનો પ્રયાસ કર્યો છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે, અરજી રાજનીતિક સ્વાર્થ અને બદલાની ભાવનાની રાજનીતિક ઉપજ બની ગઈ છે.