જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી
ભીષણ અથડામણમાં ૧૨થી વધુ ત્રાસવાદીઓ ઠાર : હથિયારો જપ્ત
બાતમીના આધારે સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસનું સફળ ઓપરેશન : હિઝબુલનો કમાન્ડર પણ ફુંકાયો :ઓપરેશન ઓલઆઉટ જારી

શ્રીનગર, તા. ૧
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને આજે મોટી સફળતા હાથ લાગી હતી. ખીણના અનંતનાગમાં એક અને સોપિયનમાં બે જુદી જુદી અથડામણોમાં ૧૨થી વધુ ત્રાસવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. મોટી સફળતા સુરક્ષા દળોને મળી છે. કારણ કે ઠાર થયેલા ત્રાસવાદીઓમાં બે લેફ્ટી ઉંમર ફયાઝના હત્યારાઓ પણ હતા. અનંતનાગ અને સોપિયનમાં ત્રણ જગ્યાઓએ ઉપર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. બે જવાનો પણ શહીદ થયા છે. કેટલાક જવાનો ઘાયલ પણ થયા છે. તમામ ત્રાસવાદીઓ સ્થાનિક હતા. ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા બાદ સોપિયનમાં સ્થાનિક લોકોએ પથ્થરબાજી કરી છે જેમાં ૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે.દેખાવકારોને દૂર કરવા માટે પેલેટગનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માર્યા ગયેલા ત્રાસવાદીઓ પાસેથી હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. અન્ય એક ત્રાસવાદીને જીવતો પકડી લેવામાં આવ્યો છે. ધરપકડ કરવામાં આવેલા ત્રાસવાદી ઇન્ડિયન મુઝાહીદ્દીન સાથે જોડાયેલો હોવાના અહેવાલ મળ્યા છે. સુરક્ષા દળોએ અનંતનાગ અને સોપિયનમાં ત્રાસવાદીઓ છુપાયેલા છે તેવી બાતમી મળી હતી ત્યારબાદ સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસે સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. સોપિયનની કાર્યવાહીમાં હિઝબુલનો કમાન્ડર ઝીનત ઉલ ઇસ્લામ પણ ઠાર થયો છે. જમ્મુ કાશ્મીરના ડીજીપી શેશપાલ વૈદ્યએ કહ્યું છે કે, અનંતનાગના ડાયલ ગામમાં એક ત્રાસવાદીને ઠાર કરાયો છે અને અન્ય એકને પકડી લેવાયો છે. ઠાર થયેલા ત્રાસવાદીને પોલીસ તથા પરિવારના સભ્યોએ સમજાવવાનો પ્રયાસ સ્થાનિક હોવાથી અગાઉ કર્યા હતા પરંતુ શરણાગતિ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. સોપિયનમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓને ઠાર કરાયા છે. ગઇકાલે શનિવારના દિવસે પુલવામા જિલ્લામાં ત્રાસવાદીઓએ ખાસ પોલીસ અધિકારી મોહમ્મદ અશરફની હત્યા કરી દેવામાં આવી હતી. અશરફ હુમલામાં ગંભીરરીતે ઘાયલ થયો હતો. સારવાર માટે ખસેડવામાં આવતા આ પોલીસ અધિકારીનું મૃત્યુ થયું હતું. અનંતનાગ જિલ્લામાં ત્રાસવાદીઓના હુમલામાં અન્ય એક જવાનને પણ ઇજા થઇ હતી. હાલમાં ત્રાસવાદીઓ સામે એક પછી એક ઓપરેશન ચાલી રહ્યા છે. અનંતનાગ જિલ્લામાં પણ ત્રાસવાદીઓ સક્રિય થયેલા છે.