the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

નવા નાણાકીય વર્ષમાં બજાર સામેના મુખ્ય જોખમ

નવા નાણાકીય વર્ષમાં બજાર સામેના મુખ્ય જોખમ

ગયા સપ્તાહે ફેડરલ રિઝર્વની બેઠકના નિર્ણય અગાઉ બજારમાં સાવધ વલણ હતું. ફેડનો નિર્ણય ધારણા મુજબનો રહ્યો હતો. તેના પગલે વૈશ્વિક બજારમાં રિલીફ રેલી આવવી જોઈતી હતી, પરંતુ આ પરિબળને ધ્યાનમાં લેવામાં આવે તે પહેલાં વૈશ્વિક વેપારયુદ્ધથી બજારને અસર થઈ હતી.અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ચીનની ૬૦ અબજ ડોલર સુધીની આયાત સામે ટેરિફની દરખાસ્ત કરી હતી. તેના પગલે બેઠક બાદ તરત વૈશ્વિક બજારમાં સ્થિરતા આવી શકી ન હતી અને બજારમાં બે દિવસ ઘટાડો થયો હતો.હાલમાં વૈશ્વિક બજારમાં હકારાત્મક સેન્ટિમેન્ટ છે. બજાર માને છે કે ટ્રમ્પની આ જાહેરાતથી ચીનના અધિકારીઓ મંત્રણા માટે તૈયાર થશે અને અમેરિકા તેની ખાધમાં ઘટાડો કરી શકે તેવી વધુ સારી સમજૂતી કરી શકશે. આ સમજૂતીના આધારે નક્કી થશે કે વૈશ્વિકીકરણ સામેનું જોખમ માત્ર એક ધારણા હતી કે નહીં.ભારતનો સવાલ છે ત્યાં સુધી અમે સંકેત આપ્યો હતો કે બોન્ડ અને કરન્સી માર્કેટમાં રિઝર્વ બેન્કના ઓપન માર્કેટ એક્શનને કારણે બોન્ડની યીલ્ડમાં ઘટાડો થવાની શક્યતા છે. તે સમયે ૧૦ વર્ષના બોન્ડની યીલ્ડ ૭.૮ ટકા જેટલી ઊંચી હતી. વધુ પોઝિટિવ સરપ્રાઇઝ એ હતું કે કેન્દ્ર સરકારે ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષના બીજા છ મહિના માટે તેના ઋણ પ્રોગ્રામને ઘટાડીને ૨.૮૮ ટ્રિલિયન કર્યો છે. તેનાથી બોન્ડ માર્કેટ પરના દબાણમાં નોંધપાત્ર ઘટાડો થશે.૨૦૧૮-૧૯ માટે ૬ ટ્રિલિયનના કુલ ઋણનો અંદાજ છે. સરકારે પ્રથમ છ મહિના માટે ઋણના અંદાજ ઘટાડીને કુલ ઋણનો ૪૭.૫ ટકા કર્યો છે, જે ૬૦થી ૬૫ના સામાન્ય ઋણ કરતાં ઘણું નીચું છે. તેના પગલે બોન્ડની યીલ્ડ એક મહિના કરતાં ઓછા સમયમાં ૪૦ બેસિસ પોઇન્ટ્‌સ ઘટીને ૭.૩૮ ટકા થઈ છે અને તેના પરિણામ બોન્ડ અને ઇક્વિટી માર્કેટને ટૂંકા ગાળામાં સ્થિર થવામાં મદદ મળશે.આ હિલચાલ ખાસ કરીને ખાનગી બેન્કો અને એનબીએફસી માટે લાભકર્તા છે, કારણ કે બોન્ડમાં માર્ક-ટુ-માર્કેટ નુકસાન અને ભંડોળના ખર્ચમાં ઘટાડો થશે.તેનાથી ૨૦૧૭-૧૮ના નિરાશાજનક અંતની સરખામણીમાં ૨૦૧૯ના નાણાકીય વર્ષનો સારો પ્રારંભ થવાની ધારણા છે. આગામી સમયગાળામાં બોન્ડની યીલ્ડ અને રિડેમ્પશન પરના દબાણમાં ઘટાડો થશે. નાણાકીય વર્ષના છેલ્લા બે મહિનામાં લાર્જ-કેપ ઇન્ડેક્સ, મિડ-કેપ ઇન્ડેક્સ અને સ્મોલ-કેપ ઇન્ડેક્સમાં અનુક્રમે ૧૦ ટકા, ૧૩ ટકા અને ૧૬ ટકાનો ઘટાડો થયો હતો. સમગ્ર નાણાકીય વર્ષના સંદર્ભમાં જોઈએ તો ઊંચા વેલ્યુએશન, ક્રેડિટ ગ્રોથમાં ઘટાડો, રાજ્ય વિધાનસભાની ચૂંટણી અને હાલના વેપારયુદ્ધને કારણે વોલેટિલિટી જળવાઈ રહેવાની ધારણા છે.૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષ માટે નિફ્ટી અને સેન્સેક્સ માટે અમારો નવો ટાર્ગેટ ૧૦,૪૦૦ અને ૩૨,૦૦૦ છે, જે ૨૦૧૯-૨૦ સુધી ૧૫ ટકા અર્નિંગ ગ્રોથ સાથે એક વર્ષના ફોરવર્ડ ૧૬ ગણા પીઇ વેલ્યુએશન આધારિત છે. વ્યાજદરમાં વધારાના ટ્રેન્ડને કારણે વેલ્યુએશનમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે વૈશ્વિક બોન્ડની યીલ્ડમાં સુધારો, ચૂંટણીનાં પરિણામ અને વેપારયુદ્ધની ચિંતામાં ઘટાડો જેવાં પરિબળો આ અંદાજને અસર કરી શકે છે.બજારમાં એન્ટ્રી અને એક્ઝિટનો સમયગાળો, મજબૂત બેલેન્સશીટ સાથેના ડિફેન્સિવ, લો બીટા શેરોમાં રોકાણ વર્ષ દરમિયાન ચડિયાતા દેખાવ માટેનાં મુખ્ય પરિબળો છે. આઇટી અને ફાર્મા જેવા ડિફેન્સિવ શેરો તથા ગ્રામીણ વિસ્તારમાં મજબૂત હાજરી સાથેની ઘરેલુ અર્થતંત્ર પર ફોકસ કરતી કંપનીઓના શેરોનો પોર્ટફોલિયોમાં સમાવેશથી આ વર્ષે ચડિયાતો દેખાવ કરી શકાય છે.રોકાણકારો બીજાં ક્ષેત્રોની પણ વિચારણા કરી શકે છે. તેમાં એફએમસીજી, એગ્રો, ઇન્ફ્રા કંપનીઓ જેવાં ઘરેલુ બજારલક્ષી ક્ષેત્રો તથા સ્થિર બિઝનેસ અને બેલેન્સશીટ સાથેની નિકાસલક્ષી કંપનીઓનાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે.મિડ-કેપ અને લાર્જ-કેપ શેરોનાં વેલ્યુએશન એકંદરે પ્રીમિયમ છે. તેથી ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષની સરખામણીમાં આ શેરો સારો દેખાવ કરે તેવી શક્યતા ઓછી છે. સારા વળતર માટે સ્ટોક સ્પેસિફિક અભિગમ રાખવો જરૂરી છે.સરકારે હવે ઇ-વે બિલનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. ઇ-વે બિલના યોગ્ય અમલ બાદ જીએસટીની વાસ્તવિક અસર દેખાશે. તેનાથી પ્રારંભમાં નેગેટિવ અસર થશે. જો થોડા સપ્તાહમાં સ્થિતિ રાબેતા મુજબ નહીં થાય તો ઊંચી રાજકોષીય ખાધ અને ઊંચા વ્યાજદરની ચિંતા ફરી ઊભી થશે.કેન્દ્રમાં સત્તાધારી પક્ષના એક પછી બીજા રાજ્યની ચૂંટણી આવશે. તેનાથી સરકાર ચલાવવા કરતાં ચૂંટણી જીતવા પર વધુ ફોકસ થશે. તેથી આ વર્ષે કોઈ મોટા સુધારાની આશા ન રાખશો.અમેરિકાની ફેડરલ રિઝર્વ તેની બેલેન્સશીટમાં ઘટાડો કરશે. વિશ્વના બીજા દેશોની મધ્યસ્થ બેન્કો પણ આવું કરશે, કારણ કે આ વર્ષે વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં ગતિનો અંદાજ છે. તેથી અર્નિંગ મલ્ટિપલમાં નરમાઈની ધારણા છે. આ વર્ષે તેમાં વધારાનો કોઈ અવકાશ નથી.એસઆઇપી મારફત પ્રથમ વખત રોકાણ કરતા ઘણા લોકો બજારમાં કરેક્શનનો અનુભવ કરી રહ્યા છે. તેઓ ભવિષ્યમાં કેવો નિર્ણય કરે છે તેના પર બજારના દેખાવનો આધાર છે. હું તેમના ખાતર આશા રાખું છું કે તેઓ વધુ રોકાણ કરશે અને તેમની એસઆઇપી રકમમાં વધારો કરશે. જો નાણાપ્રવાહમાં ઘટાડો થશે તો આપણને ભાવમાં કરેક્શન જોવા મળી શકે છે.અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે એલ્યુમિનિયમ અને સ્ટીલ પર ટેરિફ લાદી છે. તેનાથી સંપૂર્ણ કક્ષાનું વેપારયુદ્ધ ચાલુ થવાની ચિંતા છે. મારો અભિપ્રાય છે કે આ હિલચાલ માત્ર ચીનની મંત્રણા માટે તૈયાર કરવા માટેની છે. પરંતુ જો ચીન પ્રતિક્રિયા આપશે તો આપણને વૈશ્વિક વૃદ્ધિમાં ઘટાડો જોવા મળી શકે છે.ઊંચા જીડીપી વૃદ્ધિદરની સાથે ભારતના ઇક્વિટી માર્કેટનો અર્નિંગ ગ્રોથ મજબૂત રહેવાની ધારણા છે. ભારતના કોર્પોરેટ અર્નિંગમાં ડાઉનટ્રેન્ડ છે. કંપનીઓનો નફો જીડીપીના માત્ર ૩.૧ ટકા છે, જે પાંચ વર્ષ પહેલાં જીડીપીનો ૪.૨ ટકા અને દસ વર્ષ પહેલાં જીડીપીના ૭.૧ ટકા હતો. જોકે અર્નિંગના અંદાજમાં રિકવરીના સંકેત મળે છે. ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષમાં નિફ્ટી ઇન્ડેક્સની કંપનીઓની ઇપીએસમાં અનુક્રમે ૨૨ ટકા અને ૧૮ ટકા વૃદ્ધિનો અંદાજ છે.અગાઉ અમે અંદાજ આપ્યો હતો કે તેજીના બજારની જગ્યાએ મને હવે રેન્જ બાઉન્ડ માર્કેટની ધારણા છે. તમે શું ખરીદો છો અને શા માટે ખરીદો છો તે અંગે સાવધ રહો. તમે ખરીદ્યા હોય તેવા શેરો ઊંચા સ્તરે ન જાય અને ઊંચા સ્તરે જાય અને તમને વળતર આપે તે પહેલાં તેમાં કરેક્શન થાય તેવી સ્થિતિ માટે તૈયાર રહો.રેન્જ બાઉન્ડ માર્કેટમાં યોગ્ય શેરોની પસંદગી બજારમાં કમાણી કરવાનો એકમાત્ર વિકલ્પ હશે. મને લાંબા ગાળા માટે વીમા ક્ષેત્ર પસંદ છે.૧૫-૧૭ દરમિયાન ભારતની જીવન વીમા કંપનીઓના કુલ પ્રીમિયમમાં આશરે ૨૪.૪ ટકા સીએજીઆરએ વૃદ્ધિની ધારણા છે. આ ઉપરાંત ભારતમાં વીમા ક્ષેત્રનો વ્યાપ નીચો છે. દેશમાં વીમા ક્ષેત્રનો વ્યાપ ૨.૭ ટકા છે. આની સામે વૈશ્વિક સરેરાશ ૩.૫ ટકા છે.વીમા પોલિસીના વેચાણના સંદર્ભમાં માત્ર બે ટકા વસતિ પાસે વ્યક્તિગત વીમા કવચ છે. આની સામે બીજા વિકસિત દેશોમાં આ પ્રમાણ ૮૫થી ૯૦ ટકા જેટલું ઊંચું છે. આ દર્શાવે છે કે ભારતના વીમા બજારમાં પુષ્કળ તક છે.સાનુકૂળ વસતિ વિષયક વિવિધતા, હાઉસહોલ્ડ ઈન્કમમાં વધારા સાથે સમૃદ્ધિમાં વધારો અને નાણાકીય સુરક્ષા માટેની જાગૃતિમાં વધારાને કારણે ભારતમાં જીવન વીમા બિઝનેસના વિકાસની પુષ્કળ તક છે. ગયા બજેટમાં એલટીસીજી ટેક્સમાં યુલિપને માફી આપવામાં આવી છે, જેનાથી તે મ્યુચ્યુઅલ ફંડ્‌સ કરતાં વધુ સારો વિકલ્પ બને છે. તેનાથી વીમા કંપનીઓની એયુએમમાં વધારો થશે. તેથી વીમા કંપનીઓ અને ખાસ કરીને જીવન વીમા કંપનીઓના શેરોનો તમારા પોર્ટફોલિયોમાં સમાવેશ કરો.