આજથી દેશભરમાં કિસાન કલ્યાણ કાર્યશાળા યોજાશે

આજથી દેશભરમાં કિસાન કલ્યાણ કાર્યશાળા યોજાશે
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાઓની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને ભાજપે પોતાનું રાષ્ટ્રવ્યાપી જનસંપર્ક અભિયાન શરૂ કર્યું

નવીદિલ્હી
વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવા અને ખેડૂતોમાં જાગૃતિ લાવવાના ભાગરૂપે આવતીકાલે દેશભરમાં કિસાન કલ્યાણ કાર્યશાળા યોજાશે. જેમાં કિસાનોનું કલ્યાણ થાય કે નહીં પણ સરકાર પોતાનું કલ્યાણ કરી દેશે. વડાપ્રધાન મોદીના ગ્રામ સ્વરાજ અભિયાન અને તેના ઉદેશને સફળ બનાવવા માટે ભાજપે ૧૪ એપ્રિલથી પાંચ મે સુધી અભિયાનના શ્રીગણેશ કર્યા હતા. જેને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની તૈયારી રૂપે જોવામાં આવે છે. કર્ણાટક બાદ આ જ વર્ષના અંતમાં યોજાનારી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાઓની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને ભાજપે પોતાનું રાષ્ટ્રવ્યાપી જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે. જે ૫મી મે સુધી ચાલશે. દેશભરમાં ખેડૂતો પાકના ભાવ અને પાકવીમાની બુમરાણ પાડી રહ્યાં છે ત્યારે સરકાર ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે કરોડો રૂપિયાનો ધૂમાડો કરી રહી છે. એક તાલુકા દીઠ ૨.૫૦ લાખ રૂપિયાનો ખર્ચ કરવાનો ટાર્ગેટ મૂકાયો છે. ગુજરાતમાં જ ૨૪૭ તાલુકામાં યોજાનારી કિસાન કલ્યાણ કાર્યશાળા માટે અધિકારીઓને ૫૦૦ માણસો હાજર રાખવાના લેખિતમાં આદેશો અપાયા છે. મોદી સરકાર જ્યારે સત્તા પર આવી હતી ત્યારે ખેડૂતોને પડતર કિંમત પર ૫૦ ટકા નફો આપવાની મોટીમોટી વાતો વચ્ચે હવે ખેડૂતોને દોઢી કિંમત આપવાના વાયદા કરી રહી છે. ખરેખર વર્ષ ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક ડબલ કરવા ૧૩થી ૧૪ ટકાના વિકાસદરે પ્રગતિ સામે ૨.૧ ટકા વિકાસ દર હાલમાં છે. કેન્દ્ર સરકાર નવા તૂત ઉભા કરી ખેડૂતોની વાહવાહી મેળવી રહી છે. ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ૨મેના રોજ દેશના ૫,૪૦૦ થી વધુ તાલુકામાં કિસાન કલ્યાણ કાર્યશાળા યોજાશે. જેમાં ફક્ત આયોજન પાછળ જ ૧૩૫ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ખેડૂતોને કીટ, ભોજન, વ્યવસ્થા સહિતનો ખર્ચનો આંક ૫૦૦ કરોડ રૂપિયાએ પહોંચશે. આમ કિસાન કલ્યાણ શાળામાં કિસાનોનું કલ્યાણ થાય કે નહીં પણ ભાજપ પોતાનું કલ્યાણ કરી રહી છે. ખેડૂતા ભાવના મામલે બુમરાણ પાડી રહ્યાં છે અને ભાજપ લોકસભાની ચૂંટણીના સોગઠાં ગોઠવી રહી છે.રાજયના ખેડૂતોનનું કૃષિ ઉત્પાદન પાંચ વર્ષમાં બમણું કરવાના ઉદેશ સાથે સૌ પ્રથમ વર્ષ-૨૦૦૫-૦૬માં કૃષિ મહોત્સવ-૨૦૦૫ તરીકે શરૂઆત કરવામાં આવી હતી. કૃષિ મહોત્સવ રાજય સરકારનો એક માસ લાંબો અને ઘનિષ્ટ વિસ્તરણ કાર્યક્રમ હતો. હવે ખેડૂતોને પૂછવાની જરૂર છે કે, ઉત્પાદન બમણું થયું છે કે, કેમ કારણ કે ખેડૂતોનું ઉત્પાદન તો બમણું થયું નથી પણ મહિનાનો કાર્યક્રમ એક દિવસનો થઈ ગયો છે અને ગુજરાતમાં પણ એક દિવસમાં ૩૦ કરોડ રૂપિયાનું આંધણ થઈ જશે. દેશમાં કપાસને બાકાત રખાય તો એક પણ પાકના ખેડૂતોને ટેકાના ભાવ પણ સરકાર અપાવી શકી નથી. કઠોળના ભાવ ટેકાથી ૨૫ ટકા નીચા છે. તેલીબિયાં પાકોમાં રાઈ, એરંડા અને સોયાબીનની પણ આ જ સ્થિતિ છે.
દેશમાં લગ્નની સિઝન હવે પૂર્ણતાને આરે છે ત્યારે સૌથી મોટો તડાકો મંડપ, સ્ટેજ, ડેકોરેશનના સંચાલકોને થવાનો આવે છે. તેમના માટે તો સિઝન આવી છે. દેશભરમાં સરકાર ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત કાર્યક્રમો કરાવી રહી છે. જેમાં તેમને બખ્ખાં થઈ રહ્યાં છે. સરકારી પૈસાથી મળતિયાં કમાઇ રહ્યાં છે.ગુજરાત સરકારે આ વર્ષે કૃષિધિરાણ માટે ૧૦ લાખ કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરી છે. ગુજરાત સરકારે પણ સબસિડી જાહેર કરતાં માત્ર એક ટકાના દરે આ વર્ષે ખેડૂતોને કૃષિધિરાણ મળવાનું છે. ઘણાં રાજ્યોમાં ખેડૂતો કૃષિધિરાણ લઈને જ ખેતી કરે છે. આ યોજનાને ખેડૂતોને દેવાદાર બનાવતી સ્કીમ તરીકે પણ ગણાવાઈ છે. છેલ્લાં બે વર્ષથી કૃષિધિરાણ સાથે સરકારે પાકવીમો એ ફરજિયાત કર્યો છે. દેશમાં ૧૪ કરોડ ખેડૂતો કૃષિધિરાણનો લાભ લે છે. વર્ષ ૨૦૧૬માં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ લોન્ચ થયેલી પ્રધાનમંત્રી પાકવીમા યોજના ૨૬ ટકા સુધી પહોંચી છે. સરકાર આ વર્ષે ૪૦ ટકા એટલે કે ૭૭૬ લાખ હેક્ટર જમીનનો પાકવીમો ખેડૂતો ઉતારે માટે પ્રયત્નો કરી રહી છે, સરકાર વર્ષ ૨૦૧૯ સુધી આ યોજનાને ૫૦ ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક ધરાવે છે. સરકારની આ યોજનાથી ખેડૂતોનું ભલું થાય કે નહીં પણ પાકવીમા સાથે સંકળાયેલી કંપનીઓને તો બખ્ખાં થઈ ગયાં છે.વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી સુધી દેશમાં સાત રાજ્યોની ચૂંટણી છે. ખેડૂતોની દેવાં માફીની યોજના આગળ વધી તો અડધા દેશમાં લોકસભાની ચૂંટણી સુધી ખેડૂતોનાં દેવાં માફ કરવા પડશે. દેશના ટેક્સધારકોના પૈસા સરકારો ચૂંટણી ઢંઢેરાના પેટે ખેડૂતો પર વેડફી રહી હોવાનો શહેરી પ્રજા બળાપો ઠાલવી રહી છે. ખેડૂતોનાં દેવાં માફીના કોઈ ધારાધોરણો જ નથી. દેશમાં એક હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને માથે સરેરાશ ૩૧,૧૦૦ રૂપિયા અને ૧૦ હેક્ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતના માથે લગભગ ૨.૯૦ લાખ રૂપિયા દેવું છે. નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યા ૬ કરોડ છે. દેશના ખેડૂતોની સ્થિતિથી ગુજરાતની સ્થિતિ અલગ નથી પણ દેવાં માફીની યોજના જ ખેડૂતોને સદ્ધરતા આપવાનો એકમાત્ર વિકલ્પ નથી. બેન્કો એનપીએ ઓછી બતાવવા માટે વચલો માર્ગ કાઢે છે. ખેડૂતોને લોન આપી નાણાં ભરાવે છે અને નવા વર્ષે નવી લોન આપે છે. આમ ખેડૂતોના માથા પર એક પ્રકારનું વ્યાજનું ચક્ર ચાલુ જ રહે છે.