ઉથલપાથલ વચ્ચે સેંસેક્સ ૧૬ પોઇન્ટ સુધરીને અંતે બંધ રહ્યો

નિફ્ટી ૨૧ પોઇન્ટ ઘટીને ૧૦૭૧૮ની સપાટી પર રહ્યો
ઉથલપાથલ વચ્ચે સેંસેક્સ ૧૬ પોઇન્ટ સુધરીને અંતે બંધ રહ્યો
યુએસ ફેડરલ રિઝર્વની પોલિસી સમીક્ષા બેઠકના પરિણામ પહેલા રોકાણકારો જોખમ લેવા તૈયાર ન થયા : એચસીએલના શેરમાં ૪.૫ ટકાનો મોટો ઘટાડો

મુંબઇ,તા. ૨
શેરબજારમાં આજે ફ્લેટ સ્થિતિ રહી હતી. ઉથલપાથલના અંતે સેંસેક્સ ૧૬ પોઇન્ટ સુધરીને ૩૫૧૭૬ની સપાટીએ રહ્યો છે જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૨૧ પોઇન્ટ ઘટીને ૧૦૭૧૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો. મેટલ અને આઈટી ઇન્ડેક્સના શેરમાં મોટો કડાકો રહ્યો હતો. ઘરઆંગણે એચસીએલ ટેકનોલોજીના શેરમાં ૪.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. તેના શેરમાં જંગી ઘટાડો થતાં અફડાતફડી રહી હતી. આઈટીની આ મહાકાય કંપનીના શેરમાં ઘટાડો થવા માટે કેટલાક કારણ રહ્યા હતા જે પૈકી આજે તેના ચોથા ત્રિમાસિક ગાળામાં નેટ નફામાં ઘટાડાના આંકડાનો સમાવેશ થાય છે. એશિયન શેરબજારમાં ઉદાસીનતા રહી હતી. ગઇકાલે મહારાષ્ટ્ર ડેના કારણે સ્ટોક, કોમોડીટી અને ફોરેક્સ માર્કેટમાં રજા રહી હતી.સોમવારે તેજીનું મોજુ રહ્યું હતું. સોમવારે કારોબારના અંતે સેંસેક્સ ૧૯૧ પોઇન્ટ સુધરીને ૩૫૧૬૦ની સપાટીએ રહ્યો હતો. કારોબારના અંતે નિફ્ટી ૪૭ પોઇન્ટ ઉછળીને ૧૦૭૩૯ની સપાટી ઉપર રહ્યો હતો. આ સપ્તાહ દરમિયાન અનેક મોટી કંપનીઓ તેમના પરિણામ જાહેર કરશે. અદાણી પોર્ટ, અદાણી પાવર, ઇમામી, એચસીસી, એલએન્ડટી ફાઈનાન્સ, એમઆરએફ, પીએન્ડજી હાઉસિંગ, વેદાંતા દ્વારા ત્રીજી મેના દિવસે પરિણામો જાહેર કરવામાં આવશે. અંબુજા સિમેન્ટ, ગોદરેજ, ઇન્ડિયન બેંક, પીવીઆર દ્વારા શુક્રવારના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને હાલમાં મોટી રાહત થઇ હતી. કારણ કે હોલસેલ કિંમતો પર આધારિત ફુગાવો આંશિકરીતે ઘટીને માર્ચમાં ૨.૪૭ ટકા થઇ ગયો હતો.
હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સના આધાર પર ફુગાવો ફેબ્રુઆરી મહિનામાં ૨.૪૮ ટકા હતો. જ્યારે ગયા વર્ષે માર્ચમાં ફુગાવો ૫.૧૧ ટકા હતો. બીજી બાજુ રિટેલ ફુગાવામાં પણ હાલમાં ઘટાડો નોંધાયો હતો. રિટેલ ફુગાવો માર્ચ મહિનામાં ઘટીને ૪.૨૮ ટકા રહ્યો છે. જે પાંચ મહિનાની નીચી સપાટી ઉપર છે.આરબીઆઈની વર્ષ ૨૦૧૮-૧૯ની તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા છઠ્ઠી એપ્રિલના દિવસે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ, બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યા હતા. તમામ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા.શેરબજારમાં હાલમાં જોરદાર ઉતારચઢાવની સ્થિતી જોવા મળી રહી છે.