એમસીએક્સની સ્થાપના માટે કોઈ અનુચિત વ્યવહાર કરાયો ન હતો, સીબીઆઇને બ્રોકરોએ અને એફએમસીના ભૂતપૂર્વ ચેરમેને ગેરમાર્ગે દોરી છે – જિજ્ઞેશ શાહ

એમસીએક્સની સ્થાપના માટે કોઈ અનુચિત વ્યવહાર કરાયો ન હતો, સીબીઆઇને બ્રોકરોએ અને એફએમસીના ભૂતપૂર્વ ચેરમેને ગેરમાર્ગે દોરી છે – જિજ્ઞેશ શાહ
મુંબઈ : ગુરુવારે પત્રકાર પરિષદને સંબોધી રહેલા

JIgnesh_Shah_n_others (1)

(ડાબેથી) ૬૩ મૂન્સ ટેક્નોલોજીસના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર ન્યાયમૂર્તિ (નિવૃત્ત) રાજન કોચર, સ્થાપક જિજ્ઞેશ શાહ, ચેરમેન વેંકટ ચારી અને એમડી-સીઈઓ એસ. રાજેન્દ્રન

“એફટીઆઇએલે એમસીએક્સની સ્થાપના કરતી વખતે તમામ નિયમોનું પાલન કર્યું હતું તથા એક્સચેન્જનું લિસ્ટિંગ કરાવીને મૂલ્યનિર્ધારણનો સૌથી વધુ પારદર્શક માર્ગ અપનાવ્યો હતો. આથી નિયમપાલન કર્યા વગર એમસીએક્સની સ્થાપના કરવામાં આવી એમ કહી શકાય નહીં.” એફટીઆઇએલ (નવું નામ ૬૩ મૂન્સ ટેક્નોલોજીસ)ના સ્થાપક અને ચેરમેન ઈમેરિટસ જિજ્ઞેશ શાહે ગુરુવારે પત્રકાર પરિષદમાં ઉક્ત નિવેદન કર્યું હતું. એમસીએક્સ માટે મંજૂરી મેળવવા એફટીઆઇએલે અનુચિત વ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ કરીને સીબીઆઇએ જિજ્ઞેશ શાહના નિવાસસ્થાન અને ૬૩ મૂન્સના કાર્યાલયમાં ઝડતીની કાર્યવાહી કરી હતી. એ સંબંધે સ્પષ્ટતા કરતાં જિજ્ઞેશભાઈએ કહ્યું હતું કે સૈદ્ધાંતિક મંજૂરી અને આખરી મંજૂરી વચ્ચે નિયમપાલન માટે સમય આપવામાં આવ્યો હતો. આવું તો બધાં નિયમનકારો કરે છે, તેમાં કંઈ અજુગતું નથી.
કંપનીના અખબારી નિવેદનમાં આ બાબતે કહેવામાં આવ્યું હતું કે સીબીઆઇને કેટલાક બ્રોકરોએ અને એફએમસીના એક ભૂતપૂર્વ ચેરમેને ગેરમાર્ગે દોરી છે. ખરી રીતે તો બીજાં એક્સચેન્જો લિસ્ટિંગ કરાવવાથી દૂર ભાગી રહ્યાં હતાં એવા સમયે લિસ્ટિંગ કરાવવામાં એમસીએક્સ અગ્રેસર રહ્યું. ડિમ્યુચ્યુઅલાઇઝેશનના નિયમનું પાલન કરવા માટે બીએસઈને એક વર્ષનો અને એનએસઈને બે વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. સૌથી જૂની નિયમનકાર સંસ્થા – રિઝર્વ બૅન્કે આ જ માપદંડનું પાલન કરવા માટે કોટક અને યસ બૅન્કને દસ વર્ષનો સમય આપ્યો હતો.
જિજ્ઞેશ શાહે કહ્યા મુજબ નિયમપાલનનો પ્રશ્ન સેબી અને મર્ચન્ટ બૅન્કરોના હાથમાં હોય છે, એફટીઆઇએલ અને ફોરવર્ડ માર્કેટ્‌સ કમિશન (એફએમસી) તેમાં ક્યાંય વચ્ચે આવતાં નથી. એમસીએક્સને અપાયેલી મંજૂરીને લગતા દસ્તાવેજો એમસીએક્સ, ગ્રાહકસંબંધી બાબતોના મંત્રાલય અને એફએમસી પાસે હોય. મારી સામેની ઝડતીની કાર્યવાહી તો ફક્ત પ્રતિષ્ઠા ખરડવા માટે હતી.