કઠુઆ ગેંગરેપ-મર્ડર કેસ અંતે પઠાણકોટ ખસેડવાનો આદેશ

મામલામાં સીબીઆઈ તપાસ માટેની માંગણીઓ સુપ્રીમે ફગાવી
કઠુઆ ગેંગરેપ-મર્ડર કેસ અંતે પઠાણકોટ ખસેડવાનો આદેશ
મામલાની દરરોજની સુનાવણી થશે અને રેકોર્ડિંગ પણ થશે : પઠાણકોટમાં ચાલનાર ચકચારી કેસ ટ્રાયલ ઉપર સુપ્રીમ કોર્ટની ચાંપતી નજર પણ રહેશે

 

kathua copy

નવીદિલ્હી,તા. ૭
એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે કઠુઆ ગેંગરેપ મામલાની સુનાવણી પંજાબમાં ટ્રાન્સફર કરી દીધી છે. પંજાબના પઠાણકોટમાં આ કેસ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલાની સીબીઆઈ તપાસની માંગણીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું છે કે, આ મામલામાં દરરોજ સુનાવણી થશે અને રેકોર્ડિંગ થશે. હવે આ મામલાની આગામી સુનાવણી ૯મી જુલાઈના દિવસે થશે. અત્રે નોંધનીય છે કે, જમ્મુના કઠુઆમાં એક સગીરા યુવતી સાથે ગેંગરેપ કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલાને લઇને દેશભરમાં ભારે હોબાળો થયો હતો. આંતરરાષ્ટ્રીય મિડિયામાં પણ આ મામલો ચમક્યો હતો. આની સાથે જ કોર્ટે જમ્મુ કાશ્મીર સરકારને પઠાણકોટના મામલાની સુનાવણી માટે સરકારી વકીલ નિયુક્ત કરવાની મંજુરી પણ આપી દીધી છે. સાથે સાથે સરકારને પીડિતાના પરિવાર, તેના વકીલો અને સાક્ષીઓને પુરતી સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે પણ સૂચના આપી છે. કેસ પઠાણકોટ ટ્રાન્સફર કરતા પહેલા કોર્ટે ઉધમપુર, જમ્મુ, રામબાણ સહિત અનેક જગ્યાઓ ઉપર વિચારણા કરવામાં આવી હતી. અલબત્ત પીડિતાના પરિવારે રામબાણ સિવાય અન્ય કોઇ જગ્યાએ સુનાવણી થાય તે અંગે તૈયારી દર્શાવી ન હતી. આજે કોર્ટે કઠુઆ ગેંગરેપની સુનાવણી પઠાણકોટમાં કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, મામલાની તપાસ સીબીઆઈને સોંપવાની અપીલ સાથે સંબંધિત જુદી જુદી અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વમાં પીઠે આ ચુકાદો આપ્યો હતો. લઘુમતિ સમુદાયની આઠ વર્ષીય બાળકી ૧૦મી જાન્યુઆરીના દિવસે જમ્મુ ક્ષેત્રમાં કઠુઆ નજીક પોતાના ઘરથી લાપત્તા થઇ ગઇ હતી. એક સપ્તાહ બાદ એજ વિસ્તારના બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. છેલ્લી સુનાવણી દરમિયાન કઠોર ચેતવણી આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મારી વાસ્તવિક ચિંતા મામલાની નિષ્પક્ષ સુનાવણીને લઇને છે. જો તેમાં થોડીક પણ ખામી રહેશે તો આ મામલાને જમ્મુ કાશ્મીરની સ્થાનિક કોર્ટની બહાર ખસેડવામાં આવશે. બાળકીના પિતાએ પોતાના પરિવાર, પરિવારના એક મિત્ર અને પોતાના વકીલની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી અને કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તમામને પુરતી સુરક્ષા આપવા માટે કહ્યું હતું. ગેંગરેપ-મર્ડરના મામલામાં ટ્રાયલ હવે પઠાણકોટમાં ખસેડવામાં આવી ચુકી છે. ઇન કેમેરા આધાર પર દરરોજ સુનાવણી ચાલશે. સુપ્રીમ કોર્ટે ડિસ્ટ્રીક્ટ અને સેશન જજ પઠાણકોટને પણ સૂચના જારી કરી દીધી છે. અંગતરીતે ટ્રાયલ કાર્યવાહી હાથ ધરવા સુચના આપવામાં આવી છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે, તે ટ્રાયલના પ્રગતિ ઉપર સમય સમય પર નજર રાખશે. કેસને ચંદીગઢ ખસેડવાની માંગણી પિતા તરફથી કરવામાં આવી હતી. આ ઉપરાંત આરોપીએ પણ પોલીસ પાસેથી સીબીઆઈને આ કેસ સોંપી દેવા રજૂઆત કરી હતી. રાજ્યની ક્રાઈમ બ્રાંચે સાત લોકોની સામે મુખ્ય ચાર્જશીટ દાખલ કરી હતી. આ ઉપરાંત ગયા સપ્તાહમાં જ કઠુઆ જિલ્લામાં કોર્ટમાં એક જુએનાઇલ સામે અલગ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.